
જિલ્લા કલેકટરશ્રીએ તમામ તાલુકાના નોડલ અધિકારીશ્રીઓ પાસેથી આયોજનની સવિસ્તાર માહિતી મેળવી
ગાંધીનગર: રવિવાર:
અરબી સમુદ્રમાં સક્રિય અતિ ભાયનક તૌકતે વાવાઝોડું સંદર્ભે આજરોજ ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યની અધ્યક્ષતામાં જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તૌકતે વાવાઝોડા દરમ્યાન તાલુકા કક્ષાએ કેવી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે, તેની સવિસ્તાર માહિતી જિલ્લા કલેકટરશ્રીએ અધિકારીશ્રીઓ પાસેથી મેળવી હતી. તેમજ જરૂરી સૂચનો પણ કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ દરેક અધિકારી- કર્મચારીઓએ પોતાના હેડકવાર્ટરમાં જ રહેવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. ભારે પવન તથા વરસાદને કારણે કાચા મકાનો / ખુલ્લામાં રહેતા લોકોની સલામતી માટેના પગલાઓ લેવા દરેક તાલુકામાં શું શું વ્યવસ્થા કરવામાં આવી છે, તેની માહિતી તમામ તાલુકાના નોડલ અધિકારીઓ પાસેથી મેળવી હતી.કલેકટરશ્રી દ્વારા વીજ થાંભલાઓ પડી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાઇ જાય તો તેને કારણે હોસ્પિટલમાં રહેતા દર્દીઓની સારવાર માટે કોઈ પ્રશ્ન ન થાય તે માટે થઈને જનરેટર અને વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા માટે જરૂરી પગલાં લેવા જણાવવામાં આવ્યું હતું. સરકારશ્રીની સ્થાયી સુચનાઓ મુજબ જાન અને માલનું નુકસાન ન થાય તે માટે જરૂરી પગલાં લેવા તેમજ પેટ્રોલ- ડીઝલ, અનાજ, દૂધ વિગેરેનો પુરવઠો જળવાઈ રહે તે માટેના પણ જરૂરી પગલાં લેવા જણાવવામાં આવ્યું હતું.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, હોર્ડિંગ વિગેરે જે ભારે પવનને કારણે પડી જવાની શક્યતાઓ હોય તો તેને દૂર કરવા અથવા તો તેમની નજીકનાં કોઈ જાનમાલને નુકસાન ન થાય તે માટેના જરૂરી પગલાં લેવામાં આવે. ખેતરોમાં અને ખુલ્લામાં રહેતા લોકો તેમજ ઝુંપડા કે કાચા મકાનમાં રહેતાં લોકોને સલામત સ્થળે ખસેડવાની જરુરિયાત ઉભી થાય તો એ માટેના તમામ તાલુકામાં નક્કી કરવામાં આવેલા આશ્રયસ્થાનોની માહિતી મેળવી હતી. આશ્રયસ્થાનોમાં તમામ પ્રાથમિક સુવિધાની ચકાસણી કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પીવાના પાણીનો પુરવઠો પુરો પાડતા પંપ હાઉસ પર વીજ પુરવઠો બંધ થતાં વૈકલ્પિક વ્યવસ્થા બાબતે પણ તમામ તાલુકાના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.. રોડ પર ઝાડ પડવાને કારણે રસ્તાઓ બંધ થાય તો એ ખસેડવા માટેની વ્યવસ્થાઓ અને સાધનો ની વ્યવસ્થા પણ કરી રાખવા જણાવ્યું હતું. તેમજ પ્રિ – મોન્સુ ની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ ના તમામ પાસાઓ અંગે પૂર્વ તૈયારી કરી અને કોઈપણ જાનમાલનું નુકસાન ન થાય તે માટેના જરૂરી તમામ પગલાઓ લેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.ઓનલાઇન યોજાયેલ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી એચ.એમ.જાડેજા, ગાંધીનગર પ્રાંત અધિકારી શ્રી એસ.એમ.ભોરણિયા, કલોલ પ્રાંત અધિકારી શ્રી એ.ડી.જોષી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી નિરૂપા ગઢવી સહિત સંબંધિત વિભાગના જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.