આ રેલી તિરુઅનંતપુરમથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી ઍકતાનો સંદેશ પહોંચાડશે
વલસાડઃ- તા.૨૪: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તા. ૩૧ મી ઓક્ટોબર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અર્થે દેશની ચારે દિશાઓમાંથી એકતાનો સંદેશો લઇને સાયકલ અને બાઈક રેલી નીકળી છે. દેશની એકતાના શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇની જન્મજયંતી તા. ૩૧ મી ઓકટોબર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અર્થે તેમને શ્રદ્ધાંજલિ આપવા અને એકતાનો સંદેશ દેશમાં ફેલાવા માટે સી.આર.પી.એફ., આઈ ટી.બી પી., બી.એસ.ઍફ એસ. એસ. બી., એન.એસ.જી. અને આસામ રાઇફલ દ્વારા સાઇકલ રેલી અને બાઇક રેલી કાઢવામાં આવી છે. જે અંતર્ગત તિરુવનતપુરમથી કેવડિયા સુધી જનારી સાઇકલ રેલી તા. ૨૯ મી સપ્ટેમ્બરે તિરુઅનંતપુરમથી સી.આઇ.એસ.એફ.ના ૧૯ જવાનોના લીડર સીનીયર કમાન્ડન્ટ અનિલ બાલીના નેતૃત્વમાં કેરલ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર થઇ ગુજરાતમાં વલસાડ જિલ્લાના વાપી શહેર સુધી ૧૮૩૫ કિમી નું અંતર કાપી આવી પહોંચતા સર્કિટ હાઉસ વાપી ખાતે તા.૨૩મી ઓક્ટોબરે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રીશ્રી કનુભાઇ દેસાઈએ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ, વાપી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ., ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે નાણાંમંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, દેશને આઝાદી મળ્યા પછી ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈએ દેશના તત્કાલિન ૫૭૬ રજવાડાને એક કરી દેશને અખંડ કર્યોં હતો. જેની યાદમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે ૧૮૨ ફૂટનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કોરોનાકાળમાં દેશમાં કોરોનાની રસીકરણની ઝુંબેશને લીધે ૧૦૦ કરોડ લોકોને રસીકરણ કરવાની સિદ્ધિ હાંસલ કરી છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન સી.આઈ.એસ.એફ.ના ડેપ્યુટી કમાન્ડન્ટ અનિલકુમારે કર્યું હતું અને મંત્રીશ્રી અને મહાનુભાવોનું મોમેન્ટો આપીને સન્માન કર્યું હતું.
પ્રારંભે રોટરી કલબ વાપી રિવર સાઈડના સભ્યોએ સાયકલીસ્ટ જવાનોનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું.







