વરિષ્ઠ આગેવાનોએ પ્રધાનમંત્રીશ્રીનો ” મન કી બાત ‘ કાર્યક્રમ પણ નિહાળ્યો
અસત્ય પર સત્ય અને ધર્મના વિજય એવા દશેરાના પાવન પ્રસંગે ભુજ ખાતે ઉપસ્થિત રહેલા શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સત્યના વાહક એવા સૌ મીડીયા કર્મીઓ સાથે શહેરની વિરામ હોટલ ખાતે શુભેચ્છા મુલાકાત યોજી હતી . મહિનાઓથી ચાલ્યા આવતા થકાનભર્યા ચૂંટણીલક્ષી પ્રવાસો અને વિવિધ કાર્યક્રમો અને સભાઓ તેમજ બેઠકોમાં મીડીયાકર્મીઓ અને પક્ષના લોકો પોતપોતાની જવાબદારીના ભાગરૂપે એકબીજા સાથે યેનકેન પ્રકારે સંકળાયેલા રહયા છે ત્યારે નિયમિતરૂપની કામકાજી ભાગદોડ કરતા આજે આ તહેવારને અનુલક્ષીને તદન હળવાશભર્યા માહોલમાં યોજાયેલી આ પ્રાસંગિક શુભેચ્છા મુલાકાત ખુબ આનંદદાયક અને સંપૂર્ણપણે બિન રાજકીય બની રહી હતી . પ્રારંભમાં એક પછી એક સૌ પત્રકાર ભાઈઓ સાથે વ્યકિતગત રીતે પરિચય કેળવ્યા બાદ પરંપરાગત ફાફડા જલેબીના અલ્પાહાર સાથે દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રવર્તમાન સમયમાં સમગ્ર વિશ્વભરમાં કેર વર્તાવી રહેલા કોરોના રૂપી દૈત્યનો જલ્દીથી નાશ થાય અને સમગ્ર જન જીવન પૂર્વવતઃ નિર્ભીકપણે ધબકતું થાય એવી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી . આ પ્રસંગે તેમણે સૌ મીડીયાના મિત્રોની પણ લોકડાઉન દરમ્યાન એક સાચા કોરોના યોધ્ધા તરીકે કરેલી કામગીરીને બિરદાવી હતી અને અભિનંદન પાઠવ્યા હતા . આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી શ્રી પ્રદિપસિંહ વાઘેલા , કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ અને સાંસદ વિનોદભાઈ ચાવડા , કચ્છ જિલ્લા ભાજપ મીડીયા ઈન્ચાર્જ ઘનશ્યામભાઈ ઠકકર તેમજ પાર્ટીના કાર્યકરોએ પણ સર્વે મિત્રો સાથે વાર્તાલાપ યોજી અને પ્રાસંગિક શુભેચ્છાઓની આપલે કરી હળવી ક્ષણો માણી હતી . આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પક્ષના ઉપસ્થિત સૌ આગેવાનો અને કાર્યકરોએ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ” મન કી બાત ‘ કાર્યક્રમ સાથે મળીને નિહાળ્યો હતો અને રાષ્ટ્રના પ્રધાન સેવકના હૈયે વસેલા રાષ્ટ્રના હિત અને ચિંતાના ભાવો જોઈને અભિભૂત થયા હતા અને રાષ્ટ્રસેવા અને રાષ્ટ્રવાદની કંડારેલી આ કેડીના ચિલ્લા કયારેય ભૂંસવા નહીં દેવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો . આ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન ભરતભાઈ રાણા , કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ રાહુલભાઈ ગોર , ભુજ શહેર સંગઠનના અનિલભાઈ છત્રાળા , બાલક્રિષ્નાભાઈ મોતા , જયદિપસિંહ જાડેજા , શીતલભાઈ શાહ , નરોતમભાઈ પોકાર , જયંતભાઈ ઠકકર , નગરસેવકો અજયદાન ગઢવી , અશોકભાઈ પટેલ , અશોકભાઈ હાથી , ભૌમિકભાઈ વચ્છરાજાની , યુવા મોરચાના તાપભાઈ શાહ , કચ્છ યુનિવર્સિટીના સેનેટ મેમ્બર મનોજભાઈ ગઢવી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .
કમલમ દૈનિક અજય ખત્રી



