વડોદરાના એક દિવસીય પ્રવાસે આવેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ આજે બપોર બાદ પાદરા સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના નવનિર્મિત ‘ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ’ રીટ્રીટ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ વિશેષ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિશ્રી દ્વારા “આધ્યાત્મિક જાગૃતિ દ્વારા વિશ્વ નવ નિર્માણ” પ્રોજેક્ટનો પણ વિધિવત શુભારંભ કરવામાં આવ્યો.

રાષ્ટ્રપતિશ્રીએ પોતાના પ્રેરણાદાયી ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યમાં જ્યારે તણાવ, હિંસા અને સામાજિક વિભાજન વ્યાપેલા છે, ત્યારે ધ્યાન અને સકારાત્મક વિચારધારા શાંતિ સ્થાપવા માટે અનિવાર્ય છે. તેમણે ભારપૂર્વક ઉમેર્યું હતું કે કેવળ આર્થિક પ્રગતિ પૂરતી નથી, પરંતુ એવી શિક્ષણ પ્રણાલીની જરૂર છે, જે બુદ્ધિની સાથે વિવેકને પણ જાગૃત કરે. ‘સ્વ પરિવર્તનથી વિશ્વ પરિવર્તન’ના સિદ્ધાંતને દોહરાવતા તેમણે બ્રહ્માકુમારી સંસ્થાના વૈશ્વિક શાંતિના કાર્યોની પ્રશંસા કરી હતી.
રાષ્ટ્રપતિશ્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લા ૩૦ વર્ષથી કેદીઓના હકારાત્મક પરિવર્તન માટે જે આધ્યાત્મિક પ્રયાસો થઈ રહ્યા છે તે અત્યંત નોંધપાત્ર છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, લોકર્પિત થયેલું ગ્લોબલ સ્પિરિચ્યુઅલ પેલેસ’ સમાજના વિવિધ વર્ગોમાં શાંતિ અને સદ્ભાવ વધારવાનું કેન્દ્ર બનશે.

યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણની કરોડરજ્જુ ગણાવતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની ૬૫ ટકા યુવા વસ્તી વર્ષ-૨૦૪૭ સુધીમાં દેશને આર્થિક અને આધ્યાત્મિક રીતે ‘વિકસિત ભારત’ બનાવવાના સંકલ્પને સાકાર કરશે. તેમણે યુવાનોને ડિજિટલ યુગના પડકારો સામે આંતરિક શક્તિ, આત્મ-શિસ્ત અને નૈતિક મૂલ્યો વિકસાવવા અનુરોધ કર્યો હતો. અંતમાં, તેમણે માનવતાની સેવાને જ સાચી પૂજા ગણાવી યુવા પેઢીને ઈમાનદારી અને રાષ્ટ્રપ્રેમ સાથે સમર્પિત થઈ કાર્ય કરવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજના સંઘર્ષમય યુગમાં આધ્યાત્મિક જાગૃતિ દ્વારા જ વિશ્વનું નવનિર્માણ શક્ય છે. તેમણે ભારતીય ઋષિ-મુનિઓના ‘વસુધૈવ કુટુંબકમ’ અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ ના ઉમદા ચિંતનને દોહરાવતા કહ્યું કે, જો મનુષ્ય નૈતિક મૂલ્યો નહીં અપનાવે તો ભૌતિક વિકાસ કલ્યાણને બદલે વિનાશક સાબિત થઈ શકે છે. રાજ્યપાલશ્રીએ યુવા પેઢીને વ્યસનમુક્ત કરી સાંસ્કૃતિક વારસા સાથે જોડવા પર વિશેષ ભાર મૂક્યો હતો.

બ્રહ્માકુમારીઝ સંસ્થાના ત્યાગ અને માનવ સેવાના કાર્યોની સરાહના કરતા શ્રી દેવવ્રતજીએ આ કેન્દ્રને ભાવિ પેઢી માટે પ્રેરણા સ્ત્રોત ગણાવ્યું હતું.
આ પવિત્ર પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, અલ્કાપુરી સબઝોનના ડાયરેક્ટર બી. કે. ડૉ. નિરંજના દીદી અને રાજયોગિની બીકે ઉષાદીદી એ સ્વાગત પ્રવચનમાં ભાર મૂક્યો હતો કે વર્તમાન સમયમાં માત્ર બાહ્ય સુવિધાઓ નહીં, પરંતુ મનની શાંતિ અને આત્મિક શક્તિ અનિવાર્ય છે. આધ્યાત્મિક જાગૃતિ દ્વારા સ્વ-પરિવર્તનથી વિશ્વ પરિવર્તન સાધી શકાય છે અને માનવી પોતાના મૂળ સ્વરૂપને ઓળખીને જ સમાજમાં સકારાત્મકતા લાવી શકે છે. આ કેન્દ્ર માનવ કલ્યાણ અને શાંતિપૂર્ણ વિશ્વના નિર્માણ માટે એક દિવ્ય માર્ગદર્શક બનશે તેવી મંગલ કામના વ્યક્ત કરવામાં આવી.

આ કાર્યક્રમ દરમિયાન પેલેસના પ્રાંગણમાં રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ સહિતના મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. અને ત્યારબાદ મેડીટેશન પણ કર્યું હતું.આ અવસરે રાજ્યના પ્રોટોકોલ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, જન પ્રતિનિધિશ્રીઓ, ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ બ્રહ્માકુમારીઝ સંસ્થાના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.