
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ તથા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશભરમાં જળ વ્યવસ્થાપન અને જળ સુરક્ષાના ક્ષેત્રે સતત ઐતિહાસિક અને દૂરંદેશી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ જ દિશામાં આગળ વધતાં, ગુજરાતની બહુપ્રતીક્ષિત અને મહત્ત્વાકાંક્ષી ‘કલ્પસર પરિયોજના’ને સાકાર કરવાની દિશામાં એક નક્કર અને મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
24 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હી ખાતે આયોજિત 9મી India International Water Week (IIWW) 2026 દરમિયાન ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે કલ્પસર પરિયોજના માટે ટેકનિકલ સહયોગ અને ક્ષમતાવર્ધન અંગે મહત્વપૂર્ણ સમજૂતી કરારો (MoU) સંપન્ન થયા છે. આ કરાર અંતર્ગત કેન્દ્રીય જલ શક્તિ મંત્રાલય, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર નેધરલેન્ડ્સની પ્રતિષ્ઠિત જળ સંશોધન સંસ્થા ડેલ્ટેરેસ અને ડેલ્ફ્ટ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી સંયુક્ત રીતે આ પ્રોજેક્ટના ટેકનિકલ વિષયો, સર્વેક્ષણ અને નિર્માણ કાર્યો પર આગળ વધશે. મે 2026માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની નેધરલેન્ડ્સ મુલાકાત દરમિયાન કલ્પસર પરિયોજના અંગે ટેકનિકલ સહયોગ માટે Letter of Intent (LoI) પર હસ્તાક્ષર થયા હતા. આ બાદ હવે બે મહત્વપૂર્ણ ત્રિપક્ષીય MoU દ્વારા સહકારને વધુ નક્કર માળખું મળ્યું છે.
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલ અને નેધરલેન્ડ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર મેનેજમેન્ટના વાઇસ મિનિસ્ટર શ્રી જાપ સ્લૂટમેકરની સહ-અધ્યક્ષતામાં ભારત-નેધરલેન્ડ્સની દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાત સરકારના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલ અને સંબંધિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન કલ્પસર પરિયોજના માટેના MoU પર હસ્તાક્ષર થયા છે. આ સહયોગ અંતર્ગત કલ્પસર પરિયોજનાના વિવિધ ટેકનિકલ પાસાઓ અંગે હાઇડ્રોલિક અને હાઇડ્રોલોજિકલ મોડેલિંગ, દરિયાકાંઠા અને માળખાકીય ઇજનેરી, આબોહવા પરિવર્તન સામે સ્થિતિસ્થાપકતા, ટેકનિકલ સમીક્ષા, ડિજિટલ તકનીક, તાલીમ અને ક્ષમતાવર્ધન જેવા ક્ષેત્રોમાં નિષ્ણાતી જ્ઞાનનું આદાન-પ્રદાન કરવામાં આવશે. બંધ અને વોટર મેનેજમેન્ટમાં નેધરલેન્ડ્સ પાસે સદીઓનો બહોળો વૈશ્વિક અનુભવ ઉપલબ્ધ છે, જેનો સીધો લાભ હવે કલ્પસર પરિયોજનાને પ્રાપ્ત થશે.
આ મહત્ત્વાકાંક્ષી પરિયોજનાથી સમગ્ર ગુજરાતને જળ સુરક્ષાની સાથે-સાથે પરિવહન, કૃષિ, ઉદ્યોગ અને સર્વાંગી વિકાસના ક્ષેત્રે અભૂતપૂર્વ લાભ પ્રાપ્ત થશે. ખંભાતના અખાતમાં મીઠા પાણીના સરોવર નિર્માણથી પીવાના પાણી અને સિંચાઈની સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવશે તેમજ રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ સંયુક્ત પહેલ ગુજરાતના જળ સમૃદ્ધ ભવિષ્ય માટે એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થશે.