પૂજ્ય બાપુના ગ્રામ સ્વરાજના સ્વપ્ન સાથે દેશભરમાં ગ્રામસભાનું આયોજન અને જલજીવન મિશન અંતર્ગત પાણી સમિતિઓ સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંવાદ
અમદાવાદ જિલ્લાના ખોડિયાર ગામે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ગ્રામસભામાં સહભાગી થયા
રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના ખોડિયાર ગામે આયોજિત ગ્રામસભાને સંબોધતા એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે,પૂજ્ય ગાંધીજીની ગ્રામ સ્વરાજ્યથી સુરાજ્યની કલ્પનાએ સાકાર કરવા માટે દેશના વડા પ્રધાન શ્રી નરેંદ્રભાઈ મોદીએ આગવી રીતે કામગીરી હાથ ધરી છે. ગામડાઓને સુવિધાસભર બનાવવા માટે તેમણે કરેલા નિશ્ચયને રાજ્ય સરકાર પણ સુપેરે આગળ વધારી રહી છે. આજે વડા પ્રધાનશ્રીએ રાજ્ય-દેશના ગામડાઓને સંબોધીને દેશમાં સુવિધાઓ ઉપલબ્ધ કરવાનો નવો સંચાર સુદ્રઢ બનાવ્યો છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્ય મંત્રી પદે હતા ત્યારથી જ ગામડાઓને સધ્ધર બનાવવા અનેક પ્રકારની કામગીરી હાથ ધરી હતી, એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર રાજ્યના ગામડાઓને પુર્ણ સુવિધાસભર બનાવવા કટિબધ્ધ છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રેરેલા જલ જીવન મિશનને પરિણામલક્ષી બનાવવા આજે ઘર ત્યાં નળ, હર ઘર નળ દ્વારા ઘરે ઘરે શુધ્ધ પીવાનું પાણી પુરુ પાડવા એક મિશન સ્વરૂપે કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી.જલ જીવન મિશનની સાથે સાથે સમગ્ર માસ દરમ્યાન સ્વચ્છતાના કામો પણ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાનાર છે એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના યશસ્વી કાર્યકાળનો ઉલ્લેખ કરતા કહયું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે ભારત વધુ મજબૂત બની રહ્યું છે અને દેશની શાખ વધી છે. તેમણે ઉમેર્યું કે, સમગ્ર વિશ્વમાં તેમના નેતૃત્વને સ્વીકૃતિ પ્રાપ્ત થઈ રહી છે.
મંત્રીશ્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઈએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનું સુકાન સંભાળ્યું હતું ત્યારથી આરોગ્ય, શિક્ષણ અને પાણી જેવા મુદ્દા પર ધ્યાન કેન્દ્રીત કરી વિકાસલક્ષી વ્યવસ્થાઓ વિકસાવી હતી અને તે વ્યવસ્થાઓ આજે પણ સુચારુ ઢબે કાર્યરત છે.
રાજ્ય સરકાર સાધન સંપન્ન વ્યક્તિને જેવી સુવિધાઓ પ્રાપ્ત થાય છે તે સુવિધાઓ ગરીબો સુધી પહોંચાડવા માટે સંકલ્પબદ્ધ હોવાની વાત પણ મંત્રીશ્રીએ જણાવી હતી.
ઉલ્લેખનીય છે કે ગાંધી જ્યંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરમાં પાણી સમિતિઓ સાથે વર્ચ્યૂઅલ સંવાદ સાધવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ઈલાબેન , અમદાવાદ જિલ્લા પંચાયતની કારોબારી સમિતીના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ, પૂર્વ ડેલીગેટ શ્રી રાજૂભાઈ ઠાકોર, ખોડિયાર ગ્રા.પં.ના સરપંચશ્રી બાબુજી ઠાકોર , ઉપ સરપંચશ્રી તેમજ ગ્રામ પંચાયતના તમામ સદસ્યશ્રીઓ , આંગણવાડી કાયઁકરો , પ્રાથમિક શાળાના આચાયઁશ્રી અને શિક્ષકો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ગ્રામ સભામાં ઉપસ્થિત રહી પ્રધાનમંત્રીશ્રીના જલ જીવન મીશનનો સંવાદ શાંતિથી, ધ્યાનપૂવઁક સાંભળ્યો હતો.






