
રૂ. ૨૬ લાખની કિંમતનો ફ્લેટ, રૂ. ૩૭ લાખથી વધુની રોકડ અને ચેક, ૭ વીઘા જમીન સહિત ૨ મકાન-દુકાનના અસલ દસ્તાવેજો તથા ૮ તોલા સોનું અને ૪૦૦ ગ્રામ ચાંદી અરજદારોને પરત અપાયા
ગુજરાત પોલીસ સામાન્ય નાગરિકોના જાન-માલની સુરક્ષા માટે સદા તત્પર છે: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી*
ચીટિંગ, વિશ્વાસઘાત અને વ્યાજખોરીનો ભોગ બનેલા નાગરિકોને મોટી રાહત આપતી
આણંદ પોલીસની ત્વરિત કાર્યવાહી
રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત આજે ગાંધીનગર ખાતેથી છેતરપિંડી, વ્યાજખોરી અને અંધશ્રદ્ધાનો ભોગ બનેલા નાગરિકોના રૂ. ૨૬ લાખની કિંમતનો એક ફ્લેટ, રૂ. ૩૭ લાખથી વધુની કિંમતના રોકડ નાણાં તથા ચેક, ૭ વીઘા ખેતીની જમીન અને રહેણાંક-હોટલના અસલ દસ્તાવેજો તેમજ ૮ તોલા સોનું અને ૪૦૦ ગ્રામ ચાંદી સહિતનો મુદામાલ અરજદારોને સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ મહત્વના કિસ્સાઓમાં ભોગ બનનાર અરજદારોને તેઓનો મુદામાલ પરત સુપ્રત કરવામાં આવ્યો હતો. જેમાં;
૧. એક્સપોર્ટ ધંધાના બહાને ૨૬ લાખની છેતરપિંડી કેસમાં ગયેલો ફ્લેટ પરત અપાવ્યો
મોરબી મૂળના અને હાલ બેડવા (આણંદ) ખાતે રહેતા વિજયભાઈ ભરડા સાથે ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધાના બહાને સામાવાળા કલ્પેશભાઈ ચંદ્રકાંત જાનીએ રૂ. ૨૬ લાખની છેતરપિંડી કરી હતી અને તે રકમમાંથી વિદ્યાનગરમાં ફ્લેટ ખરીદી પોતે ફરાર થઈ ગયો હતો. પેરોલ-ફર્લો સ્કોડના પી.આઈ. શ્રી જે.એન. પરમાર અને ટીમે આરોપીને શોધી કાઢી અરજદારને તે ૨૬ લાખ રૂપિયાની કિંમતનો ફ્લેટ સફળતાપૂર્વક પરત અપાવ્યો હતો.
૨. વિધવા બહેનને ઉછીના આપેલા નાણાં પરત અપાવ્યા
વિદ્યાનગર ખાતે રહેતા સ્વર્ગસ્થ પોલીસ ઇન્સ્પેક્ટરના વિધવા પત્ની પારૂલબેન પંડ્યા પાસેથી ગોપાલ ચોકડીના શ્રવણ અમરાજી પટેલે હાથ ઉછીના લીધેલા રૂ. ૮ લાખ પરત આપતા ન હતા. પોલીસે ત્વરિત દરમિયાનગીરી કરી આરોપી પાસેથી રોકડા રૂ. ૪,૦૦,૦૦૦/- તથા રૂ. ૩,૦૦,૦૦૦/- ના બેંક ચેક મેળવી અરજદાર બહેનને પરત અપાવ્યા.
૩. ધાર્મિક વિધિના બહાને પડાવી લીધેલા સોના-ચાંદીના દાગીના પરત સોંપાયા
જીટોડીયાના ગીતાબેન પાંડવને નારાયણબલી અને પિતૃદોષની વિધિના બહાને અંધશ્રદ્ધામાં ફસાવી આરોપી આતીષભાઈ ત્રિવેદી તથા પરિવારજનોએ આશરે ૫૬ તોલા જેટલા સોના-ચાંદીના દાગીના પડાવી લીધા હતા. પોલીસે અસરકારક કાઉન્સિલિંગ કરી ૮ તોલા સોનાના ઘરેણાં અને ૪૦૦ ગ્રામ ચાંદી તુરંત પરત અપાવ્યા હતા તેમજ બાકીના ઘરેણાં પરત આપવા અંગે સામાવાળા પાસેથી નોટરી સમક્ષ બાંહેધરી લેવડાવી હતી.
૪. વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરવા જતા યુવકનો જીવ બચાવી ૭ વીઘા જમીનનો દસ્તાવેજ પરત અપાવ્યો
તારાપુરના ધવલકુમાર પટેલ વ્યાજખોર સંજયભાઈ ભરવાડની પઠાણી ઉઘરાણી અને ત્રાસથી કંટાળી તારાપુર મોટી નહેર ખાતે આત્મહત્યા કરવા જતા હતા. પોલીસે સમયસૂચકતા વાપરી તેમનું કાઉન્સિલિંગ કર્યું અને આરોપી પાસેથી ૭ વીઘા ખેતીની જમીનનો અસલ ગીરો બાનાખત દસ્તાવેજ તથા રૂ. ૨ લાખનો ચેક સહિત ૭ સહી કરેલા કોરા ચેકો પરત અપાવ્યા હતા. આ ઉપરાંત, ગેરકાયદેસર ઊંચા વ્યાજની ઉઘરાણી કરતા વ્યાજખોર મોહંમદસોહેલ વ્હોરા વિરુદ્ધ તારાપુર પોલીસે બી.એન.એસ. તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી હતી.
૫. વ્યાજ વટાવમાં ગયેલા ઘર અને હોટલના દસ્તાવેજો તથા રૂ. ૨૮.૫૦ લાખના ચેકો પરત
તારાપુરના રાકેશભાઈ પટેલે ગૃહ વિભાગમાં કરેલી રજૂઆતના પગલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી નવીનભાઈ ભરવાડ પાસેથી ઘરનો અસલ દસ્તાવેજ, પ્રકાશભાઈ પટેલ પાસેથી હોટલનો ગીરો ખત દસ્તાવેજ તેમજ અલગ અલગ સામાવાળાઓ પાસેથી કુલ રૂ. ૨૮,૫૦,૦૦૦/- ની કિંમતના ૯ ચેકો મેળવી અરજદારને પરત અપાવ્યા.
૬. વિધવા મહિલાને ઉછીની આપેલી રકમ પરત અપાવી
તારાપુરની શિવશક્તિ સોસાયટી ખાતે રહેતા વિધવા પારૂલબેન પટેલના સદગત પતિએ હિતેશભાઈ પટેલ અને મનીષભાઈ ચૌહાણને હાથ ઉછીના આપેલા નાણાં પરત ન મળતા ગૃહ વિભાગ અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. તારાપુર પોલીસે હિતેશભાઈ પટેલ પાસેથી રૂ. ૧,૫૦,૦૦૦/- રોકડા તુરંત પરત અપાવ્યા હતા અને અન્ય રકમ બાબતે પણ યોગ્ય પતાવટ કરાવી વિધવા બહેનને મોટી આર્થિક રાહત અપાવી હતી.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે આણંદ જિલ્લા પોલીસની સરાહનીય અને પ્રજાલક્ષી કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ સામાન્ય નાગરિકોના જાન-માલની સુરક્ષા માટે સદા તત્પર છે. મુદામાલ અને મિલકતો પરત મળતા અરજદારોએ રાજ્ય સરકાર અને આણંદ પોલીસનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.