ઊંઝા ખાતે ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી

ઊંઝા ખાતે ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી

પ્રકૃતિની જાળવણી એ આપણો સનાતન સંસ્કાર છે; આવનારી પેઢી માટે પર્યાવરણનું જતન એ આપણી જવાબદારી- ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ વિદ્યાલયના પટાંગણમાં વૃક્ષારોપણ કરી લોકજાગૃતિ અર્થે ‘વૃક્ષ રથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

 

મહેસાણા જિલ્લાના ઊંઝા સ્થિત કે.એલ.પટેલ કન્યા વિદ્યાલય ખાતે ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને ૭૭ મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉપસ્થિત મહાનુભાવો, વન વિભાગના અધિકારીઓ અને પ્રકૃતિપ્રેમીઓને સંબોધતા પર્યાવરણ સુરક્ષા અને પ્રકૃતિના સંતુલન પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પ્રકૃતિની જાળવણી એ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને આપણા ધર્મમાં નદીઓ, પર્વતો તથા વૃક્ષોમાં ઈશ્વરના અંશ જોવાની પવિત્ર પરંપરા રહી છે.

વર્તમાન સમયમાં બદલાતા જતાં વાતાવરણ અને ઋતુચક્રની અનિયમિતતા અંગે ચિંતા વ્યક્ત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ૨૧મી સદીના પડકારોને પહોંચી વળવા માટે સમગ્ર વિશ્વ હવે ગ્રીન એનર્જી અને ક્લીન એનર્જી તરફ વળી રહ્યું છે. તેમણે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વૃક્ષારોપણને લાગણી અને સંસ્કારો સાથે જોડવું અનિવાર્ય છે. પરિવારમાં બાળકના જન્મ કે વડીલોની સ્મૃતિ જેવા શુભ પ્રસંગોએ વૃક્ષારોપણ કરીને આપણે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારી અદા કરવી જોઈએ. કનૈયાલાલ મુનશીજી દ્વારા શરૂ કરાયેલા વન મહોત્સવને માત્ર સરકારી કાર્યક્રમ ન ગણતા, તેને જનઆંદોલન બનાવી નવી પેઢી માટે સુરક્ષિત ભવિષ્યનો સંકલ્પ લેવા તેમણે અનુરોધ કર્યો હતો.

વૃક્ષોના જતન અંગે માર્ગદર્શન આપતા મંત્રીશ્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ધરતી અને પર્યાવરણ એ આપણી માલિકી નથી પરંતુ નવી પેઢી માટેની આપણી થાપણ છે. માત્ર વૃક્ષ વાવવાથી સંતોષ ન માનતા, તેને ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી ઉછેરીને સ્વયં સક્ષમ બનાવવું જરૂરી છે. રાજ્ય સરકારની ‘વન કવચ’ યોજના અંતર્ગત હવે ગામડાઓ સુધી હરિયાળી વિસ્તારવાની નેમ છે. તેમણે ગ્રામ પંચાયતોને અપીલ કરી હતી કે વૃક્ષોના કટિંગમાંથી થતી આવકનો ઉપયોગ અન્ય વિકાસકામોને બદલે ફરજિયાતપણે નવા વૃક્ષોના ઉછેર અને રક્ષણ માટે જ કરવો જોઈએ. આ કાર્યક્રમ દરમિયાન વન વિભાગની વિવિધ યોજનાઓ અને કામગીરી અંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી આર.કે. સુગુર દ્વારા વિસ્તૃત વિગતો પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના ભાગરૂપે મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોના હસ્તે તાલુકા વિકાસ અધિકારીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સરપંચોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમના અંતે મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ વિદ્યાલયના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું અને લોકજાગૃતિ અર્થે ‘વૃક્ષ રથ’ને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ગરિમામય કાર્યક્રમમાં ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, કડીના ધારાસભ્ય શ્રી રાજેન્દ્ર ચાવડા, ઊંઝા એપીએમસી ચેરમેન શ્રી દિનેશભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી તેમજ મહેસાણાના નાયબ વન સંરક્ષક શ્રી બિંદુબેન પટેલ અને મદદનીશ વન સંરક્ષક શ્રી વિપુલભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં વન વિભાગના કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *