ભગવાન બિરસા મુંડાના શૌર્ય, સંઘર્ષ અને બલિદાનને યાદ કરી પાટણમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી
આદિજાતિ લાભાર્થીઓને સરકારી સહાયના લાભોનું વિતરણ કરાયું, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ અને બલિદાનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા ધારાસભ્યશ્રી બળવંતસિંહ રાજપૂતનું આહ્વાન પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું
ભગવાન બિરસા મુંડાના શૌર્ય, સંઘર્ષ અને બલિદાનને યાદ કરી પાટણમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી
આદિજાતિ લાભાર્થીઓને સરકારી સહાયના લાભોનું વિતરણ કરાયું, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ અને બલિદાનમાંથી પ્રેરણા લઈ વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનવા ધારાસભ્યશ્રી બળવંતસિંહ રાજપૂતનું આહ્વાન
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું

દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિજાતિ સમાજના અમૂલ્ય યોગદાન, શૌર્ય અને ગૌરવશાળી ઇતિહાસને જનમાનસ સુધી પહોંચાડવાના ઉમદા આશય સાથે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ તા. ૧૫ નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા સીમાચિહ્નરૂપ જનમોત્સવ કાર્યક્રમોની ઉજવણી અંતર્ગત પાટણ સહિત રાજ્યના ૨૦ બિનઆદિજાતિ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લામાં એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે નગરપાલિકા પાટણના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન રાવળના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં આદિજાતિ સમાજની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતાં બાળકોએ પરંપરાગત નૃત્ય અને સંગીતની સુંદર પ્રસ્તુતિ કરી હતી. આદિજાતિ સમાજના વિકાસ અને ઉત્થાનને આવરી લેતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવોના હસ્તે આદિજાતિ લાભાર્થીઓને વિવિધ સરકારી સહાયના લાભો તથા ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આદિજાતિ સમાજમાંથી MBBSનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની તનિષાએ પોતાના પ્રતિભાવો રજૂ કરી શિક્ષણ અને પ્રગતિના માર્ગે આગળ વધવા અન્ય યુવાનોને પ્રેરણા પૂરી પાડી હતી.
પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યશ્રી બળવંતસિંહ રાજપૂતે ભગવાન બિરસા મુંડાના જીવનસંઘર્ષ, શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લેવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરીને આદિજાતિ સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને યોગદાનને વૈશ્વિક ઓળખ અપાવવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે. તેમણે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આદિજાતિ સમાજને સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ. પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડૉ. મેહુલ બરસારા, પ્રદેશ મંત્રીશ્રી સંજય દેસાઈ, એપીએમસી ચેરમેનશ્રી સ્નેહલ પટેલ, આદિજાતિ ભીલ ગુજરાત સંગઠનના પ્રમુખશ્રી વિપુલ રાણા, અગ્રણીશ્રી હરજીભાઈ ભીલ સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને આદિજાતિ સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.