આજથી 25 વર્ષ પહેલા 7 ઓક્ટોબર, 2001ના રોજ શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. આ એ સમય હતો, જ્યારે રાજ્ય વિનાશક ભૂકંપના ઘામાંથી બહાર આવવા મથી રહ્યું હતું. તેમની સામે ગુજરાતના આત્મવિશ્વાસને ફરી ઊભો કરવાનો પડકાર હતો. આ પડકાર શ્રી નરેન્દ્ર મોદીએ સ્વીકાર્યો. તેમણે નવા ગુજરાતનું સ્વપ્ન જોયું.તેમના નેતૃત્વમાં માર્ગ નિર્માણ, વીજળી, પાણી, શિક્ષણ, કૃષિ અને ઉદ્યોગ સુધીના ક્ષેત્રોમાં, વિકાસને એક સર્વગ્રાહી દિશા આપવામાં આવી. તેમની આગેવાનીમાં વિચારો, નીતિઓ અને વહીવટની જૂની પદ્ધતિઓનું મંથન થયું અને નવી સંભાવનાઓ શોધવામાં આવી. તેમના માટે ગુજરાતના કરોડો નાગરિકો તેમનો પરિવાર હતા, ને તેમની જરૂરિયાતો તેમણે વિકાસના કેન્દ્રમાં રાખીને, વિકાસની વ્યાખ્યાને વિસ્તૃત બનાવી.
શાળા પ્રવેશોત્સવથી ગુણોત્સવ સુધી, કૃષિ મહોત્સવથી પશુ આરોગ્ય મેળા સુધી અને ખેલ મહાકુંભથી વાઇબ્રન્ટ ગુજરાત સુધીની યાત્રાએ વિકાસને સરકારી ફાઇલોમાંથી બહાર કાઢીને જનભાગીદારીનો વિષય બનાવ્યો. સુશાસનને ટેક્નોલોજી સાથે જોડવામાં આવ્યું. નાગરિકોની ફરિયાદ સરકાર સુધી પહોંચે અને સરકાર તેનો જવાબ આપે તે માટે ‘સ્વાગત’ જેવી પહેલ શરૂ થઈ. રોકાણ અને ઉદ્યોગ માટે ગુજરાતને વિશ્વના નકશા પર નવી ઓળખ અપાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાતનું મંચ વિકસિત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીનો 2001 થી 2014 સુધીનો 13 વર્ષોનો કાર્યકાળ અભૂતપૂર્વ પરિવર્તનનો સમયગાળો હતો. જનશક્તિ, જળશક્તિ, જ્ઞાનશક્તિ, ઊર્જાશક્તિ અને રક્ષાશક્તિના પંચામૃત દર્શન પર આધારિત તેમનું શાસનનું નવું મોડલ ગુજરાતના વિકાસનો આધાર બની ગયું.

ગુજરાતના વિકાસ મોડેલને વર્ષ 2014માં રાષ્ટ્રીય સ્વીકૃતિ મળી. વર્ષ 2014માં શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના વડાપ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યો. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના 13 વર્ષ દરમિયાન મેળવેલા અનુભવો, તેમણે કરેલા પ્રયોગો અને વિકાસદૃષ્ટિને તેમણે રાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કરી. ગુજરાતમાં શરૂ થયેલી જનકેન્દ્રિત પહેલોનો પ્રભાવ રાષ્ટ્રીય યોજનાઓમાં પણ જોવા મળ્યો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ખેલો ઇન્ડિયા, સ્વચ્છ ભારત અને નલ સે જલ જેવી પ્રમુખ પહેલો દ્વારા આરોગ્ય, સ્વચ્છતા, પાણી અને રમતગમત જેવા ક્ષેત્રોને રાષ્ટ્રીય વિકાસના એજન્ડાના કેન્દ્રમાં સ્થાન મળ્યું. ગુજરાતમાં જે રીતે સરકાર અને જનતાને વિકાસની યાત્રામાં સહભાગી બનાવવાનો પ્રયાસ થયો હતો, એ જ ભાવનાને રાષ્ટ્રીય સ્તરે વધુ વ્યાપક સ્વરૂપ મળ્યું.
શ્રી નરેન્દ્ર મોદી માટે રાષ્ટ્રનિર્માણ એ સાધના છે. ભારતની વૈશ્વિક ઓળખને નવી ઊંચાઈ આપવાની દિશામાં તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. ગુજરાતમાં શરૂ થયેલી વિકાસની ગતિને રાષ્ટ્રીય સ્તરે વિસ્તારીને શ્રી નરેન્દ્ર મોદીએ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો કે ગુજરાત માત્ર વિકાસનું ભાગીદાર ન રહે, પરંતુ ભારતની વ્યાપક વિકાસગાથાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહે.
વર્ષ 2026માં શ્રી નરેન્દ્ર મોદીના ભારતના વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂર્ણ થયા છે. 2014થી વિકાસ-કેન્દ્રિત રાજનીતિને પ્રાથમિકતા આપતાં ભારતની અર્થવ્યવસ્થા, માળખાગત સુવિધાઓ, સંરક્ષણ, વાણિજ્ય, ઉડ્ડયન, રેલવે, બંદરો અને ડિજિટલ માળખામાં વ્યાપક પરિવર્તનો જોવા મળ્યાં છે. આ યાત્રામાં આત્મનિર્ભર ભારત એક સંકલ્પ બન્યો છે. વિશ્વના બદલાતા પરિપ્રેક્ષ્યમાં ભારતને માત્ર વૈશ્વિક પરિવર્તનનું દર્શક જ નહીં, પરંતુ વૈશ્વિક પરિવર્તનનું સક્રિય ભાગીદાર બનાવવાની દિશામાં ભગીરથ પ્રયાસો થયા છે. વૈશ્વિક સ્તરે વેક્સિન મૈત્રી, ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ અને ઓપરેશન સિંદૂર જેવી મહત્વપૂર્ણ બાબતોએ ભારતની વધતી વૈશ્વિક ભૂમિકા અને વ્યૂહાત્મક ક્ષમતાને રેખાંકિત કરી છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના 13 વર્ષ અને ભારતના વડાપ્રધાન તરીકેના 12 વર્ષ એમ 25 વર્ષોથી શ્રી નરેન્દ્ર મોદીની જનસેવા યાત્રા અવિરતપણે આગળ વધી રહી છે. 25 વર્ષ પહેલાં ગુજરાતમાં શરૂ થયેલું તપ આજે રાષ્ટ્રનિર્માણની સાધનામાં પરિવર્તિત થયું છે. ગુજરાતથી શરૂ થયેલી આ વિકાસયાત્રા આજે ‘વિકસિત ભારત @2047’ ના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. સમગ્ર વિશ્વમાં લોકપ્રિય નેતાની ઓળખ ધરાવતા શ્રી નરેન્દ્ર મોદીની આ 25 વર્ષોની યાત્રા એટલે સેવા, સુશાસન, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણની સતત સાધના.
25 વર્ષોની વિકાસયાત્રા દરમિયાન ગુજરાતને મળેલી મોટી ભેટ
• ગુજરાતને મળ્યો ભારતનો પ્રથમ સેમી હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ, ₹20,667 કરોડના ખર્ચે અમદાવાદના સરખેજથી ધોલેરા સુધી સેમી હાઇસ્પીડ ડબલ લાઇન રેલ પ્રોજેક્ટને મંજૂરી
• ₹5800 કરોડના ખર્ચે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટને મંજૂરી
• કેન્દ્રીય બજેટ 2026-27માં ગિફ્ટ સિટીની સંસ્થાઓને 20 વર્ષની ટેક્સ હોલિડેની જાહેરાત
• સપ્ટેમ્બર 2026માં વડાપ્રધાનશ્રીના હસ્તે રાજ્યને ₹35,200 કરોડથી વધુના વિકાસકાર્યોની ભેટ
• વડાપ્રધાનશ્રીના હસ્તે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ત્રણ સેક્શનનું લોકાર્પણ
• હાંસલપુરમાં મારુતિ સુઝુકીની પહેલી ઇ-વિટારા કારનું લોન્ચ અને બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન
• કચ્છના ખાવડા ખાતે બની રહેલા વિશ્વના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી (RE) પાર્કમાં ₹3645 કરોડના ખર્ચે તૈયાર થયેલા 3 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
• ગુજરાતમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે
• ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત ગુજરાતમાં 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટને મંજૂરી
• ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (GFSU) વર્ષ 2020 થી “નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)” તથા “ઇન્સ્ટિટ્યૂશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ(INI)”નો ગૌરવપૂર્ણ દરજ્જો
• કેન્દ્રીય શહેરી બાબતોના મંત્રાલય હેઠળ લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે ગુજરાતના રાજકોટ શહેરની પસંદગી, ખાસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ પ્રોજેક્ટ હેઠળ રાજકોટમાં 1144 આવાસોનું નિર્માણ
• ગિફ્ટ સિટીમાં ભારતના પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર ઓથોરિટી (IFSCA) કાર્યરત
• GIFT સિટી ખાતે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (IIBX)
• ભરૂચમાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ
• નવસારીમાં PM મિત્ર પાર્ક (ટેક્સટાઇલ પાર્ક)નો શિલાન્યાસ
• ગુજરાતમાં ભાવનગર ખાતે વિશ્વના પ્રથમ સીએનજી ટર્મિનલ પોર્ટનો શિલાન્યાસ.
• અમદાવાદ ખાતે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નિર્માણ
• દાહોદ ખાતે ‘મેક ઇન ઇન્ડિયા’ના અભિગમ સાથે ₹20 હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટનું લોકાર્પણ
• વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મે 2025માં 9000 હોર્સપાવરનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને સમર્પિત કર્યું