કટોકટી લાદીને લોકતંત્રનું ગળું દબાવનાર કોંગ્રેસ આજે લોકતંત્રની રક્ષા કરવાનો ઢોંગ કરી રહી છે : શ્રી નિત્યાનંદ રાયજી

કોંગ્રેસના શાસનમાં ૧૦ વખત એસઆઈઆર થઈ ત્યારે મૌન અને આજે એ જ પ્રક્રિયાનો વિરોધ, કોંગ્રેસનો બેવડો ચહેરો જનતા સમક્ષ ખુલ્લો પડ્યો છે: શ્રી નિત્યાનંદ રાયજી

એસઆઈઆરનો ઉદ્દેશ્ય કોઈ પાત્ર મતદારનું નામ દૂર કરવાનો નથી, પરંતુ ભારતના વાસ્તવિક અને પાત્ર નાગરિકોનું નામ મતદાર યાદીમાં સુનિશ્ચિત કરવાનો છે : શ્રી નિત્યાનંદ રાયજી

ચૂંટણીમાં વારંવાર મળતી હારનો સ્વીકાર કરવાને બદલે કોંગ્રેસ એસઆઈઆરના નામે જનતાને ગેરમાર્ગે દોરવાનું નિમ્નસ્તરનું રાજકારણ કરી રહી છે: શ્રી નિત્યાનંદ રાયજી*

ઘૂસણખોરોના નામ મતદાર યાદીમાં જાળવી રાખવા કોંગ્રેસ શા માટે ઉત્સુક છે? : શ્રી નિત્યાનંદ રાયજી

દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સંકલ્પને નબળો પાડવાના કોઈપણ પ્રયાસને દેશવાસીઓ સ્વીકારશે નહીં : શ્રી નિત્યાનંદ રાયજી

કોંગ્રેસ માટે પરિવાર, સત્તા અને ભ્રષ્ટાચાર સર્વોપરી રહ્યા છે, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર અને દેશવાસીઓ સર્વોપરી છે : શ્રી નિત્યાનંદ રાયજી
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટીના ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન અંતર્ગત આજે સુરત મહાનગર ભાજપા કાર્યાલય ખાતે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી નિત્યાનંદ રાયજીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે એસઆઈઆર (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયાને લઈને કોંગ્રેસ અને વિપક્ષી દળો દ્વારા કરવામાં આવતા પાયાવિહોણા આક્ષેપો, લોકતંત્રની સંસ્થાઓ પ્રત્યે દુષ્પ્રચાર કરવાના વલણ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશની વિકાસયાત્રા સહિતના મુદ્દાઓ અંગે વિસ્તૃત વાત રજૂ કરી હતી.
શ્રી નિત્યાનંદ રાયજીએ જણાવ્યું હતું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સમૃદ્ધિ, શક્તિ અને સામર્થ્યના નવા શિખરો સર કરી રહ્યું છે. વૈશ્વિક મંચ પર ભારતનું સન્માન સતત વધી રહ્યું છે. એક તરફ દુનિયા ભારતની પ્રગતિ અને ક્ષમતાની પ્રશંસા કરી રહી છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસ અને ઇન્ડી ગઠબંધન એસઆઈઆરના બહાને ભ્રમ અને ભ્રાંતિ ફેલાવી ભારતને નબળું દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશની સેનાના સામર્થ્ય પર સવાલ ઉઠાવવા અને લોકતંત્રની સંસ્થાઓ પ્રત્યે અવિશ્વાસ ઊભો કરવો એ તેમની રાજનીતિનો ભાગ બની ગયો છે.
એસઆઈઆર અંગે સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે, એસઆઈઆરનો ઉદ્દેશ્ય કોઈ પાત્ર મતદારનું નામ દૂર કરવાનો નથી, પરંતુ ભારતના વાસ્તવિક અને પાત્ર નાગરિકોનું નામ મતદાર યાદીમાં સુનિશ્ચિત કરવાનો છે. ભારતની મતદાર યાદીમાં માત્ર મતદાન માટે કાયદેસર રીતે પાત્ર નાગરિકોનાં જ નામ હોવા જોઈએ. વિપક્ષના વિદેશી ઘૂસણખોરોને મતદાર યાદીમાં સ્થાન આપવાના પ્રયાસો દેશના નાગરિકોના અધિકારો સાથે અન્યાય સમાન છે. આવા લોકોને કારણે સ્થાનિક યુવાનોની રોજગારી, દેશનાં સંસાધનો અને નાગરિકોના અધિકારો પર અસર થઈ શકે છે. કોંગ્રેસ દ્વારા એસઆઈઆરના વિરોધના નામે ઘૂસણખોરોના નામ મતદારયાદીમાં બચાવવાના પ્રયાસો અંગે તેમણે સવાલ ઉઠાવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતનું બંધારણ અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૦ ચૂંટણી પંચને મતદાર યાદીની સમીક્ષા અને સુધારણા કરવાની સત્તા આપે છે. સુપ્રીમ કોર્ટે પણ એસઆઈઆર પ્રક્રિયાને વૈધાનિક ગણાવી છે. દેશના ઇતિહાસમાં અગાઉ ૧૨ એસઆઈઆર પ્રક્રિયાઓમાંથી ૧૦ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારોના કાર્યકાળમાં થઈ હતી. ત્યારે કોંગ્રેસને કોઈ વાંધો નહોતો, પરંતુ આજે એ જ પ્રક્રિયા સામે સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે. નામ દૂર કરવાની પ્રક્રિયામાં પણ નોટિસ આપવી અને સંબંધિત વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી જેવી નિર્ધારિત પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવે છે.
કોંગ્રેસની ભૂતકાળની ભૂમિકા પર સવાલ ઉઠાવતા શ્રી રાયજીએ જણાવ્યું હતું કે, જે કોંગ્રેસે દેશમાં કટોકટી લાદીને લોકતંત્રનું ગળું દબાવ્યું હતું, તે આજે લોકતંત્ર બચાવવાની વાત કરી રહી છે. સંસદ એ દેશના નાગરિકોના કલ્યાણ માટે કાયદા અને નીતિઓ ઘડવાનું સર્વોચ્ચ મંચ છે. પરંતુ સંસદની કાર્યવાહીથી દૂર રહેવું અને મોક પાર્લામેન્ટ યોજવી તે લોકશાહી સંસ્થાઓ પ્રત્યેના તેમના વલણને દર્શાવે છે. કોંગ્રેસે પોતાની રાજકીય નિષ્ફળતાઓનું આત્મમંથન કરવાને બદલે એસઆઈઆરના નામે લોકતંત્રને બદનામ કરવાનું બંધ કરવું જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૪થી ૨૦૨૫ દરમિયાન વિવિધ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને ૫૬ વખત પરાજયનો સામનો કરવો પડ્યો છે. એસઆઈઆર પ્રક્રિયા પહેલાં પણ કોંગ્રેસને અનેક ચૂંટણીઓમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પણ દિલ્હીમાં જણાવ્યું હતું કે નામ દૂર કરવાની પ્રક્રિયા નિયમિત પ્રક્રિયા છે. તેમ છતાં ચૂંટણીમાં મળેલી હારનો સ્વીકાર કરવાને બદલે કોંગ્રેસ એસઆઈઆરને રાજકીય મુદ્દો બનાવી રહી છે.
એસઆઈઆર હેઠળ થયેલી કામગીરીનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ડ્રાફ્ટ યાદી મુજબ આશરે ૧૩ કરોડ નામો દૂર કરવામાં આવ્યા છે. જેમાં અંદાજે ૬.૩ કરોડ મતદારો સ્થળાંતરિત થયેલા, ૩ કરોડ મતદારો ગેરહાજર, ૨.૮ કરોડ અવસાન પામેલા અને ૧ કરોડ ડુપ્લિકેટ નામોનો સમાવેશ થાય છે. આ આંકડાઓના સંદર્ભમાં તેમણે સવાલ કર્યો હતો કે, શું લોકતંત્રમાં અયોગ્ય અને ડુપ્લિકેટ મતદારોનાં નામ જાળવી રાખવા જોઈએ? મતદાર યાદીની શુદ્ધતા અને પારદર્શિતા લોકશાહીની વિશ્વસનીયતા માટે આવશ્યક છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના વિકાસ અંગે વાત કરતાં શ્રી રાયજીએ જણાવ્યું હતું કે, આજે અંદાજે ૨૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. ગરીબોને પાકાં આવાસ, શૌચાલય અને મફત આરોગ્ય સારવારની સુવિધા મળી રહી છે. ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની સહાય સીધી જમા થઈ રહી છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સરકારી યોજનાઓનો લાભ સીધો લાભાર્થીઓ સુધી પહોંચતાં વચેટિયાઓની ભૂમિકા ઘટી છે. યુવાનો માટે રોજગારીની તકો અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે પણ ભારત પોતાની ક્ષમતાના આધારે વૈશ્વિક સ્તરે નવી ઓળખ ઊભી કરી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ માટે પરિવાર, સત્તા અને ભ્રષ્ટાચાર સર્વોપરી રહ્યા છે, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્ર અને દેશવાસીઓ સર્વોપરી છે. ભારત હવે ૧૯૪૭ના વિભાજન જેવી પરિસ્થિતિઓનું પુનરાવર્તન ઇચ્છતું નથી. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય સંકલ્પને નબળો પાડવાના કોઈપણ પ્રયાસને દેશવાસીઓ સ્વીકારશે નહીં. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા સમગ્ર દેશ આજે એકજૂથ થઈને આગળ વધી રહ્યો છે.
સ્વામી વિવેકાનંદના વિચારોને યાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદે ૨૧મી સદી ભારતની હશે તેવી આશા વ્યક્ત કરી હતી. આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત તે દિશામાં આગળ વધી રહ્યું છે. ગરીબી, નિરક્ષરતા અને આવાસવિહોણી સ્થિતિમાંથી દેશને બહાર લાવવાના સંકલ્પ સાથે સરકાર કાર્યરત છે. ખેડૂતો, મહિલાઓ, વેપારીઓ, યુવાનો અને વિદ્યાર્થીઓ સહિત સમાજના તમામ વર્ગો વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બની રહ્યા છે.
અંતમાં શ્રી નિત્યાનંદ રાયજીએ કોંગ્રેસ અને વિપક્ષી પક્ષોને એસઆઈઆરના નામે ભ્રમ અને ભ્રાંતિ ફેલાવવાનું બંધ કરવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, ભારતની લોકશાહી વ્યવસ્થામાં માત્ર પાત્ર નાગરિકોને જ મતાધિકાર મળે અને મતદાર યાદી શુદ્ધ તથા પારદર્શક રહે તે સૌના હિતમાં છે. ભારતની વધતી શક્તિ, સામર્થ્ય અને વિકાસયાત્રાને નીચી બતાવવાના પ્રયાસો કરવાને બદલે વિપક્ષે લોકતંત્રની બંધારણીય પ્રક્રિયાઓમાં વિશ્વાસ વ્યક્ત કરવો જોઈએ.
સુરત ખાતે યોજાયેલ આજની આ પત્રકાર પરિષદમાં વિધાનસભાના નાયબ દંડક અને ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો‘ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ શ્રી જગદીશભાઈ મકવાણા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ઝંખના પટેલ, સુરત મહાનગર અધ્યક્ષ શ્રી પરેશભાઈ પટેલ, અભિયાનના પ્રદેશ સહ ઇન્ચાર્જ શ્રી મારુતિસિંહ અટોદરિયા, પ્રદેશ સહ પ્રવકતા શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.