
આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને ડેન્ગ્યુની સારવાર લઈ રહેલા જવાનોના સ્વાસ્થ્ય અંગે તાકીદની સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ હોસ્પિટલમાં દાખલ જવાનોના ખબર-અંતર પૂછી તેમનું મનોબળ વધાર્યું હતું. આ સાથે જ તેમણે સિવિલ હોસ્પિટલના તબીબો અને સુપ્રિન્ટેન્ડેન્ટ સાથે બેઠક યોજી જવાનોને આપવામાં આવી રહેલી સારવારની વિગતવાર માહિતી મેળવી હતી અને ઉત્તમમાં ઉત્તમ સારવાર સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કેવડિયા સ્થિત ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે આયોજિત પરેડ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી ગુજરાત આવેલા સુરક્ષા દળોના જવાનોની આરોગ્ય વિષયક સ્થિતિ અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ મહત્વની વિગતો આપી હતી.મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યુ હતું કે, ઓરિસ્સા, ઝારખંડ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી આવેલા BSF, CRPF તથા ITBPના આશરે ૮૭ જવાનોને તાવ અને અન્ય શારીરિક અસ્વસ્થતાની ફરિયાદ બાદ તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

તબીબોની સઘન સારવાર અને યોગ્ય સંભાળને કારણે જવાનોની તબિયતમાં ઝડપી સુધારો નોંધાયો છે. છેલ્લા 10 દિવસ મા કુલ ૮૭ દાખલ થયેલ જેમાંથી ૫૦ જવાનો પૂર્ણપણે સાજા થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. જ્યારે બાકીના ૩૭ જવાનો હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, હાલ તમામ ૩૭ જવાનોનું સ્વાસ્થ્ય સ્થિર અને સુધારા પર છે તથા કોઈ પણ જવાનની સ્થિતિ ગંભીર નથી.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા સુરક્ષા દળોના જવાનોની સ્વાસ્થ્ય સમીક્ષા કરતી વખતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ અત્યંત સંવેદનશીલ અભિગમ દાખવ્યો હતો. મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ જવાનો સરહદ પર દેશની રક્ષા કરે છે, તેથી તેમની આ મુશ્કેલ સમયમાં યોગ્ય રક્ષા અને સંભાળ કરવાની નૈતિક જવાબદારી આપ સૌ ડોક્ટરોની છે. સારવારમાં કોઈ ખામી ન રહી જાય તે માટે મંત્રીશ્રીએ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. મીતા પરીખ અને તબીબોની ટીમને ખાસ દિશા-નિર્દેશ આપ્યા હતા. જેમાં સારવાર હેઠળના જવાનો પૂરતા પ્રમાણમાં પાણી પીવે તે સુનિશ્ચિત કરવા તબીબોને જણાવ્યું હતું. આ ઉપરાંત, જવાનોને સવારે ન્યુટ્રિશનયુક્ત નાસ્તો, તાજા ફળો, ફ્રૂટ જ્યુસ, સલાડ અને ડોક્ટરોની ભલામણ મુજબનું પૌષ્ટિક ભોજન સમયસર મળી રહે તેવી વિશેષ સુવિધા ઉભી કરવા સૂચના આપી હતી.વધુમાં ડેન્ગ્યુની સારવાર દરમિયાન કોઈ પણ જવાનને પ્લેટલેટ્સની તાકીદે જરૂર પડે તો તે માટે રક્ત અને પ્લેટલેટ્સના પૂરતા સ્ટોકની સમીક્ષા આરોગ્ય મંત્રીશ્રીએ કરી હતી તેમજ વહેલી તકે ત્વરિત સારવાર પૂરી પાડવા આદેશ આપ્યો હતો.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રહેલા જવાનો પૈકી એક જવાનના અચાનક થયેલા દુઃખદ અવસાન અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
આ કમનસીબ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ ખૂબ જ દુઃખદ અને આઘાતજનક ઘટના છે. દેશની સેવા કરતા જવાને ગુમાવવો એ આપણા સૌ માટે મોટી ક્ષતિ છે. અમે સ્વર્ગસ્થ જવાનના શોકગ્રસ્ત પરિવારના દુઃખમાં સહભાગી છીએ અને સમગ્ર રાજ્ય સરકાર વતી પરિવારજનો પ્રત્યે ઊંડી સાંત્વના પાઠવીએ છીએ.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જવાનના દુઃખદ અવસાન અંગે વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં હોસ્પિટલમાં દાખલ તમામ જવાનોની સ્થિતિ એકસરખી અને સ્થિર હતી. પરંતુ, એક જવાને અચાનક છાતીમાં અસહ્ય દુખાવાની ફરિયાદ કરી હતી. તબીબોની ટીમે તાત્કાલિક ધોરણે ત્વરિત પગલાં લઈને ઇસીજી સહિતની જરૂરી કાર્ડિયાક તપાસ હાથ ધરી હતી અને જવાનને ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, સઘન સારવાર છતાં જવાનને બચાવી શકાયા નહોતા.

તબીબોના પ્રાથમિક તારણ અંગે માહિતી આપતા તેમણે ઉમેર્યું હતું કે, જવાન તાવ અને શારીરિક અસ્વસ્થતા હોવા છતાં તેમની રોજિંદી ભારે કસરત કે વર્કઆઉટ ચાલુ રાખતા હતા, જેના કારણે કદાચ કાર્ડિયાક અરેસ્ટ – હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની આશંકા છે. જોકે, જવાનના મૃત્યુનું સાચું અને ચોક્કસ કારણ ફાઇનલ પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે.
જવાનોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગેની કામગીરીની માહિતી આપતાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના અને માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ દિવસથી જ નક્કર સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. જવાનો જ્યાં રોકાયા છે તે રહેઠાણના સ્થળો પર મચ્છરના ઉપદ્રવને અટકાવવા માટે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દૈનિક બે વાર ફોગિંગ તેમજ કીટકનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, આરોગ્ય વિભાગની એક વિશેષ ટીમ દ્વારા જવાનોના રહેઠાણ સ્થળે સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું ૨૪/૭ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા જવાનો માટે હોસ્પિટલના નિષ્ણાંત રેસિડેન્ટ ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે, જેમના દ્વારા તમામ જવાનોને તાત્કાલિક ધોરણે ત્વરિત અને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી રહી છે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.