ચૂંટણી પંચની સ્વાયત્તતા અને પારદર્શિતા સામે પાયાવિહોણા આક્ષેપો કરીને કોંગ્રેસે દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો – શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે પત્રકાર પરિષદ સંબોધતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ચૂંટણી પંચની સ્વાયત્તતા અને પારદર્શિતા સામે પાયાવિહોણા આક્ષેપો કરીને કોંગ્રેસે દેશની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો – શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

SIR અંગે ત્રણેય ચૂંટણી કમિશનરોની સર્વસંમતિની સ્પષ્ટતાએ ચૂંટણી પંચમાં મતભેદ હોવાના કોંગ્રેસના આક્ષેપોને સંપૂર્ણપણે ખોટા સાબિત કર્યા છે – શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જ્યાં જનાદેશ કોંગ્રેસની તરફેણમાં આવે ત્યાં લોકશાહીની જીત અને ભાજપા જીતે ત્યાં ‘વોટ ચોરી’, કોંગ્રેસનું બેવડું ધોરણ ખુલ્લું પડી ગયું છે – શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

વિપક્ષના નેતાઓ દેશની બંધારણીય સંસ્થાઓ પર આવા પાયાવિહોણા ગંભીર આક્ષેપો કરીને વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરડવાનું હીન કૃત્ય કરી રહ્યા છે – શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિકાસયાત્રા અને વધતા વૈશ્વિક પ્રભાવને કોંગ્રેસ પચાવી શકતી નથી – શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, દુનિયાની સૌથી મોટી લોકશાહી ગણાતા આપણા દેશમાં નિષ્પક્ષ, તટસ્થ અને નિર્વિવાદ ચૂંટણી પ્રક્રિયા અમલમાં છે. દેશના ચૂંટણી પંચને સંપૂર્ણ સ્વાયત્તતા સાથે કાર્ય કરી અને ચૂંટણી આયોગ નિષ્ઠા તથા પારદર્શિતા સાથે દેશભરમાં ચૂંટણીઓ કરાવે છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, કમનસીબી એ વાતની છે કે, જે લોકોએ પોતાના શાસન દરમિયાન ચૂંટણી પંચની સ્વાયત્તતા હણી લીધી હતી, એવા લોકો આજે ચૂંટણી પંચ પર પાયાવિહોણા આક્ષેપ કરી આંગળી ઉઠાવી રહ્યા છે. ચૂંટણી આયોગ પર રાહુલ ગાંધી તથા વિપક્ષે જે આક્ષેપો કર્યા છે તે તથ્યહીન છે. ચુંટણીના પારદર્શી આયોજન સાથે દરેક પાત્ર નાગરિકનું નામ મતદાર યાદીમાં યોગ્ય રીતે નોંધાયેલું રહે અને તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તેની સુનિશ્ચિતતા નું કાર્ય ચુંટણી પંચ કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોએ સ્પષ્ટ કર્યું છે કે SIR અંગેના તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. આ સ્પષ્ટતા જ પુરવાર કરે છે કે રાહુલ એન્ડ કંપની જનતાની નજરમાં રહેવા માત્રને માત્ર ખોટા ગતકડા ચલાવી રહી છે. ચૂંટણી પંચમાં મતભેદ હોવાનો આક્ષેપ સદંતર બે-બુનિયાદ સાબિત થયા છે. નવા મતદારોની મતદાર યાદીમાં નોંધણી માટે સુપ્રીમ કોર્ટે Form-6ને યોગ્ય ગણાવ્યું છે. સાથે જ, કોઈપણ પાત્ર નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહે તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી હોવાનું ચૂંટણી પંચે જણાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રી પટેલે કોંગ્રેસના વલણ અંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ચાવવાના અને બતાવવાના બેય દાંત જુદા જુદા છે. જ્યારે જ્યારે તેઓ લોકો ચૂંટણી જીતે ત્યારે લોકશાહીની વિજય અને ચૂંટણી આયોગની તટસ્થતાની વાતો કરે છે, જ્યારે જ્યાં જનાદેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીને મળે ત્યાં ‘વોટ ચોરી’ અને ગેરરીતિના જુઠ્ઠા ગાણાં તેઓ ગાય છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટમાં SIRની પ્રક્રિયાને પડકારવા કોંગ્રેસ પાર્ટી ગઈ હતી, કોમ્યુનિસ્ટ પાર્ટી ગઈ હતી, CPM ગઈ હતી અને TMC ગઈ હતી. બધાને સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે SIRને યોગ્ય ગણાવી છે. આ જ SIRને કેરળમાં કોંગ્રેસ પાર્ટીએ યોગ્ય ગણીને કહ્યું હતું કે SIRના કારણે તેમને જીત મળી છે. બંગાળમાં ચૂંટણી કરાવવા માટે TMCના આગ્રહ પર જ સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઓબ્ઝર્વરની નિમણૂક કરી હતી. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી એ વાતનો વિચાર કરવો જોઈએ કે તેઓ બંગાળમાં ૪૦ વર્ષથી સત્તાથી કેમ દૂર છે? ૧૯૯૦થી ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. બંગાળમાં વામપંથીઓએ જે ગેરકાયદેસર નામ ઘુસાડ્યા હતા, તે નીકળી ગયા, ફેક વોટર બહાર આવ્યા અને ભાજપા જીતી તેમાં રાહુલ બાબાને પેટમાં દુઃખ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી જનજનમાં લોકશાહી પ્રત્યેનો ભરોસો બુલંદ થયો છે. એટલું જ નહીં, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત વિશ્વમિત્ર બન્યું છે. દેશનો ગ્રોથ રેટ ૭.૮ ટકા થયો છે અને ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા આગળ વધ્યું છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવન અને જનસેવાના ૨૫ વર્ષને દેશવાસીઓ ‘સેવા સંકલ્પ અભિયાન’ તરીકે ઉજવી રહ્યા છે. જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી કોંગ્રેસ શ્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ભાજપાની સફળતા સહન કરી શકતી નથી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પોતાનું અસ્તિત્વ બચાવવા હવે તેમણે ચૂંટણી આયોગ જેવી સ્વાયત્ત સંસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષના નેતાઓ દેશની બંધારણીય સંસ્થાઓ પર આવા પાયાવિહોણા ગંભીર આક્ષેપો કરીને વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરડવાનું હીન કૃત્ય કરી રહ્યા છે. દેશની જનતા હવે કોંગ્રેસને પૂરેપૂરી ઓળખી ગઈ છે અને SIRના મુદ્દે તેમણે જે હોબાળો મચાવ્યો છે તેમાં તેઓ પોતે જ ખુલ્લા પડી જવાના છે અને જનતાની નજરમાં વધુ નીચા ઉતરવાના છે. વિપક્ષો ભલે તેમના ખોટા મનસૂબા જનતા પર થોપવાની કોશિશ કરતા રહે, પરંતુ દેશની જનતા જનાર્દન સ્માર્ટ અને સમજુ છે. ૧૪૦ કરોડ દેશવાસીઓ એમના એ કારસા ફાવવા નહીં દે એવો તેમને પૂરો વિશ્વાસ છે. વિપક્ષ હોય કે સત્તાપક્ષ, લોકશાહીમાં પ્રશ્નો પૂછવાનો અધિકાર સૌને છે. પરંતુ ચૂંટણી જેવી સંવેદનશીલ સંસ્થાઓ અંગેની ચર્ચા તથ્ય, કાયદો અને બંધારણીય સંસ્થાઓ પ્રત્યેના વિશ્વાસના આધારે થવી જોઈએ.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *