મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ‘લોકભવન’ ખાતે રક્ષાબંધન પર્વની ભાવસભર ઉજવણી સંપન્ન

વિવિધ સમાજ, સંસ્થાઓ અને વર્ગોની બહેનો-દીકરીઓએ મુખ્યમંત્રીશ્રીને રક્ષાસૂત્ર બાંધી દીર્ઘાયુની પ્રાર્થના કરી

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની તમામ નારીશક્તિના સર્વાંગી વિકાસ અને સુરક્ષા માટેની કટિબદ્ધતા વ્યક્ત કરી
પવિત્ર રક્ષાબંધનના પર્વ નિમિત્તે આજે ગાંધીનગર સ્થિત ‘લોકભવન’ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્નેહ અને સુરક્ષાના પ્રતીક સમાન રક્ષાબંધન કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્ણ અને ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. રાજ્યભરમાંથી આવેલી વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંગઠનો, બ્રહ્માકુમારીઝ અને દિવ્યાંગ બહેનોએ આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધીને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની મંગલકામના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ રાખડી બાંધવા આવેલી તમામ બહેનોનું આત્મીયતાપૂર્વક સ્વાગત કરી તેમની શુભેચ્છાઓ સ્વહર્ષ સ્વીકારી હતી. કાર્યક્રમ દરમિયાન શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રિવાબા જાડેજા, મેયર શ્રી મીરાબેન પટેલ, ધારાસભ્ય સર્વે શ્રી રીટાબેન પટેલ, શ્રી નિમિષાબેન સુથાર, શ્રી પાયલબેન કુકરાણી, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી વર્ષાબેન દોશી, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ શ્રી અંજુબેન વેકરીયા સહિત ઉપસ્થિત મહાનુભાવો, વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓની હાજરીમાં સમગ્ર વાતાવરણ સ્નેહ અને બંધુતાના રંગે રંગાયું હતું.