જામનગર ખાતે ‘મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ’ અભિયાનનો શુભારંભ કરાવતા મંત્રીશ્રી આર.સી.ફળદુ


સમાજ શક્તિ જ્યારે કોઇ કાર્યમાં જોડાય છે ત્યારે તે મહા શક્તિનું સ્વરૂપ ધારણ કરી લે છે – મંત્રીશ્રી આર.સી.ફળદુ
અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદશ્રી પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતી રહી


જામનગર શહેરના ટાઉનહોલ ખાતે કૃષિ મંત્રી શ્રી આર.સી.ફળદુના અધ્યક્ષ સ્થાને  તથા અન્ન  નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ શ્રી પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતીમાં મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાનનો જિલ્લા વ્યાપી પ્રારંભ કરાયો હતો. 
જામનગર જિલ્લામાં મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાનનો શુભારંભ કરાવતા કૃષિ મંત્રીશ્રી આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાંથી હાલ સમગ્ર વિશ્વ પસાર થઈ રહ્યું છે. આ મહામારીમાં નરેન્દ્ર મોદી જેવા પ્રધાનમંત્રી આપણને મળ્યા એ આપણું સૌભાગ્ય છે. કોરોનાની બીજી લહેરમાં ગ્રામીણ ક્ષેત્રના દર્દીઓ સંક્રમિત થઈ શહેરોની હોસ્પિટલ તરફ આવવા લાગ્યા. ત્યારે શહેરોની હોસ્પિટલમાં ઘસારો ઘટે તે માટે રાજ્ય સરકાર દ્વારા મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કરવામાં આવ્યું. જેના પરિણામે હવે ગ્રામીણ ક્ષેત્રના લોકો વધુ જાગૃત બન્યા છે. ત્યારે હવે શહેરોમાં પણ કોવિડ સંક્રમણ પર અંકુશ મુકાય તે હેતુથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાનની અભિનવ પહેલ શરૂ કરવામાં આવી છે. 
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે પ્રજાના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું ઉત્તરદાયિત્વ છે કે હાલ મહામારી પર અંકુશ મેળવવા કોવિડ લક્ષણો ધરાવતા લોકોને પરિવારથી છૂટા પાડી તાત્કાલિક આઈસોલેટ કરાવે, લોકો વચ્ચે જઈ લોકોને જાગૃત કરે. તમામ જનપ્રતિનિધિઓ એક ટીમ બનાવી વહીવટીતંત્રના સહયોગમાં રહી કોરોનાના લક્ષણો ધરાવતાં લોકોને જુદા તારવશે તો ટૂંકા ગાળામાં જ મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાન સાર્થક થશે. મંત્રીશ્રીએ ઉપસ્થિત જનપ્રતિનિધીઓને આહવાન કરતા જણાવ્યુ હતુ કે, સમાજની શક્તિ જ્યારે કોઇ કાર્યની અંદર જોતરાઈ જાય છે ત્યારે તે મહા શક્તિનું સ્વરૂપ ધારણ કરી લે છે. કોરોના વોરિયર્સને પૂરક બળ આપવા માટે જનપ્રતિનિધિઓએ આગળ આવવાનું છે કુદરતી આપદા વખતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું સમાજને મદદરૂપ થવા વિશેષ કર્તવ્ય બને છે.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મારું ગામ કોરોના મુક્ત ગામ બાદ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સમગ્ર રાજ્યમાં મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે માટે મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓમાં મંત્રીશ્રીઓને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. બીજી લહેરમાં કોરોના કેસોમાં ખૂબ વધારો થયો છે ત્યારે રાજ્ય સરકાર સતત લોકોને તમામ રીતે મદદરૂપ થવા પ્રયત્નશીલ છે.  ત્યારે આપણે સૌ જનપ્રતિનિધીઓ આપણા વોર્ડની ચિંતા કરીએ અને સતત લોકોની વચ્ચે રહી તેમને મદદરૂપ બનીએ. મુખ્યમંત્રીશ્રીની સુચના અનુસાર આપણા વોર્ડમાં ધનવંતરી રથ તથા સંજીવની રથ જે કોઈ સ્થળે જાય ત્યાં ચૂંટાયેલા હોદ્દેદારો અચૂક સાથે રહે અને લોકોને સારવાર અંગે મદદરૂપ થાય. કોવિડના સામાન્ય લક્ષણોમાં જ જો લોકોને તાત્કાલિક સારવાર મળી જશે તો આપણે વહેલાસર કોરોનાને હરાવી શકશું. પ્રારંભિક તબક્કે જો સારવાર ન લેવામાં આવે તો કોરોના વધુ ઘાતક સાબિત થાય છે તેથી શરૂઆતમાં જ આવા લોકોની કાળજી લઈશું તો તેઓ ઘરે રહીને જ સ્વસ્થ થઇ શકશે.
આ પ્રસંગે સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, મારો વોર્ડ-કોરોના મુક્ત વોર્ડ અભિયાન અંતર્ગત દરેક ઘરને કોરોના મુક્ત કરવાની રાજ્ય સરકાર દ્વારા પ્રશંસનિય પહેલ કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ગંભીર નીવડી રહી હતી અને કાબુ બહાર લાગતી સ્થિતીને કોઈપણ જાતના ડર વિના રાત દિવસ સખત મહેનત કરી કાબુમાં લાવવામાં સફળતા મેળવી છે તેવા તમામ ફ્રંટ લાઈન વર્કર્સ, અધિકારીઓ તથા પદાધિકારીઓને અભિનંદન પાઠવું છુ. લોકોને અનુરોધ કરતાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારના લક્ષણો જણાય તો સહેજ પણ રાહ જોયા વિના કોરોનાની તાત્કાલિક સારવાર શરૂ કરાવે જેટલી વહેલી સારવાર શરૂ થશે આરોગ્યને તેટલી જ ઓછી નુકસાની થશે.
આ પ્રસંગે મેયર શ્રીમતી બીનાબહેન કોઠારી, મેડિકલ કોલેજના ડીન શ્રી નંદિની દેસાઈ તથા જી. જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી તિવારીએ પ્રાસંગીક ઉદ્ધબોધન કર્યું હતું. તથા મહેમાનોનું શાબ્દિક સ્વાગત મહાનગરપાલિકા કમિશનર શ્રી સતિષ પટેલે તથા કાર્યક્રમની આભાર વિધિ ડેપ્યુટી કમિશનરશ્રી વસ્તાણીએ કરી હતી.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, ડે.મેયરશ્રી તપનભાઈ પરમાર, સ્ટેન્ડીગ કમિટી ચેરમેનશ્રી મનીષભાઈ કટારીયા, શાસક પક્ષ નેતાશ્રી કુસુમબેન પંડયા, દંડકશ્રી કેતનભાઈ ગોસરાણી, મહામંત્રીશ્રી મેરામણ ભાટ્ટુ, તમામ વોર્ડના કોર્પોરેટરશ્રીઓ તથા પદાધિકારી/અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

જામનગર ( ભરત ભોગાયતા દ્વારા)

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *