
રિપોર્ટ રાકેશ ક્ષત્રીય
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની કુલપતિ તરીકેની ટર્મ આજે પૂર્ણ થઈ રહી છે, ત્યારે હવે નવાં કુલપતિ મળી ગયાં છે. યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષે મહિલા કુલપતિ નિમાયાં છે. ડો. નીરજા ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે. ડો. નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીના નવા અને પહેલાં મહિલા કુલપતિ તરીકે નિમણૂક કરાઈ છે. તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક (RSS)નું સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેઓ છેલ્લા 2 વર્ષથી સાંચી યુનિવર્સિટીમાં કુલપતિ હતા.

ડો. નીરજા ગુપ્તા મૂળ અમદાવાદના રહીશ
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યાની ટર્મ પુરી થતાં શિક્ષણ વિભાગ દ્વારા યુનિવર્સિટીના નવા કુલપતિનું જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશની સાચી યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાની ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવાના આવી છે. નીરજા ગુપ્તા અમદાવાદના રહેવાસી છે.

યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે
નીરજા ગુપ્તા અગાઉ ભવન્સ કોલેજના આચાર્ય રહી ચૂક્યા છે.ગુજરાત યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય પણ રહી ચૂક્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલના પણ સભ્ય રહી ચૂક્યા છે. નીરજા ગુપ્તા ઈંગ્લિશ વિષયના પ્રોફેસરે રહી ચૂક્યા છે. ગુજરાત સરકારના સ્ટડી ઇન ગુજરાત કેમ્પિયનના સભ્ય પણ રહી ચૂક્યા છે.

6 ભાષાના જાણકાર
ડો. નીરજા ગુપ્તા આરએપીજી કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન, ખાનપુર, અમદાવાદ, ગુજરાત ખાતે પ્રોફેસર અને આચાર્ય રહી ચૂક્યા છે. 2006થી 2012 સુધી ડો.ગુપ્તા ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેસન પ્રોગ્રામના સલાહકાર રહ્યા છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેઓ ઉર્દૂ પર પ્રભુત્વ ધરાવે છે.
UGCના સભ્યની નિમણૂક થતાં સર્ચ પ્રક્રિયા ઝડપી બની
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટીના ત્રણ સભ્યની નિમણૂક થઈ હતી. ત્યાર બાદ UGCના સભ્યની નિમણૂક બાકી હતી, જે હવે થઈ ચૂકી છે. UGC દ્વારા છત્તીસગઢના ડૉકટર રમાશંકર કુરિલની કમિટીના સભ્ય તરીકે નિમણૂક થઈ છે. હવે કુલપતિની પસંદગી માટેની પ્રક્રિયા આગળ શરૂ કરાશે.
સર્ચ કમિટી માટે ચોથા સભ્યની નિમણૂક
UGC દ્વારા કુલપતિની સર્ચ કમિટી માટે ચોથા સભ્યની નિમણૂક કરાઈ હતી. છત્તીસગઢના ડોકટર રમાશંકર કુરિલની કમિટીના સભ્ય તરીકે UGCએ નિમણૂક કરી હતી. ડોકટર રમાશંકર કુરિલ છત્તીસગઢમાં આવેલી મહાત્મા ગાંધી યુનિવર્સિટી ઓફ હોર્ટિકલચર એન્ડ ફોરેસ્ટીના કુલપતિ છે. હવે 4 સભ્યની કમિટી બનતાં અરજી મગાવવા જાહેરાત કરાઈ હતી. જાહેરાત કર્યા બાદ 15 દિવસમાં અરજી આવતાં અને અરજીની સ્ક્રૂટિની કરીને નામ નક્કી કરવામાં આવ્યું હતું. આમ, 30 જૂને પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવી છે.
થોડા દિવસ અગાઉ જ પત્ર લખી નિમણૂક કરવા જાણ કરી હતી
શિક્ષણ વિભાગ દ્વારા થોડા દિવસ અગાઉ જ UGCને પત્ર લખીને 7 અલગ-અલગ યુનિવર્સિટીની સર્ચ કમિટીમાં કુલપતિની નિમણૂક માટે UGCના સભ્યની નિમણૂક કરવા જાણ કરી હતી. ત્યારબાદ UGC દ્વારા નામની જાહેરાત કરવાના આવી હતી.જેથી સર્ચ પ્રક્રિયા ઝડપી બની હતી અને ગુજરાત યુનિવર્સિટીને નવા કુલપતિ મળ્યાં હતાં.
