નવસારી જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સુસજ્જ
જિલ્લામાં વિવિધ ૨૬ સ્થળોએ કુલ ૧૩.૭૬ મેટ્રીક ટનની ક્ષમતા ધરાવતા પી.એસ.એ.ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત
“કોરોના” નામક વૈશ્વિક મહામારી સામે પ્રજાજનોને કોઈ પણ જાતની અગવડ કે મુશ્કેલી ન અનુભવવી પડે તે માટે નવસારી જિલ્લા વહિવટી તંત્રના કર્મયોગી અધિકારી – કર્મચારીઓએ કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સતત સંનિષ્ઠતાથી કાર્ય કર્યું છે. ગુજરાતમાં પહેલો કોરોના પોઝીટીવ કેસ આવ્યો ત્યારથી જિલ્લા વહિવટી તંત્ર પોતાના નાગરિકોને રક્ષણ પુરૂ પાડવાના પૂરતા પ્રયાસો કરી રહ્યું છે. નવસારી જિલ્લો કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો મક્કમતાથી સામનો કરવા માટે સુસજ્જ બન્યો છે. જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા કેસોની સંખ્યામાં વધારો થયો છે. એવા સમયે જિલ્લા પ્રશાસને કોરોના સંક્રમણને અટકાવવા ત્વરિત અને અસરકારક પગલાં લીધા છે. કોરોના ગ્રસ્તોને અસરકારક આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે પ્રભારી મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીના અસરકારક માર્ગદર્શન હેઠળ પ્રભારી સચિવ શ્રી કે.કે.નિરાલા, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરના માર્ગદર્શન હેઠળ જિલ્લાવાસીઓના આરોગ્યની જાળવણી માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં કોરોના સામે લડવા ટેસ્ટીગ, ટ્રેસીગ અને ટ્રીટમેન્ટનો ત્રિસ્તરીય વ્યૂહ અપનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેર અને જિલ્લામાં સંજીવની અને ધન્વંતરી રથોના માધ્યમથી ઘરે સારવાર લેતા દર્દીઓને દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આયુષ દ્વારા આર્યુવેદિક દવાઓનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરથી બચવા રસી રામબાણ ઈલાજ છે ત્યારે જિલ્લામાં મહત્તમ નાગરિકો રસી મુકાવે તે જરૂરી છે. શહેર જિલ્લામાં આરોગ્ય કર્મીઓ, અગ્રીમ હરોળના કોરોના વોરિયર, ૪૫ + તેમજ ૬૦ વર્ષથી વય ધરાવતા નાગરિકોનું રસીકરણ ઝુંબેશ તરીકે હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લામાં કોરોનાના દર્દીઓને જરૂરી ઓક્સિજન, દવાનો જથ્થો પણ પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે.
નવસારી જિલ્લાની વાત કરીએ તો કોરોના વાયરસની પ્રથમ લહેરની શરૂઆતથી તારીખ ૧૦ જાન્યુઆરી, ૨૦૨૨ સુધીમાં કુલ ૫ લાખ ૩૬ હજારથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે જરૂરી પગલાઓ લેવામાં આવ્યા છે, તેની સાથે કોવિડ કેસોમાં વધારો થાય તો નાગરીકોને ઝડપથી સઘન સારવાર ઉપલબ્ધ બનાવી શકાય તે માટે આરોગ્ય તંત્ર દ્વારા પુરતી તૈયારી પણ કરવામાં આવી છે.
કોરોનાની ત્રીજી લહેરના અગમચેતી પગલાના ભાગરૂપે નવસારી જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને કુલ ૧,૭૧૬ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે, જેમાં ૧,૦૦૪ બેડ ઓક્સીજન ફેસીલીટી તથા ૧૮૭ બેડ વેન્ટીલેટર સપોર્ટની સુવિધા ધરાવે છે. તેમજ બાળકોની સારવાર માટે ૩૪૩ જેટલા બેડ જેમાં ૮૦ ઓકસિજન બેડ અને ૨૬ જેટલા આઇ.સી.યુ.બેડ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવ્યા છે. જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો સેટેલાઇટ હોસ્પિટલ તરીકે કાર્યરત રહેશે જેમાં કુલ ૩૦૦ બેડની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જે સિવિલ હોસ્પિટલ નવસારી, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલ વાંસદા, ચીખલી અને મેંગુષી હોસ્પિટલ બિલીમોરા સાથે લીંકમાં રહીને દર્દીની ક્રીટીકલ સારવાર અંગેની કામગીરી કરશે
સંભવિત કોરોનાની ત્રીજી લહેર દરમિયાન પ્રજાજનોને પ્રાણવાયુની ખુટ ન પડે તે માટે જિલ્લામાં કુલ ૨૬ પી.એસ.એ. પ્લાન્ટ છે. તે પૈકી સરકારી હોસ્પિટમાં ૧૨ અને ખાનગી હોસ્પિટલમાં ૧૪ છે જેની દૈનિક ક્ષમતા ૧૩.૭૬ મેટ્રિક ટન ઓકસિજનની છે.
કોરોના વાયરસ મહામારી સામે રસીકરણ એ એક રક્ષાકવચ સાબિત થયું છે, ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આયોજનબધ્ધ રસીકરણ ઝૂંબેશ અંતર્ગત હેલ્થ વર્કર્સ, ફ્રન્ટ લાઈવ વોરીયર્સ, ૧૮ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરીકોના રસીકરણ બાદ અને હવે ૧૫ થી ૧૮ વર્ષના બાળકોનું પણ રસીકરણ કરવામાં આવી રહ્યું છે
જિલ્લામાં ૧૮ થી ૬૦ની ઉંમરના વ્યકિતઓનો ૮૬ ટકા રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૧૦૨ ટકાને (પ્રથમ ડોઝની સામે) રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જિલ્લામાં તરુણો-યુવાઓને કોરોના સામે રસીનું સુરક્ષા ચક્ર પ્રદાન કરવાની કામગીરી પણ જોશભેર ચાલી રહી છે.
આરોગ્ય અને શિક્ષણતંત્ર દ્રારા થઇ રહેલી આ કામગીરીને લોક સહયોગ મળતાં તેની અસરકારકતા વધી છે. જિલ્લામા ૧૫ થી ૧૮ વર્ષની વય જૂથના રસી લેવાને પાત્ર બાળકોને પ્રથમ ડોઝ ૬૯ ટકા રસીકરણની કામગીરી કરી છે. બાકી યુવાઓના વેક્સીનેશનની કામગીરી પણ પ્રગતિ હેઠળ છે, જે ટૂંક સમયમાં જ પૂર્ણ કરાશે.
આપણા આરોગ્યના રક્ષણ માટે પોતાના આરોગ્યને જોખમમાં મુકતા આવા કર્મનિષ્ઠ નિષ્ઠાવાન અધિકારી-કર્મચારીઓને બિરદાવીએ.






