સુરત શહેરના ઉધના ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને ઉત્કૃષ્ટ પરિણામ પ્રદર્શન શાળા સમારોહ-૨૦૨૩ યોજાયો

રિપોર્ટ, મયુર પટેલ

SSC, HSCમાં ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરનારી સુરત જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાઓ મળી કુલ-૫૮ શાળાઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાઈ

વિદ્યાર્થીઓના હિત માટે પોતાનું સર્વ-સમર્પણ કરી દેનાર શિક્ષકો સાચા ગુરુજનો છેઃશિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા

સુરત શહેરની ઉધના સ્થિત સનરાઇઝ સ્કૂલ અને લીઓ સ્કુલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ ખાતે સુરત જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા આયોજીત ઉત્કૃષ્ટ પરિણામ પ્રદર્શન શાળા સમારોહ-૨૦૨૩ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે SSC(એસએસસી) અને HSC(એચએસસી)માં ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કરનારી સુરત શહેર- જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ મળી કુલ ૫૮ શાળાઓને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાઈ હતી.
આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,સારા કર્મો અને કાર્યોનું મળેલું ઉતમફળ એટલે સન્માન. વિદ્યાર્થીઓના હિત માટે નિમિતમાત્ર બની પોતાનું સર્વ-સમર્પણ કરી દેનાર શિક્ષકો સાચા ગુરુજનો છે,જેઓ પરિણામની ચિંતા કર્યા વગર રચનાત્મક અભિગમથી શાળાના બાળકોમાં પારિવારિક મૂલ્યોનું બીજારોપણ કરે છે.બાળકોમાં હકારાત્મક વિચારોનું સિંચન કરનારા ઋષિતુલ્ય ગુરુજનો છે.જેમણે વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ કાર્ય કરવાનું છે. શિક્ષણની સાથે સર્વ-ધર્મ સમભાવ’ના અભિગમ દાખવી આધ્યામિક જ્ઞાન પણ પીરસવાનું છે. જેનાથી વિદ્યાર્થીઓના વિચારો શુદ્ધ અને આધ્યાત્મિક બનશે.ગુરુ અને શિષ્યના સબંધોમાં સાત્વિકતા પ્રગટશે.સારા ગુણોનું સિંચન થશે અને અવગુણોનો નાશ થશે. વિનમ્રતાના ભાવે વિદ્યાર્થીઓનું યોગ્ય દિશામાં ધડતર થશે. ઘણી બધી શાળાઓમાં આધ્યામિકતાનું શિક્ષણ વસુધૈવ કુટુંબકમની ભાવનાથી અપાઇ રહ્યું છે,જે આપણા માટે ગર્વની વાત છે, ઇંગ્લેન્ડની અંદર પ્રથમ શાળાની સ્થાપના થઇ ત્યારે ભારતમાં ૭,૨૦૦ ગુરુકુલો કાર્યરત હતા. જેમાં વિદ્યાર્થીઓનું જ્ઞાનસિંચન વેદોક્ત પદ્ધતિથી કરાતું હતું.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં હરહંમેશા કાર્ય કરતાં પોતાના સ્વાર્થ નહિ જોતા અને પ્રલોભનથી દુર રહે તે જ સાચો શિક્ષક
છે. જે બાળકોને માનવતાના મુલ્યોનું જ્ઞાન આપે છે, સમાજની રીતિ નીતિ સમજાવી એક શ્રેષ્ઠ નાગરિક બનાવવા પ્રેરણા પુરી પાડે છે. સખ્ત મહેનત કર્યા વિના સફળતા પ્રાપ્ત થતી નથી. વિદ્યાર્થીઓ માટે શિક્ષકોએ પણ સખત મહેનત કરવી જ પડે છે, તો જ સારું પરિણામ મેળવી શકાય છે. સ્માર્ટ કલાસરૂમ સાથે સ્માર્ટ એજ્યુકેશન પણ શિક્ષકોએ આપવાનું છે.શિક્ષણ સાથે બાળકોને અનેક પ્રકારની ઉત્તર પ્રવૃતિઓ કરાવવી જોઇએ. બાળકો મોબાઇલનો સદ્દઉપયોગ કરે તે દિશામાં કાર્ય કરવા જણાવી સારું ગ્રહણ કરશો એટલુ સારું પરિણામ મેળવી શકાશે એ પુથ્વીપરનો સિધ્ધાંત હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દિપકભાઇ દરજી, પુર્વ સચિન નગરપાલકા પ્રમુખ શ્રીમતી જયરાજકુંવારબા વાંસિયા, લીઓ સ્કુલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ,ઉધનાના ટ્રસ્ટીશ્રી જયસુખભાઈ કથીરીયા, વહીવટી અધિકારીશ્રી એમ.બી.જોષી, શિક્ષણ નિરિક્ષક સર્વેશ્રીઓ એસ.કે.મિસ્ત્રી, એચ.ડી.બારોટ, ટી.વાય.રાવ, એન.જી.વસાવા, સહિત શાળાના શિક્ષકો,આચાર્યો, ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *