
રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ અને શહેર પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત ની પ્રેરક ઉપસ્થિતિ
તાજેતરમાં ITM વોકેશનલ યુનિવર્સિટી, વડોદરા દ્વારા બ્રહ્મા કુમારી અરુણાદીદીને ડોકટર ઓફ લિટરેચરની માનદ પદવી એનાયત કરવામાં આવી છે.
આ પ્રસંગે સેવા કેન્દ્ર “આત્મચિંતન ભવન” ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ, મુખ્ય અતિથિ તરીકે શહેર પોલીસ કમિશનરશ્રી અનુપમસિંઘ ગેહલોત,શ્રીમતી સંધ્યાબહેન ગેહલોત, ITM વોકેશનલ યુનિવર્સિટીના વીસીડો.અનિલ બિસેન વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
બ્રહ્મા કુમારી અરુણાદીદીને તેમની અમૂલ્ય સમાજ સેવા અને જીવનમાં શ્રેષ્ઠ કાર્યો, ગુણો, સંકલ્પો અને ધ્યેયો અપનાવવા અને પરિવારોના આધ્યાત્મિક ઉત્થાનનો સંદેશ ફેલાવવાના ઉત્કૃષ્ટ પ્રયાસો બદલ "ડોક્ટર ઑફ લિટરેચર"ના બિરુદથી નવાજવામાં આવ્યા છે.
શ્રી અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, જ્યારે પોલીસ સામાજિક સુરક્ષાના કાર્યમાં અત્યંત તણાવપૂર્ણ વાતાવરણમાં કામ કરી રહી છે, ત્યારે રાજયોગ તેમની મદદે આવે છે, અરુણાદીદીએ પોલીસ કર્મીઓને રાજયોગની આધ્યાત્મિક તાલીમ આપી છે.
રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડે અરુણાદીદીએ સમાજ પ્રત્યેની અદભૂત સેવા બદલ આભાર માન્યો હતો.
તેમણે પ્રેમથી મારા અને સમાજના ઘણા પરિવારોનું દિલ જીતી લીધું છે. તેઓ સૌથી મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરે છે. આ કાર્યક્રમમાં તેમનું સન્માન કરીને હું ગૌરવ અનુભવું છું.ITM વોકેશનલ યુનિવર્સિટીના ડો.અનિલ બિસેનજી, કચ્છ કેમિકલના ઓનર શ્રી શિવલાલભાઈ ગોયલ અને “મા શક્તિ” ગરબાના આયોજક જયેશભાઈ ઠક્કરે બી.કે.અરુણા દીદીની આ પ્રશંસનીય સેવાઓ માટે અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે બ્રહ્માકુમારીઝ મણિનગર, અમદાવાદ સબઝોન ઈન્ચાર્જ રાજયોગીની બ્રહ્મા કુમારી નેહાદીદી પણ હાજર રહ્યા હતા. તેમણે “જીવનમાં આઠ શક્તિઓનો વિકાસ” વિષય પર સેમિનારમાં વ્યાખ્યાન આપતાં જણાવ્યું હતું કે સમાજમાં ફેલાયેલી નકારાત્મક શક્તિઓને નષ્ટ કરવા માટે આધ્યાત્મિક જ્ઞાન અને દૈવી શક્તિઓની જરૂર છે. જે રાજયોગ દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે. રાજયોગ દ્વારા આઠ શક્તિઓને પ્રાપ્ત કરવાના પ્રતિક તરીકે નવરાત્રિ પર્વ દરમિયાન અષ્ટ ભુજાઓની પૂજા કરવામાં આવે છે. રાજયોગ જીવનને ઉજ્જવળ બનાવવાનો સંદેશ અને પ્રેરણા આપે છે. સેવા કેન્દ્રના સહ નિયામક બ્રહ્માકુમારી પૂનમબહેન દ્વારા કાર્યક્રમનું સુચારૂ સંચાલન કરવામાં આવ્યું હતું.