
શ્રી જૈન શ્વે. મુ. પૂ. યુવક મહાસંઘ, સુરત દ્વારા “હર ઘર તિરંગા”
આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને માન. ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહની પ્રેરણાથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે તે સંદર્ભમાં “હર ઘર તિરંગા” કાર્યક્રમનું આયોજન થયું છે. તા.૧૩ ઓગષ્ટથી ૧૫ ઓગષ્ટ દરમ્યાન તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગ અને વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓના રાષ્ટ્રધ્વજ લહેરાવીને રાષ્ટ્રભકિત વ્યક્ત કરવાનો નિર્ણય આવકાર્ય છે. શ્રી જૈન શ્વે. મૂ. પૂ. યુવક મહાસંઘ, સુરતના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી નિરવભાઈ શાહે આ બાબતે જણાવ્યું હતું કે, આ માટે ત્રીસ હજાર જૈન પરિવારોના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાય તેવું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રની ભક્તિમાં જૈનો હંમેશા અગ્રેસર રહ્યા છે. ઈતિહાસમાં ડોકીયું કરીએ તો ૧૮૫૭ના વિપ્લવ વખતે અમર શહીદ હુકમચંદ જૈન અને અમરચંદ લાંઠીયાએ પોતાનું સર્વસ્વ સમર્પણ કરીને પ્રાણ પુર્યા હતા. આઝાદી આંદોલન દરમ્યાન પાંચ હજારથી વધુ જૈનો જેલમાં ગયા હતા. ભારતની બંધારણ સભામાં પણ છ સભ્યો જૈન હતા. ઇ.સ.૧૯૪૨માં મંડલેશ્વર, મધ્યપ્રદેશની જેલમાં બાર જૈન સ્વતંત્રતા સેનાનીઓ કેદ હતા અને તે દરમ્યાન પવિત્ર પર્યુષણ પર્વની જેલમાં જ ઉજવણી કરી હતી. યુદ્ધ, કુદરતી આપત્તિઓ અને રાષ્ટ્રવિકાસના કાર્યોમાં જૈન શ્રેષ્ઠીઓ અને સંસ્થાઓનો હંમેશા ઉમદા સહયોગ રહ્યો છે અને રહેશે. રાષ્ટ્રભક્તિના આ પવિત્ર પર્વે શ્રી જૈન શ્વે. મૂ. પૂ. યુવક મહાસંઘ, સુરત દ્વારા સુરતના દરેક જૈન પરિવારો તેઓના ઘરે રાષ્ટ્રધ્વજને લહેરાવી શકાય તેવી યોગ્ય કીટ સાથે પહોંચાડવામાં આવશે અને રાષ્ટ્રભકિતના આ કાર્યમાં પ્રેરીત કરાશે. આ માટે શ્રી જૈન શ્વે. મૂ. પૂ. યુવક મહાસંઘના પ્રમુખશ્રી તુષારભાઈ મહેતા,મહામંત્રીશ્રી રાજુભાઇ મહેતા તથા તમામ કાર્યકર્તાઓએ અત્યારથી જ વ્યવસ્થા તંત્ર ગોઠવવાની શરૂઆત કરી દીધી છે. આ માટે અનેક જૈન યુવક મંડળો, સંસ્થાઓને સંકલિત કરીને આ ભગીરથ કાર્યને સફળ બનાવાશે. રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રવિકાસના વાતાવરણમાં જ ધર્મની સુરક્ષા રહેશે. રાષ્ટ્રધર્મ અદા કરવાના આ અવસરે સમગ્ર જૈન સમાજના પરિવારોને જોડાઈ જવા શ્રી જૈન શ્રે. મૂ. પૂ. યુવક મહાસંઘ દ્વારા અપીલ કરવામાં આવી છે.

