સૌરાષ્ટ્રના ગામોમાં સિંચાઈની ઉત્તમ સુવિધા પૂરી પાડવા પાણી પૂરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા ચેકડેમોના સર્વે સહિતની કામગીરીની સમીક્ષા

મંત્રીશ્રી કુંવરજીભાઈએ વિંછિયાના અમરાપુરમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને વિંછીયાના અમરાપુર ખાતે સૌરાષ્ટ્રની જળ વ્યવસ્થાપન અને અન્ન અને નાગરિક પુરવઠા અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

        આ બેઠકમાં મંત્રીશ્રી બાવળીયાએ જસદણ અને વિંછીયા તાલુકા સહિત સૌરાષ્ટ્રના દરેક ગામોને સિંચાઈની ઉત્તમ સગવડો પૂરી પાડવા ચેકડેમોના સર્વેની કામગીરી, ડેમની આસપાસના વિસ્તારોમાં થનાર લાભો માટે થતી તમામ કામગીરી વગેરે અંગે ચર્ચા કરી હતી. તેમજ જસદણ અને વિંછીયા તાલુકામાં સિંચાઈ, તળાવોના રીપેરીંગ તથા નવા તળાવ બનાવવા, મિકેનિકલ વર્ક, સૌની યોજના અને સુજલામ સુફલામ્ યોજના, કેનાલોને પાકી, મજબૂત અને ઊંડી બનાવવા અંગેની ચર્ચા કરી હતી. તેમજ વિવિધ કામગીરીની વિગતો મેળવી હતી. આ ઉપરાંત મંત્રીશ્રીએ જિલ્લાનો નકશાને ધ્યાને લઈને મચ્છુ-૧ અને મચ્છુ-૨ ડેમનો વિગતવાર અભ્યાસ કરી ડેમની આસપાસના ગામોને વધુ સારી રીતે આ યોજનાનો લાભ સ્થાનિકોને અપાવવા અધિકારીઓને સૂચના આપી હતી.

        આ બેઠકમાં મંત્રીશ્રી બાવળિયાએ જસદણના ભાડલા ઝોન અને સાણથળી ઝોનના ૪૪ ગામો અને જસદણ શહેરને તેમજ વિંછીયા તાલુકાના ભડલી અને વિંછીયા ઝોનના ૬૨ ગામો મળીને કુલ આશરે ૧૦૬ ગામોમાં વિવિધ યોજનાકીય કામગીરીની પાણી પુરવઠા વિભાગના અધિકારીશ્રીઓ ચર્ચાઓ કરી હતી. જેમાં ગામોના ઘરો સુધી નળ મારફતે પાણી મળી રહે તે દિશામાં કામગીરી સમયસર પૂર્ણ થાય અને નાગરિકોને પીવાનું પાણી ઘરમાં જ નળ મારફત મળી રહે તે માટે વિવિધ તળાવોના સમારકામ, ફિલ્ટર પ્લાન્ટ અને બે તાલુકાઓ અંતર્ગત આવતા ગામોના નકશાનું અવલોકન કરીને વાસ્મો યોજના સહિતની  માહિતી મેળવી હતી. તેમજ નદીઓ ઉપર પ્રગતિ હેઠળના બ્રિજ અંગેની વિગતવાર માહિતી મેળવી બાકી રહેતા કામો સમયસર પૂર્ણ થાય તે જોવા અને છેવાડાના ગામો સુધી પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે અધિકારીઓ સાથે મળી એક્શન પ્લાન પર અસરકારક કામગીરી કરવા તાકીદ કરી હતી.

        મંત્રીશ્રીએ સસ્તા અનાજની દુકાનો, નવી દુકાનો ખોલવા, ઘઉં, ચોખા અને તુવેરદાળનો જથ્થો રાશનકાર્ડ ધારકોનોને સમયાંતરે પહોંચાડવા, ઘઉં ચોખા અને તુવેરદાળનો જથ્થો તેમજ નવી અરજીઓ વિશે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.

        આ બેઠકમાં અધિક્ષક ઈજનેરશ્રી કે.એચ. મહેતા, કાર્યપાલક ઈજનેરશ્રી એન.વી.ચાવ અને શ્રી વિવેક ગોહિલ, ઈજનેરશ્રી કે.કે.તેરૈયા, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી અંકિત ગોહિલ, નાયબ ઇજનેરશ્રી એચ.એચ.શર્મા, નાયબ કાર્યપાલકશ્રી ઉત્કર્ષ ભાભોર અને શ્રી એમ.પી.જાલુ, વાસ્મો યુનિટ મેનેજરશ્રી પી.એમ.પરમાર અને શ્રી વિપુલ દેરવાડીયા, વીંછીયા મામલતદારશ્રી અંકિત પટેલ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *