AI ક્લબ સહિત 12 ક્લબો યુવા પ્રતિભાને આપશે નવું પ્લેટફોર્મ; વડાપ્રધાનના ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને મળશે વેગ: ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત



સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે “એક સપના, બાર રસ્તે, એક મંઝિલ” ના પ્રેરણાદાયી સૂત્ર સાથે યુનિવર્સિટીના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા 12 વિદ્યાર્થી ક્લબોનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. યુનિવર્સિટીના ચેરમેન અને સિદ્ધપુરના લોકપ્રિય ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબના વરદ હસ્તે આ ક્લબોનો શુભારંભ કરવામાં આવ્યો.વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલા આ ક્લબો સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રમતગમત, સંશોધન, નવીનતા, પર્યાવરણ સંરક્ષણ, કૌશલ્ય વિકાસ, નેતૃત્વ અને સામાજિક સેવાકાર્યો જેવા વિવિધ ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓની સુષુપ્ત પ્રતિભાઓને ઉજાગર કરવા માટે સશક્ત મંચ બની રહેશે.આ પ્રસંગે આધુનિક ટેક્નોલોજીના યુગને અનુરૂપ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્લબનું પણ વિશેષ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ ક્લબ વિદ્યાર્થીઓને AI, મશીન લર્નિંગ, ડિજિટલ ટેક્નોલોજી અને નવીન સંશોધન ક્ષેત્રે આગળ વધવાની અદ્યતન તકો પૂરી પાડશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ‘ડિજિટલ ઇન્ડિયા’ અને ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પને સાકાર કરવામાં આ યુવા પ્રતિભાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત ન રહેતાં વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા, નેતૃત્વ અને સામાજિક જવાબદારીના ગુણોનું સિંચન કરનારું હોવું જોઈએ. આ 12 ક્લબો વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ સાથે તેમને ભવિષ્યના સક્ષમ નેતાઓ બનવા પ્રેરિત કરશે. આજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ જ આવતીકાલના વિકસિત ભારતના સશક્ત નિર્માતા બનશે.આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિશ્રી વી.સી. રાવ, રજિસ્ટ્રારશ્રી ચેતનસિંહજી, ચેતનાબેન રાજપૂત, શ્રીમતી ભીખીબા રાજપૂત, નિયતિબેન, સ્મિતાબેન પંચાલ, પ્રાધ્યાપકગણ, ક્લબ સંયોજકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.