વડાપ્રધાનના સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવા સર્જન ફાઉન્ડેશન દ્વારા આરોગ્યલક્ષી સેવાનો સેવાયજ્ઞ

ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક વિશેષ અને પ્રેરણાદાયી શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી અંજુબેન વેકરીયા સાથે સર્જન ફાઉન્ડેશનના હોદ્દેદારોએ વિવિધ સામાજિક અને સેવાકીય વિષયો પર ચર્ચાઓ કરી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી સમયમાં રાજકોટની જનતા માટે આયોજિત થનારા મોટા પાયાના આરોગ્યલક્ષી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરવાનો અને તેમાં પક્ષના અગ્રણી નેતૃત્વને સહભાગી બનાવવાનો હતો.
દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત અને નિરોગી ભારતના મંત્રને જન-જન સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે રાજકોટમાં સર્જન ફાઉન્ડેશન દ્વારા એક વિશાળ નિ:શુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. આ કેમ્પમાં શહેર અને જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને નિષ્ણાત તબીબો દ્વારા વિનામૂલ્યે તપાસ અને માર્ગદર્શન મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકવા માટે શ્રીમતી અંજુબેન વેકરીયાને ફાઉન્ડેશન તરફથી ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
આ મુલાકાત અને નિમંત્રણ પત્ર પાઠવવાના પ્રસંગે પ્રદેશ ભાજપ અગ્રણી અને સર્જન ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી સુરેશભાઈ પરમાર, રાજકોટ જિલ્લા ભાજપ મીડિયા સહ-કન્વીનર શ્રી પ્રકાશભાઈ સોલંકી, સર્જન ફાઉન્ડેશનના સભ્ય શ્રી હર્ષદભાઈ સાગર તેમજ ગાંધીનગરના અગ્રણી વેપારી શ્રી અજીતભાઈ મર્ચન્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંજુબેન વેકરીયાએ સર્જન ફાઉન્ડેશનની આ સેવાકીય પ્રવૃત્તિઓને હૃદયપૂર્વક બિરદાવી હતી અને જણાવ્યું હતું કે આવા આરોગ્યલક્ષી કેમ્પ દ્વારા છેવાડાના માનવી સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડવી એ સમયની જરૂરિયાત છે. તેમણે આ કેમ્પની સફળતા માટે અને સર્જન ફાઉન્ડેશનની આગામી તમામ પ્રવૃત્તિઓ માટે અનેક શુભેચ્છાઓ પાઠવી હતી.
