આપણે સંતુલિત વિકાસ સાથે સંતુલિત પર્યાવરણના સુત્ર સાથે કાર્ય કરવું જોઈએઃ
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારતનું સુંદર સુત્ર આપ્યું છે,જેના આચરણ થકી શિવરાજપુરના આ સ્વચ્છ અને રમણીય બ્લુ ફ્લેગ બીચને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન મળ્યું છે
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દ્વારકાના શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચ ખાતે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના હસ્તે આઈકોનીક વીકની ઉજવણીનો શુભારંભ કરાયો
જામનગર ( ભરત ભોગાયતા)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના “બ્લુ ફ્લેગ બીચ” શિવરાજપુર ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છ ભારતની નેમ સાથે ગુજરાતના એક માત્ર શિવરાજપુર બીચને વર્ષ ૨૦૨૧-૨૨ માટે પુનઃ બ્લુ ફ્લેગ બીચ તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે જાહેર કરવામાં આવેલ છે, જેના ગૌરવવંતા કાર્યક્રમની જાહેરાત અને રાષ્ટ્રીય સ્તરે પર્યાવરણ જાગૃતિ માટે “આઈકોનીક વીક”ની ઉજવણીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મંત્રીશ્રીના હસ્તે “બ્લુ ફ્લેગ બીચ” શિવરાજપુર પર ફ્લેગ હોસ્ટીંગ અને રેતશિલ્પનું પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા “ન ભૂતો ન ભવિષ્યતિ” – પર્યાવરણ બચાવવું એ આપણા સૌની ફરજ છે, ગુજરાતના ગૌરવ એવા આ બ્લુ ફ્લેગ બીચ પર પર્યાવરણ બચાવવા માટેના આ કાર્યક્રમમાં ઉપસ્થિત હોવાનો મને આનંદ છે તેમ જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારતનું સુંદર સુત્ર આપ્યું છે, જેના આચરણ થકી શિવરાજપુરના આ સ્વચ્છ અને રમણીય બ્લુ ફ્લેગ બીચને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન મળ્યું છે, એ આપણા માટે ગૌરવની બાબત છે. સામાજિક, આર્થિક અને શૈક્ષણિત રીતે લોકો સક્ષમ બની રહ્યા છે, અને સાચા અર્થમાં આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે.
વધુમાં મંત્રીશ્રીએ સ્વચ્છ ભારતની નેમ સાથે દેશ અને દુનિયામાં ગુજરાત એક મોડેલ તરીકે નામના મેળવે તે દિશામાં રાજ્ય સરકાર કાર્ય કરી રહી છે. શિવરાજપુરનો બ્લુ ફ્લેગ બીચએ દ્વારકાધીનના મંદીરે દર્શને આવતા પ્રવાસીઓ માટે પ્રવાસનનું સ્થળ બની રહ્યો છે. પર્યાવરણનું આપણા જીવનમાં ખુબ મહત્વ છે, જેથી આપણે સંતુલિત વિકાસ સાથે સંતુલિત પર્યાવરણના સુત્ર સાથે કાર્ય કરવું જોઈએ તેમ પણ જણાવ્યું હતુ.
આ ત્તકે પૂર્વ ધારાસભ્યશ્રી પબૂભા માણેકએ શિવરાજપુરના બ્લુ ફ્લેગ બીચના પ્રવાસન સ્થળ થકી દ્વારકાનો નકશો જાણે બદલાઈ રહ્યો છે, અને દ્વારકા વિકાસની દિશામાં સતત આગેકૂચ કરી રહ્યું છે તેમ જણાવ્યું હતુ.
નોંધનીય છે કે, રાષ્ટ્રગીતથી શરૂ કરવામાં આવેલ આ કાર્યક્રમમા પર્યાવરણ જાગૃતિ વિષયે યોજાયેલ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચની ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન અને શિવરાજપુર બીચ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કૃપાબેન ઝા એ કર્યુ હતું. આભારવિધી જિલ્લા કલેક્ટરશ્રી એમ.એ.પંડ્યાએ કરી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ દ્વારકાધીશ જગત મંદીર ખાતે દ્વારકાધીશના દર્શન કરી આરતીનો લાભ પણ લીધો હતો.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને રાજ્ય સચિવશ્રી શ્યામલ ટીકાદાર, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રાજીબેન મોરી, જિલ્લા ઉપપ્રમુખશ્રી ખંરાજભા કેર, જિલ્લા ભાજપ મંત્રીશ્રી પરબતભાઈ ભાદરકા, જિલ્લા મહામંત્રીશ્રી યુવરાજસિંહ વાઢેર, કિસાન મોરચાના પ્રમુખશ્રી સી.આર.જાડેજા, દ્વારકા પ્રાંત અધિકારીશ્રી નિહાર ભેંટારીયા, ભારતીબેન ટ્રેટ, દ્વારકા નગરપાલિકાના પ્રમુખશ્રી જ્યોતિબેન સામાણી સહિત અગ્રણીશ્રી વી.ડી.મોરી સહિત વન વિભાગના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તથા આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.











