નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદ શહેરના ત્રણ નવનિર્મિત પોલીસ સ્ટેશનોનું લોકાર્પણ: મોટેરા, વસ્ત્રાલ અને હંસપુરા ખાતે નવીન પોલીસ સ્ટેશનો કાર્યરત

અમદાવાદ શહેરનું સુરક્ષા માળખું વધુ સુદ્રઢ: શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા વધીને 52 થઈ અસામાજિક તત્ત્વોમાં કાયદાનો ડર અને સામાન્ય-ગરીબ નાગરિકો માટે પોલીસ સ્ટેશનમાં સન્માનજનક વાતાવરણ હોવું અનિવાર્ય: નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી


પોલીસ જવાનોના અથાક પરિશ્રમ અને નિષ્ઠાવાન ફરજના પરિણામે રાજ્યના નાગરિકો અને વેપારીઓ શાંતિ-સુરક્ષા સાથે તહેવારો ઉજવી શકે છે

દિવાળીના પવિત્ર પર્વ અને રમા એકાદશીના શુભ દિવસે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદહસ્તે અમદાવાદ શહેરની આંતરિક સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવાના ભાગરૂપે ત્રણ નવનિર્મિત પોલીસ સ્ટેશનો – મોટેરા, વસ્ત્રાલ અને હંસપુરાનું ભવ્ય લોકાર્પણ સંપન્ન થયું હતું. આ ત્રણ નવા પોલીસ સ્ટેશનો કાર્યરત થતાંની સાથે જ અમદાવાદ શહેરમાં પોલીસ સ્ટેશનોની કુલ સંખ્યા 49 થી વધીને 52 થઈ છે.

આ પ્રસંગે ઉપસ્થિત પ્રબુદ્ધ નાગરિકો તથા પોલીસ પરિવારને સંબોધતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, નવા પોલીસ સ્ટેશનો શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને પોતાની રજૂઆત, ફરિયાદ કે અન્ય કામગીરી માટે દૂર સુધી જવું નહીં પડે, જેથી નાગરિકોના સમય અને શ્રમ બંનેની બચત થશે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવા વૈશ્વિક આયોજન સ્થળની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા અને મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો દરમિયાન કાયદો-વ્યવસ્થાની સુચારુ જાળવણી માટે મોટેરા પોલીસ સ્ટેશન ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે.

તાજેતરમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરોડો રૂપિયાના એમ.ડી. અને હેરોઇન ડ્રગ્સ સાથે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરવા બદલ નાયબ મુખ્યમંત્રીશ્રીએ પોલીસ ટીમની સરાહનીય કામગીરીને બિરદાવી હતી. આ ઉપરાંત, નવરાત્રી મહોત્સવ દરમિયાન રાતભર સળંગ ખડેપગે રહી લાખો ખેલૈયાઓને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવા તથા ઔદ્યોગિક અને વ્યાપારિક સુરક્ષા સુનિશ્ચિત કરવા બદલ સમગ્ર પોલીસ બેડાનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવાળી પર્વના અનુસંધાને વિશેષ અપીલ કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, નાના પાથરણાવાળા, લારી-ગલ્લા ધારકો કે નાના વેપારીઓ મોડી રાત સુધી શાંતિ અને ઉત્સાહ સાથે વેપાર કરી શકે તે માટે પોલીસે સતત સહયોગી અને મિત્રભાવ રાખવો. તેમણે નાગરિકોને પણ વિનંતી કરી હતી કે, નાના વેપારીઓ પાસેથી ખરીદી કરતી વખતે વધુ પડતો ભાવતાલ કરવાને બદલે તેમની રોજીરોટીમાં ટેકો આપી તેમની દિવાળી પણ રોશન કરવામાં સહભાગી બને.

પોલીસ જવાનોના મનોબળને પ્રોત્સાહિત કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, “અસામાજિક તત્ત્વો અને ગુનેગારોમાં કાયદાનો કડક ખોફ હોવો જોઈએ, પરંતુ જ્યારે કોઈ સામાન્ય કે ગરીબ અરજદાર આવે ત્યારે તેને આદરપૂર્વક આવકારી, સાંભળીને ત્વરિત ન્યાય આપવાનો સંવેદનશીલ અભિગમ દાખવવો જોઈએ.” તેમણે પોલીસકર્મીઓની અવિરત ફરજનિષ્ઠાને બિરદાવતાં લાગણીસભર ભાવે જણાવ્યું હતું કે, ૧૮-૧૮ કલાક સુધી લોકસુરક્ષા માટે સમર્પિત રહ્યા બાદ ઘેર પહોંચતી વખતે ફરજનો ભાર કાર્યસ્થળે જ મૂકીને પરિવાર સાથે એક પ્રેમાળ પુત્ર, પતિ કે પિતા બનીને દિવાળીનો તહેવાર ઉમંગભેર ઉજવવો જોઈએ.

આ લોકાર્પણ સમારોહમાં શહેરી વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિક, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી અલ્પેશજી ઠાકોર, શ્રીમતી પાયલબેન કુકરાણી, શ્રીમતી કંચનબેન રાદડિયા, અમદાવાદ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, અગ્રણી સર્વે શ્રી પ્રકાશભાઈ પટેલ, શ્રી પરાગ શાહ સહિતના લોકપ્રતિનિધિઓ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *