નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય મંત્રીશ્રી પી.સી. બરંડા અને રાજ્ય મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વડનગર ખાતે ડમરુ યાત્રા સંપન્ન

ગુજરાતના ઐતિહાસિક નગર વડનગર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’ અંતર્ગત દરરોજ ભવ્ય ડમરુ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજની ડમરું યાત્રામાં રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિશેષ ઉપસ્થિતિ આપી યાત્રાને પ્રોત્સાહિત કરી હતી. તેમની સાથે આદિજાતિ વિકાસ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પી.સી. બરંડા તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા પણ આ શ્રદ્ધામય આયોજનમાં સહભાગી થયા હતા.
આ ડમરુ યાત્રાનું મુખ્ય આકર્ષણ ૧૦૮ કલાકારો દ્વારા કરવામાં આવેલો ભવ્ય સમૂહ નાદ હતો, જેનાથી સમગ્ર વડનગર શિવમય બન્યું હતું. આ યાત્રામાં વિસનગરા નાગર ચેરિટેબલ ટ્રસ્ટ, ગાંધીનગરના નાગર બ્રાહ્મણો પણ ઉત્સાહભેર જોડાયા હતા. શ્રદ્ધાળુઓ અને કલાકારોના સંગમ સાથે નીકળેલી આ યાત્રામાં ભગવાન હાટકેશ્વર મહાદેવનો રથ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પરંપરાગત વેશભૂષા અને વાદ્યો સાથે નીકળેલી આ યાત્રાએ પ્રાચીન સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.

આજે વહેલી સવારે પ્રારંભ થયેલી આ ડમરુ યાત્રા નિર્ધારિત રૂટ મુજબ વડનગરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. યાત્રાનો પ્રારંભ પીઠોરીથી કરવામાં આવ્યો હતો, જ્યાંથી ક્રમશઃ ચત્રેશ્વરી માતા, ભોજક શેરી, કાળા વસુદેવ ચાચરે અને મહીવાડો જેવા વિસ્તારોમાં ભ્રમણ કરી યાત્રા આગળ વધી હતી. ત્યારબાદ કાળકા માતાનો માઢ અને ચકલા થઈને અમતોલ દરવાજા માર્ગે પસાર થઈ આ ભવ્ય યાત્રા શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. સમગ્ર રૂટ દરમિયાન સ્થાનિક રહિશોએ પણ ભક્તિભાવપૂર્વક યાત્રાનું સ્વાગત કર્યું હતું.
યાત્રાના અંતમાં મંત્રીશ્રીઓએ હાટકેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી અને શ્રદ્ધાળુઓને પ્રસાદ તથા શિવ કીટનું વિતરણ કર્યું હતું.

ડમરું યાત્રા બાદ મંત્રીશ્રીઓએ હાટકેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં મૃત્યુંજય સ્પર્ધા અંતર્ગત ઋષિ કુમારો દ્વારા કરવામાં આવતા મંત્રોચ્ચાર દરમિયાન હાજરી આપી હતી.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રદિપસિંહ રાઠોડ અને સ્થાનિક અગ્રણીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.