
તાલુકા હેલ્થ ઓફિસર ડો. કૈલાશપતિ પાસવાનના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તાજેતરમાં નાની તુંબડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. યોગેન્દ્રપ્રસાદ મહતોએ એચ.આઇ.વી. વાયરસથી ફેલાતા એઇડ્સ વિશે વિગતવાર સમજ આપતા જણાવ્યું હતું કે જો એચ.આઇ.વી. પોઝીટીવ વ્યક્તિ નિયમીત યોગ્ય દવા ન લે તો વધુ ઘાતક સાબીત થઇ શકે છે અને એચ.આઇ.વી. સાથે ટી.બી.નો ચેપ હોય તો તેની નિયમીત સારવાર કરવામાં ન આવે તો જીવલેણ સાબીત થઇ શકે છે. સમયસરની જાણ અને યોગ્ય સારવારથી ટી.બી. સાથે એચ.આઇ.વી. પોઝીટીવ વ્યક્તિ સ્વસ્થ અને લાંબુ જીવન જીવી શકે છે.

એચ.આઇ.વી. પોઝીટીવ વ્યક્તિને ટી.બી.ના રોગનો ચેપ લાગવાની શક્યતાઓ વધુ રહેલી હોય છે એટલે કે એચ.આઇ.વી. ગ્રસ્ત વ્યક્તિને લાગતો સૌ પ્રથમ તકવાદી રોગ એ ટી.બી. છે. નાની તુંબડી આરોગ્ય કેન્દ્ર દ્વારા એચ.આઇ.વી. પોઝીટીવ વ્યક્તિની ટી.બી.ની તપાસ અને ટી.બી.ના દર્દીની એચ.આઇ.વી.ની તપાસ મફતમાં કરી આપવામાં આવે છે. એચ.આઈ.વી. પોઝીટીવ વ્યક્તિને ટી.બી. થાય તો બન્ને રોગની નિયમીત સારવાર લેવાથી લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકાય છે. ટી.બી. અને એઇડ્સ રોગની સારવાર આરોગ્ય કેન્દ્ર ખાતે સંપૂર્ણ મફત આપવામાં આવે છે તથા સરકાર દ્વારા સારવાર અને તબીબી સહાયના ભાગરૂપે મહિને 500 રૂપિયા સહાય આપવામાં આવે છે તે માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

એડોલેશન હેલ્થ કાઉન્સેલર મહેન્દ્ર વાઘેલાએ કિશોરીઓને એઈડ્સ જેવા ચેપીરોગથી પોતાની જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી એના વિશે સમજણ આપી હતી. લેબોરેટરી તપાસ શોભનાબેન પરમાર દ્વારા કરવામાં આવી હતી. કાર્યક્રમ સફળ બનાવવા કેન્દ્રના સુરેશ પટ્ટણી, ફીમેલ સુપરવાઈઝર સપનાબેન ગુંસાઈ, સી.એચ.ઓ, આરોગ્ય કાર્યકર તથા આશા બહેનોએ જહેમત ઉઠાવી હતી.
એચ.આઈ.વી.નો ચેપ કઇ રીતે ફેલાઇ શકે છે?
૧. અસલામત જાતીય સંબંધ
૨. હોસ્પીટલના સાધનો અને સોય – સિરિન્જને યોગ્ય રીતે જંતુમુક્ત કરવામાં આવ્યા ન હોય અને તેનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યોહોય ત્યારે
૩. અસલામત લોહી ચઢાવવાથી
૪. એચ.આઈ.વી.ના ચેપગ્રસ્ત માતાથી બાળકને લાગતો ચેપ

એચ.આઇ.વી. નો ચેપ કઇ રીતે ફેલાતો નથી?
૧. હાથ મિલાવવાથી
૨. એચ.આઈ.વી.ની ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે જમવાથી
૩. ચેપગ્રસ્ત વ્યક્તિને હળવું ચુંબન આપવાથી
૪. હવા દ્વારા અથવા થુંકવા કે છીંકવાથી
૫. ખોરાક અથવા પાણી દ્વારા
૬. પરસેવો અને આંસુ દ્વારા
૭. ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે કપ, પ્લેટ્સ અને વાસણોનો સહિયારો ઉપયોગ કરવાથી
૮. ચેપગ્રસ્ત વ્યક્તિને સ્પર્શ કરવાથી કે તેને આલિંગન આપવાથી
૯. ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે એક જ સંડાસ અને બાથરૂમનો ઉપયોગ કરવાથી
૧૦. ચેપગ્રસ્ત વ્યક્તિના કપડાં પહેરવાથી/ તેને પોતાના કપડાં પહેરવા આપવાથી
૧૧. ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે રહેવાથી
૧૨. મચ્છરો, ચાંચડ અથવા અન્ય જંતુઓના કરડવાથી