થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા – સેવા જ્યોતિ’ કાર્યક્રમ યોજાયો

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ના ભાગરૂપે વાવ-થરાદ વિસ્તારના મુખ્ય મથક થરાદ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવી દિલ્હીથી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીના વર્ચ્યુઅલ સંબોધનનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌ નાગરિકો અને કાર્યકરોએ નિહાળ્યું હતું. વડાપ્રધાનશ્રીના પ્રેરણાદાયી વિચારોથી ઉપસ્થિત જનમેદનીમાં રાષ્ટ્રનિર્માણ અને સેવાની નવી ઊર્જાનો સંચાર થયો હતો.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું વિધાનસભાના અધ્યક્ષશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સભાના સમાપન બાદ મહાનુભાવો દ્વારા મશાલ પ્રગટાવી ‘સેવા જ્યોત યાત્રા’નું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ મશાલ યાત્રા ગાયત્રી વિદ્યાલય થરાદ થી લઈને થરાદ બસ સ્ટેશન સુધી પહોંચી હતી, જેના થકી સેવા, સંકલ્પ અને રાષ્ટ્રનિર્માણનો સંદેશ જન-જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ’ કાર્યક્રમ અંતર્ગત વાવ – થરાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી બાઇક રેલી યોજાઈ હતી. જે થરાદ ગાયત્રી વિદ્યાલય ખાતે પહોંચી હતી.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ૨૫ વર્ષમાં રાજ્ય અને દેશમાં જે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે, તેના પરિણામે પ્રત્યેક નાગરિકના જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવ્યો છે. ૨૫ વર્ષ પહેલાંની સ્થિતિ વાગોળતાં તેમણે કહ્યું કે, ભૂતકાળમાં બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારમાં ઓછા વરસાદ વખતે લોકોને હિજરત કરવી પડતી, હાઈવે પર અકસ્માત સમયે સારવારના અભાવે યુવાનો જીવ ગુમાવતા, વીજળી માંડ પાંચ-સાત કલાક મળતી અને શાળાઓમાં ઓરડા કે શિક્ષકોની ભારે અછત હતી.

તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રઢ સંકલ્પથી ૧૦૮ ઇમરજન્સી સેવા, નર્મદાનું પાણી, ૨૪ કલાક વીજળી, શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા અને મજબૂત કાયદો-વ્યવસ્થા શક્ય બન્યા છે. અધ્યક્ષશ્રીએ ઉપસ્થિત કાર્યકરો અને નાગરિકોને અનુરોધ કર્યો હતો કે, છેલ્લા ૨૫ વર્ષમાં ગામડાં અને સામાન્ય પરિવારોમાં જે વિકાસલક્ષી બદલાવ આવ્યો છે, તેના સાદા વિડિયો બનાવી લોકો સમક્ષ મૂકવા જોઈએ જેથી સાચી વિકાસગાથા જન-જન સુધી પહોંચે. તેમણે વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને વિશ્વના અગ્રણી વિકસિત દેશોની હરોળમાં મૂકવાના અને દેશને ગરીબીમુક્ત તથા સંપન્ન બનાવવાના વડાપ્રધાનશ્રીના સંકલ્પને દોહરાવ્યો હતો.

આ કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકોએ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના નિર્માણ માટે એકતા અને સમર્પણ સાથે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમની શરૂઆતમાં અગ્રણીશ્રી નરેશજી ઠાકોર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રત્નીબેન પરમાર, ધારાસભ્યશ્રી કેશાજી ચૌહાણ, પૂર્વ સાંસદશ્રી પરબતભાઈ પટેલ, અગ્રણી શ્રીમતી પ્રીતિબેન પટેલ, ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધિક્ષકશ્રી ચિંતન તેરૈયા, અધિક જિલ્લા કલેકટરશ્રી તુષાર જાની સહિત વિશાળ સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ, કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *