
રિપોર્ટ : ચિરાગ પાંડેય
ભારતીય સંસદના બંને ગૃહો અર્થાત્ રાજ્યસભા અને લોકસભાના વર્તમાન સભ્યોને તેમની સંસદસભ્ય તરીકેની ઉત્કૃષ્ટ કામગીરની કદરરૂપે આઉટસ્ટેન્ડીંગ પાર્લામેન્ટ્રીયન એવોર્ડ આપવામાં આવે છે. તેવી જ રીતે ગુજરાત રાજ્યમાં પણ ઉત્કૃષ્ઠ અને આદર્શ ધારાસભ્યની વિધાનસભા ગૃહની કામગીરીની કદર થાય તથા સભ્યો તેઓના કામ પ્રત્યે વધારે સજાગ બને તે માટે ગુજરાત વિધાનસભામાં પણ ‘‘શ્રેષ્ઠ ધારાસભ્ય’’ એવોર્ડથી નવાજવાની ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પહેલ કરવામાં આવેલ હતી. ગુજરાત વિધાનસભા શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ માટેના નિયમો જૂન-૨૦૨૦માં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. આ નિયમોમા ઠરાવેલ માપદંડોને આધારે ધારાસભ્યશ્રીની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. આ નિયમો હેઠળ એવોર્ડ આપવા માટે પસંદગી સમિતિની રચના કરવામાં આવી છે. સને ર૦૨૧-ર૨ ના શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ માટે એવોર્ડ પસંદગી સમિતિની બેઠકમાં સમિતિના તમામ સભ્યોશ્રીઓની સઘન ચર્ચા વિચારણાને અંતે એવોર્ડ માટે નામ નકકી કરવાની સત્તા અધ્યક્ષને આપવામાં આવેલ હતી. પસંદગી થયેલ શ્રેષ્ઠ ધારાસભ્યશ્રીઓને એવોર્ડ રૂપે ગુજરાત વિધાનસભા ભવનની પ્રતિકૃતિ દર્શાવતી ૯ર.પ શુદ્ધતાની ૧.પ કિ.ગ્રા. વજન ધરાવતી ચાંદીની ટ્રોફી એનાયત કરવામાં આવે છે. માનનીય અધ્યક્ષશ્રી ર્ડા. નીમાબેન આચાર્ય દ્વારા સન ૨૦૨૧ ના વર્ષ માટે શ્રી જીતુભાઇ સુખડીયા અને સન ૨૦૨૨ના વર્ષ માટે શ્રી શૈલેષભાઇ પરમારને શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ છે. આજરોજ તા.૨૨/૦૯/૨૦૨૨ના રોજ વિધાનસભા ગૃહમાં પસંદગી પામેલ ધારાસભ્યશ્રીઓને વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી ર્ડા. નીમાબેન આચાર્યના હસ્તે તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને માનનીય વિપક્ષના નેતા શ્રી સુખરામભાઇ રાઠવા, વૈદ્યાનિક અને સંસદીય બાબતોના મંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મુખ્ય દંડકશ્રી પંકજભાઇ દેસાઇ, વિરોધપક્ષના દંડકશ્રી સી. જે. ચાવડા સહિત તમામ મહાનુભાવોન ઉપસ્થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો.

