નવસારી/ગુરૂવારઃ- નવસારી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતાં તેને અટકાવવા માટે ગુજરાત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કછોલી, ધમડાછા અને લુસવાડા ખાતે આઇસોલેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ ગામના અગ્રણીઓ સાથે બેઠક કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી.
મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારે જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓની તમામ સારવાર માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. અત્યારના સંજોગોમાં લોકોનું જીવન બચાવવું એ આપણા સૌની પ્રાથમિકતા છે. નવસારી જિલ્લાના ગામો કોરોનામુક્ત બને એ માટે વહીવટીતંત્ર, ચૂંટાયેલ સ્થાનિક પ્રતિનિધિઓ, ગ્રામજનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિયારા પ્રયાસો કરે એ બાબત પર ભાર મૂક્યો હતો. ગામમાં હળવા લક્ષણો ધરાવતા દર્દીઓ હોમ આઈશોલેશનમાં રહે કે ઘરમાં અન્ય વ્યક્તિને ચેપ ન લાગે એની તકેદારીરૂપે કોવિડ કેર સેન્ટરમાં સારવાર લે એ માટે ગ્રામજનોને સમજાવ્યા હતા. મંત્રીશ્રીએ આઇસોલેશન સેન્ટર પર દવાઓ, ઓક્સિજન અને ઈન્જેકશનના ઉપલબ્ધ જથ્થાની માહિતી મેળવી હતી અને જરૂરિયાત અંગે જાણકારી મેળવી હતી.
તેમણે જણાવ્યું કે કોરોનાની સારવારની સાથે સાથે જિલ્લામાં રસીકરણની કામગીરી પણ ચાલી રહી છે અને આગામી દિવસોમાં એને વધુ સઘન બનાવવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની જાગૃતિ માટે અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે મળીને કામ કરે એવી ખાસ અપીલ કરી તેઓએ કરી હતી. તેઓએ કોરોના મહામારીમાં રાત-દિવસ કાર્ય કરતા ડૉકટર્સ, મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફની સેવાની સરાહના કરી હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ સહિતના પદાધિકારીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા



