આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ગાંધીજીની ૧૫૨મી જન્મ જયંતી યુવા પેઢીને વિશેષ પ્રેરણા આપી રહી છે
ભારતની આઝાદી માટેના અગ્રિમ લડવૈયા, મહામાનવ ગાંધીબાપુને યાદ કરવા આપણી પરંપરા અને સંસ્કૃતિ છે
માર્ગ અને મકાન, પ્રવાસન અને યાત્રાધામ, વાહન વ્યવહાર અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી પુર્ણેશભાઈ મોદી
મંત્રીશ્રીએ હૃદયકુંજમાં ગાંધી પ્રતિમાને સુતરની આટી અર્પણ કરી આશ્રમના વિવિધ આકર્ષણો નિહાળી ખાદીની ખરીદી કરી
માર્ગ અને મકાન મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું છે કે, આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે મહાત્મા ગાંધીજીની ૧૫૨મી જન્મ જયંતી સૌને પ્રેરીત કરનારી છે અને યુવા પેઢીને વિશેષ પ્રેરણા આપી રહી છે.
મંત્રી શ્રી પૂર્ણેશભાઇ મોદીએ ગાંધી જયંતીએ આશ્રમની મુલાકાત લઇ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ કહ્યું કે, આ વર્ષને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની આઝાદીનો અમૃત મહોત્સવ તરીકે મનાવવાનું આહવાન કર્યું છે, ત્યારે આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ગાંધીજીની ૧૫૨મી જન્મ જયંતી નિમિત્તે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ- ભાવાંજલિ અર્પવાની ઈચ્છા પ્રત્યેકના મનમાં હોય તે સ્વાભાવિક છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, આઝાદીના અગ્રિમ લડવૈયા મહામાનવ ગાંધી બાપુને યાદ કરવા આપણી પરંપરા અને સંસ્કૃતિ છે.મંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે, આઝાદીનો અમૃત મહોત્સવ દેશની આઝાદી માટે બલિદાન આપનારા, જીવન ન્યોછાવર કરનાર સ્વાતંત્ર્ય વીરોમાંથી પ્રેરણા લેવાનો અવસર છે ત્યારે મહાત્મા ગાંધીજી સહિત સૌ વીર સપૂતોના કાર્યો અને તેમના બલિદાનને આપણે યાદ કરવા જોઈએ.
મંત્રીશ્રીએ હૃદયકુંજમાં ગાંધી પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી હતી. આશ્રમના વિવિધ આકર્ષણો પ્રદર્શન ગેલેરી, કુટીર નિહાળ્યા હતા.
મંત્રીશ્રીએ ત્યારબાદ ગાંધી આશ્રમની સામે આવેલા ખાદી ભંડારમાંથી ખાદીની ખરીદી કરી હતી, અહીં ઉપસ્થિત ખાદી વણાટ સાથે સંકળાયેલા પરિવારને રૂબરૂ મળી તેમની સાથે સંવાદ કર્યો હતો. મંત્રીશ્રીએ હાથશાળ પર થતું ખાદી વણાટનું કામ નિહાળી ખાદી વણાટ કર્મિને બિરદાવ્યા હતા.
મંત્રીશ્રીએ ગાંધી આશ્રમ અને ખાદી ભંડારની મુલાકાત વેળાએ વિઝીટર બુકમાં તેમનો પ્રતિભાવ લખી મહાત્મા ગાંધી અને ખાદી વિશે પોતાની ભાવઉર્મિઓ વ્યક્ત કરી હતી.
આ મુલાકાત વેળાએ મંત્રીશ્રીની સાથે મુખ્યમંત્રીશ્રીના અગ્ર મુખ્ય સચિવ શ્રી કે. કૈલાસનાથન, આશ્રમના ટ્રસ્ટી ગણ જોડાયા હતા.







