કૃષિ સુધારા કાયદા પ્રમાણએ ડિફોલ્ટર વેપારીએ ખેડૂતને કરાર પ્રમાણે પૂર્ણ નફો આપવો પડશેઃ- કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પરશોત્તમ રૂપાલા

પ્રથમવાર એગ્રી ઇન્ફ્રાસ્ટક્ચર ફંડની જોગવાઇ સાથે ખેડૂતો માટે મૂકત વેપારની દિશા ખૂલી છે. શ્રી પરશોત્તમ રૂપાલા

કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં ખેડૂતોની જમીન છિનવાઈ જવાની વાત પાયા વગરની છેઃ- મંત્રીશ્રી પરશોત્તમ રૂપાલા

કૃષિ સુધારા કાયદામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતો નિર્ધારિત કિંમત નહીં મેળવી શકે તેમજ ખેડૂતોની જમીન જતી રહેશે. આ વાત સાવ પાયાવિહોણી છે. આ કાયદા હેઠળ ખેડૂતોની જમીન કે જમીનોના વેચાણ કે કબજા અંગે કોઈ જોગવાઈઓ કરવામાં આવી નથી. કાયદામાં માત્ર ખેત પેદાશની જ વાત છે. તેમજ ખેડૂત ખેતપેદાશ માટે તેમની પસંદગીની વેચાણ કિંમત નક્કી કરવા કોન્ટ્રાક્ટમાં સંપૂર્ણ અધિકાર ધરાવશે માટે ખેડૂતો નિશ્ચિંત રહે. કૃષિ સુધારા કાયદાઓ અંગે જાણકારી આપતાં કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાએ આ વાત કરી હતી.

વડોદરા ખાતે પત્રકારોને સંબોધિત કરતાં કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીશ્રી એ વધુમાં જણાવ્યું કે કરાર આધારિત ખેતી એ કોઇ નવી વાત નથી. હાલના સમયમાં પણ ઘણા ખેડૂતો આ પ્રકારે ખેતી કરે છે પરંતુ તેમને હવે કાયદાનું સમર્થન મળી રહેશે. નવો કાયદો ખેડૂતોને પ્રોસેસર્સ, હોલસેલર્સ, મોટા રિટેલર્સ, નિકાસકારો સાથે સમજૂતી કરવા સક્ષમ બનાવશે,  તેમને સ્પર્ધા કરવા સમાન તક મળશે. ખેડૂતોને અગાઉથી જ સુનિશ્ચિત કિંમત મળશે. બજારમાં વધારે કિંમતના કેસમાં ખેડૂતોને લઘુતમ કિંમતથી વધારે કિંમત મેળવવાનો અધિકાર મળશે. જો બજાર બહાર પેદાશની લેતીદેતી થશે તો તેવા કિસ્સામાં ટેક્સમાં પણ રાહત મળી જશે.

કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જો વેપારી અને ખેડૂત વચ્ચે વિખવાદ થાય તો આવી પરિસ્થિતમાં એસડીએમ કક્ષાએ જ તેનું નિરાકરણ લાવી દેવાશે. જો ખેડૂતએ કરાર ભંગ કર્યો હોય તો વેપારી ખેડૂત પાસેથી માત્ર તેણે આપેલા બિયારણ, ખાતરના એડવાંસ પૈસા જ લઇ શકશે તે પણ જો ખેડૂત ઇચ્છે તો હપ્તા કરીને પણ આપી શકશે. પરંતુ જો વેપારી ડિફોલ્ટર નિકળશે તો તે વેપારીએ ખેડૂતને પૂર્ણ નફાની રકમ આપવી પડશે સાથે જો ખેડૂતને વધુ નુકસાન થયું હશે તો વળતર પણ આપવું પડશે.  

ખેડૂતોને તેમના ખેતપેદાશ માટે લાભદાયક કિંમતો મળે તેમજ ખેડૂતોની આવક બમણી થાય અને જીવનધોરણ સુધરે એ સુનિશ્ચિત કરતાં કૃષિ સુધારા કાયદાઓ અમલમાં આવ્યાં છે. આ કાયદાઓને લઇને તદ્દન ખોટી શંકા-કુશંકાઓ ઉભી કરવામાં આવી રહી છે. જેનાથી ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યાં છે.

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, લઘુતમ ટેકાના ભાવે ખરીદી ચાલુ જ રહેશે, ખેડૂતો એમએસપી દરે તેમના ઉત્પાદનોનું વેચાણ કરી શકે છે. બજારો કામ કરતા બંધ નહીં થાય, વેપાર અગાઉની જેમ જળવાઈ રહેશે. આ નવી વ્યવસ્થા અંતર્ગત ખેડૂતો બજારો ઉપરાંત પણ ઉત્પાદનનું વેચાણ કરી શકવાનો અધિકાર મેળવી લેશે. આઝીદી બાદ પ્રથમવાર એગ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ આવ્યું છે અને એની સાથે-સાથે ખેડૂતો મુક્ત વ્યાપારની દિશા ખૂલી છે. જે ખેડૂતોને સશક્ત, સમૃધ્ધ અને સ્વતંત્ર બનાવશે.

મંત્રીશ્રીએ કૃષિ સુધારા કાયદાઓની અર્થપૂર્ણ વિગતો જાહેર કરવાની સાથે મીડિયાના માધ્યમથી આ હકીકતોને ખેડૂતો સુધી પહોંચાડવા અપીલ કરી હતી. પત્રકાર પરિષદમાં સાંસદશ્રી રંજનાબેન ભટ્ટ, મેયર ડો. જીગીષાબેન શેઠ સહિત વડોદરાના સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM