





બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય દ્વારા કલ્પતરુ પ્રોજેક્ટ હેઠળ 50 લાખ વૃક્ષોનું વાવેતર કરવાનું લક્ષ્ય
મુન્દ્રા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તેમજ અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અદાણી ફાઉન્ડેશનના ચેરમેન ડો. પ્રીતિબેન અદાણીના 58માં જન્મદિવસ નિમિત્તે બોરાણા ગામે વિસ્તરી માતાજી મંદિરના પરિસરમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુન્દ્રા સેવા કેન્દ્રના 50 જેટલા ભાઈ બહેનોએ પરમાત્માની મધુર સ્મૃતિમાં 1100 જેટલા અલગ અલગ પ્રકારના રોપાઓનું વાવેતર કર્યું હતું.
બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય દ્વારા કલ્પતરુ પ્રોજેક્ટ હેઠળ ઓછામાં ઓછા 50 લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે ત્યારે મુંદરા સેવા કેન્દ્રના મુખ્ય સંચાલિકા રાજયોગિની બ્રહ્માકુમારી સુશીલાબેને આ આનંદના પ્રસંગે જીવનમાં પર્યાવરણના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે હજારો વર્ષોથી પ્રકૃતિ આપણી પ્રેમથી સેવા કરતી રહી છે પણ આજે સમય છે જ્યારે આપણે પ્રકૃતિની રક્ષા કરવાની છે જો આપણે પ્રકૃતિની રક્ષા નહીં કરીએ તો માનવ જીવન અતિ સંકટમાં મુકાઈ જશે. આ પ્રસંગે તેઓએ અદાણી ફાઉન્ડેશનના ચેરમેન ડો. પ્રીતિબેન અદાણીને એમના 58માં જન્મદિવસે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રાકૃતિક સૌંદર્ય સભર વાતાવરણમાં સૌ ભાઈ બહેનોએ રાજયોગ મેડીટેશન દ્વારા સમગ્ર વાતાવરણમાં સુખ, શાંતિ તેમજ આનંદની લહેરો ફેલાવી હતી. સમગ્ર કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના ભાઈ બહેનો સહિત સિનિયર પ્રોજેક્ટ ઓફિસર કરસનભાઈ ગઢવીએ સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

