કોટડાસાંગાણીના રામોદ ગામે રૂા. ૨ કરોડના ખર્ચે તૈયાર થનાર રીવરફ્રન્ટનું ખાતમૂહુર્ત કરતા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા

–  છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેર જેવી જ માળખાગત અને  આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે, તેમ અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે અંદાજે રૂા. ર(બે) કરોડના ખર્ચે તૈયાર થનાર રીવરફ્રન્ટ સાથે આનુષંગીક બ્યુટીફિકેશનના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરતા જણાવ્યું હતું.

રામોદ ગામે થનાાર વિકાસનું આ બેનમુન કાર્ય ગ્રામ્ય કક્ષાએ પણ શહેરકક્ષાના વિકાસનો જીવંત પુરાવો બની રહેશે. આગામી ટુંક સમયમાં જ રામોદ ખાતે સુવિધા પથ(સી.સી. રોડ) તથા સ્કુલનું નવું બીલ્ડીંગ તૈયાર થનાર છે, તેમ ઉમેરતાં  મંત્રીશ્રી રાદડીયાએ જણાવ્યું હતું કે લોકોએ જાગૃત બની રાજય સરકારના આ ઉમદા કાર્યને લોકસહયોગ આપવો જોઇએ જેથી ગામનો સર્વાંગી વિકાસ થાય. આખરે ગામોના વિકાસ થકી જ રાજય અને રાષ્ટ્રનો વિકાસ થશે.

આ તકે ધારાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયાએ રામોદ જેવા છેવાડાના ગામમાં બે કરોડની માતબર રકમના ખર્ચે તૈયાર થનાર રીવરફ્રન્ટ અને અન્ય વિકાસ કામો માટે આ વિસ્તારના જાગૃત નાગરીકો અને અગ્રણીઓના અથાગ પ્રયત્નોને બિરદાવતાં ઉમેર્યું હતું કે રાજય સરકારના “સૌનો સાથ સૌનો વિકાસ”ના અભિમંત્ર સાથેના રાજયના સર્વાંગી વિકાસના અભિયાન થકી લોકોમાં જાગૃતિ અને વિકાસ પ્રત્યેની ભૂખને સકારાત્મક પ્રત્યૂતર સાંપડયો છે. રાજયનું દરેક ગામ તમામ માળખાકીય સુવિધાથી સજ્જ બને તે માટે રાજય સરકાર પ્રતિબધ્ધ છે.

કાર્યક્રમના પ્રારંભે મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, ધારાસભ્યશ્રી લાખભાઇ સાગઠીયા અને સ્વામિનારાયણ સંપ્રદાયના  સંતોની ઉપસ્થિતિમાં વિકાસ કાર્યનું ખાતમુહુર્ત કરાયું હતું. આ તકે સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામીશ્રી પૂર્ણસ્વરૂપ સ્વામીએ આશિર્વચનો પાઠવતા ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય ઇચ્છાશક્તિના એકત્વથી સામાજીક ઉત્થાનના સુંદર કાર્યો શકય બને છે તેમ જણાવતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના વડપણ હેઠળ ‘‘સમાજ સેવા એ જ પ્રભુ સેવા’’ના હેતુને સિધ્ધ કરતા સામાજીક ઉત્થાન માટે સામાજીક અને લોકકલ્યાણની યોજનાઓના અમલીકરણને બિરદાવી હતી.

હાઇવેથી સાઇટ સુધીનો સુંદર માર્ગ, નદી ઉપર રીટેઇનીંગ વોલ તથા ઘાટ, સુંદર મંદીર, સ્ટેપગાર્ડન, ટોયલેટ બ્લોક, ઓફિસ બિલ્ડીંગ, કોમ્યુનિટી હોલ સહિતની સુવિધાઓ સાથેના સ્વામિનારાયણ ઘાટ નામકરણ થયેલ આ સમગ્ર રીવરફ્રન્ટ પ્રોજેકટ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અંદાજે રૂા. બે કરોડના ખર્ચે તૈયાર થનાર છે.    

આ પ્રસંગે રાજકોટ ડેરીના ચેરમેનશ્રી ગોરધનભાઇ ધામેલીયા, પૂર્વ ધારાસભ્યો સર્વશ્રી ભાનુબેન બાબરીયા અને ચંદુભાઇ વઘાસીયા, જિલ્લા ભાજપના મહામંત્રીશ્રી નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણીતથા મનીષભાઇ ચાંગેલા, સરપંચશ્રી ભાનુબેન પડારીયા અને ઉપસરપંચશ્રી મુકેશભાઇ ગજેરા, મામલતદારશ્રી વસોયા તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી હીંગરાજીયા સહિત મોટીસંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અગ્રણી અમિતભાઇ પડારીયાએ કર્યું હતું.             

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *