
પરિવારની જેમ રાજ્યના નાગરિકોનું જીવન સુખકારી બને તે માટે લોકોપયોગી યોજનાઓનો ઘરઆંગણે લાભ આપવા સરકાર સતત પ્રયત્નશીલ છે: આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ

સુરત:શુક્રવાર: રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને ૫૭ જેટલી વિવિધ પ્રકારની સરકારી સેવાઓ ઘરઆંગણે જ મળી રહે એ માટે માંડવી તાલુકાના ઉટેવા ગામ ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માંડવી તાલુકાના ૩૯ ગામના ૮૩૮ લાભાર્થીઓએ વિવિધ યોજનાકીય લાભો સ્થળ પર જ મેળવ્યા હતાં.

આ પ્રસંગે આદિજાતિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન અને સબળ નેતૃત્વ હેઠળ સરકારની તમામ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં માટે સરકાર સતત કાર્યરત છે. એક પરિવારની જેમ રાજ્યના નાગરિકોનું જીવન સુખકારી બને તે માટે લોકો ઉપયોગી યોજનાઓનો લાભ આપવા સરકાર સતત પ્રયત્નશીલ અને સંવેદનશીલ રહી છે. હવે સ્માર્ટફોનના ઉપયોગથી સરકારની અનેકવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મેળવી શકાય છે, વધુમાં વધુ નાગરિકો ઓનલાઈન સેવાઓનો લાભ મેળવી શકે એ માટે યોગદાન આપવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો.

વધુમાં તેમણે કહ્યું કે,સેવા સેતુ કાર્યક્રમ થકી મા અમૃતમ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ અને આવકનો દાખલો જેવા સમયાવધિ પૂર્ણ થતા પુરાવઓને રિન્યુ કરાવી લેવા જરૂરી છે, જેથી કચેરીઓના ધક્કા ખાવા અને સમયનો વ્યય જેવી સમસ્યાઓથી બચી શકશે.

સેવાસેતુમાં વિભાગવાર આવક/જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ, નામ કમી, નામ સુધારો તથા E-KYC ની કામગીરી, આઘારકાર્ડ નવા અને અપડેશન, આયુષ્માન કાર્ડની અરજી, કૃષિ, પંચાયત, પશુપાલન, સમાજકલ્યાણ, અને આદિજાતિ વિકાસ વિભાગની યોજનાઓ, બસ કન્સેશન પાસ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃધ્ધ-વય વંદના-સંકટ મોચન સહાય યોજના, નવીન વારસાઇ અરજીઓ અને વિનામૂલ્યે ૭/૧૨,૮-અ ની નકલ, જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી અને મિલ્કત આકારણીના ઉતારા, પી.એમ.સન્માન નિધી લાભાર્થીનું E-KYC, ઘરેલુ નવા વીજજોડાણ, બેંકિંગને લગતી સેવાઓની અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. અન્ય લાભાર્થીઓ સુધી આ યોજનાઓ પહોંચે તે માટે વિવિધ કચેરીઓના સ્ટાફ દ્વારા યોજનાકીય જાણકારી અપાઈ હતી.
આ પ્રસંગે જિ. પંચાયતના સભ્ય રોહિતભાઇ પટેલ, માંડવી તા. વિકાસ અધિકારી રવિન્દ્ર સોલંકી, અધિકારી-કર્મચારીઓ અને મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
