
કેવડિયા ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં તથા પ્રદેશ સહ પ્રભારી શ્રીમતી ગોમતી સાઈજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની ઉપસ્થિતિમાં ભાજપા આદિજાતિ મોરચાની પ્રદેશ કારોબારી બેઠક યોજાઇ હતી. બેઠકમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જાહેરજીવનનાં 25 વર્ષ દરમિયાન આદિવાસી સમાજના ઉત્થાન અને વિકાસ માટે થયેલી કામગીરી બદલ અભિનંદન પાઠવતો પ્રસ્તાવ રાજ્ય સરકારના મંત્રી શ્રી નરેશભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જે સર્વાનુમતે પસાર થયો હતો.

આ બેઠકમાં પ્રદેશ આદિજાતિ મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી નરેશભાઈ પટેલ, શ્રી પી.સી. બરંડા, શ્રી જયરામ ગામીત, સાંસદશ્રીઓ શ્રી મુકેશભાઈ રાઠવા, શ્રી ધવલભાઈ પટેલ, શ્રી જશુભાઈ રાઠવા, શ્રી પ્રભુભાઈ વસાવા, આદિવાસી સમાજમાંથી આવતા ધારાસભ્યશ્રીઓ, આદિજાતિ મોરચાના સંગઠનના પદાધિકારીઓ તથા કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિજાતિ મોરચા સંગઠનની રચના બાદ આજે પ્રથમ પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનનાં 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે ચાલી રહેલા સેવા સંકલ્પના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૫ વર્ષના કાર્યકાળ દરમિયાન આદિવાસી સમાજને વિકાસની વિવિધ યોજનાઓનો નોંધપાત્ર લાભ મળ્યો છે. વર્ષ 2007 થી ગુજરાતમાં શરૂ કરવામાં આવેલી વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, માર્ગો અને પરિવહન સહિતની પાયાની સુવિધાઓના વિકાસને વેગ મળ્યો છે. અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં માળખાકીય સુવિધાઓ અને વિકાસલક્ષી કામગીરીમાં થયેલા પરિવર્તનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ભાજપા સરકાર આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારામાં સાથે રાખી તેમના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ્યોતિગ્રામ યોજના સહિતની વિવિધ યોજનાઓ અને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ જેવા અભિયાનો તેમ સરકારી યોજનાઓને ગામડાંઓ સુધી પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને ભાજપાનો કાર્યકર્તા સતત જનતાની વચ્ચે રહ્યો છે. આગામી સમયમાં રાજ્યના આદિવાસી વિસ્તારોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવા માટે શ્રી વિશ્વકર્માએ બેઠકમાં માર્ગદર્શન આપ્યું હતું. તેઓએ કહ્યું કે, વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે સૌએ સંકલ્પબદ્ધ થઈને કાર્ય કરવાનું છે.

શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ બેઠકમાં આગામી 15 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં આશરે સાડા ચાર હજાર ગામોમાં આયોજિત થનાર વિવિધ કાર્યક્રમોના આયોજન સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉજવણીના માધ્યમથી ભગવાન બિરસા મુંડાજીના જીવન, સંઘર્ષ, બલિદાન અને આદિવાસી સમાજના ગૌરવશાળી વારસાને જનજન સુધી પહોંચાડવામાં આવશે.
પ્રદેશ આદિજાતિ મોરચાની આજની બૃહદ કારોબારી બેઠકમાં ભાજપના પ્રદેશ સહ પ્રભારી શ્રીમતી ગોમતી સાઈજી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીએ પણ સંગઠનાત્મક કામગીરીને વધુ સુદ્રઢ બનાવવા તથા અસરકારક જનસંપર્ક અંગે સૌને માર્ગદર્શિત કર્યા હતાં. આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાએ પણ બેઠકમાં સંબોધન કરી મોરચા અંતર્ગતની સંગઠનાત્મક કામગીરી સંદર્ભે માર્ગદર્શન આપ્યું હતું.