પંચાયતી રાજને વધુ સશક્ત બનાવવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એકદિવસીય ‘પંચાયત સંસ્કરણ કાર્યશાળા’નો પ્રારંભ: વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ

ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા સચિવાલય ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે નવનિયુક્ત પંચાયત પદાધિકારીઓ માટેની એકદિવસીય ‘પંચાયત સંસ્કરણ કાર્યશાળા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ કાર્યશાળામાં ત્રિસ્તરીય પંચાયતી રાજના ૭૦ મહિલા પ્રતિનિધિઓ સહિત કુલ ૧૮૮ પદાધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ગુજરાત વિધાનસભા સચિવાલયના ગ.વા. માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો દ્વારા આયોજિત આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ્ય ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સુદૃઢ અને સક્ષમ બનાવવાની સાથે સરકારી યોજનાઓ તથા વિકાસલક્ષી કાર્યોનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી અસરકારક રીતે પહોંચાડવા માટે પંચાયત પદાધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ પ્રસંગે મહાનુભાવોએ પદાધિકારીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપી લોકહિત અને ગ્રામ વિકાસ માટે વધુ સક્રિયતાથી કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ ગામડાંથી લઈને રાજ્યકક્ષા સુધીના તમામ ક્ષેત્રોમાં વિકાસકામો માટે નાણાં કે બજેટની કોઈ કમી નથી. તેમણે પંચાયતના પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે જો તેમની પાસે યોગ્ય આયોજન, નિયમોની સાચી સમજ અને કાર્ય કરવાની દ્રઢ ઈચ્છાશક્તિ હોય, તો સરકાર તેમને જરૂરિયાત મુજબનું તમામ ભંડોળ પૂરું પાડવા સંપૂર્ણપણે કટિબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીએ વર્ષ ૧૯૯૫થી પોતાના લાંબા જાહેર જીવનના અનુભવો શેર કરતાં જણાવ્યું કે, જનપ્રતિનિધિઓ પાસે નાગરિકો પ્રશ્નો લઈને આવે ત્યારે તેમને પૂરતો સમય આપીને સાંભળવા અત્યંત જરૂરી છે. અરજદારને સીધા અધિકારી પાસે મોકલી દેવા કે વાત ટાળવાને બદલે જાતે સાચી હકીકત સમજી, નિયમો જાણી અધિકારી સાથે ચર્ચા કરશો તો દરેક જટિલ પ્રશ્નનો સરળ રસ્તો નીકળશે.

મુખ્યમંત્રીશ્રીએ તાકીદ કરી હતી કે, ગામડાઓમાં નિર્માણ પામતા રસ્તા, શાળાઓ અને પંચાયત ભવન જેવાં વિકાસકામો દીર્ઘકાલીન અને ઉચ્ચ ગુણવત્તાવાળાં હોવાં જોઈએ. નવીન વિકાસકામો લાંબા સમય સુધી ટકાઉ રહે અને ગુણવત્તાયુક્ત બને, તો જનપ્રતિનિધિ અને સરકાર બંને પ્રત્યે પ્રજાનો વિશ્વાસ બમણો થાય છે. આથી, કામની ગુણવત્તા સાથે કોઈપણ જાતનું બાંધછોડ કર્યા વિના માત્ર ટકાઉ અને શ્રેષ્ઠ કામો જ થાય તે સુનિશ્ચિત કરવા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

‘નલ સે જલ’ અને આવાસ યોજના જેવી કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પંચાયતમાં પદાધિકારી કે પક્ષ બદલાય છતાં, જનહિતનાં તમામ કામો નિરંતર ગતિથી પૂર્ણ કરવા એ વર્તમાન પદાધિકારીઓનું કર્તવ્ય છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે જો કોઈ પ્રોજેક્ટ કે કોન્ટ્રાક્ટમાં ગેરરીતિ કે ભૂલ થઈ હોય તો તેની કાયદેસરની તપાસ ભલે સમાંતર ચાલતી રહે, પરંતુ તેના કારણે સામાન્ય નાગરિકોને મળતી પાણી કે મકાન જેવી પ્રાથમિક સુવિધાઓ કોઈપણ સંજોગોમાં અટકવી ન જોઈએ.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગરીબલક્ષી નીતિઓના પરિણામે જ દેશમાં ૨૫ કરોડથી વધુ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. સામાન્ય નાગરિકને અનાજ, શિક્ષણ, આરોગ્ય અને આવાસ જેવી મૂળભૂત સુવિધાઓ સરળતાથી મળે તે માટે કેન્દ્ર-રાજ્ય સરકાર કટિબદ્ધ છે. મકાન માટે જમીન ખરીદવામાં સહાયની જરૂર હોય તો પણ સરકાર મદદ કરવા તત્પર છે, ત્યારે પદાધિકારીઓ માત્ર સક્રિય બનીને આ સરકારી યોજનાઓનો લાભ સાચા જરૂરિયાતમંદો સુધી પહોંચાડે તે અત્યંત જરૂરી છે.

તાલીમ સત્રને સંબોધતા વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાને વધુ સુદ્રઢ બનાવવા પર ભાર મૂક્યો હતો. પંચાયતી રાજના જનપ્રતિનિધિઓએ સતત શીખવાની અને નિયમોની મર્યાદામાં રહીને લોકકલ્યાણના કાર્યો કરવાની વૃત્તિ રાખવી જોઈએ. ચૂંટણી જીત્યા કે ચૂંટાયા પછી શીખવાની પ્રક્રિયા બંધ નથી થતી, પરંતુ પ્રજા પ્રત્યેની જવાબદારીઓ વધુ વધે છે. લોકોમાં જાગૃતિ વધી છે, હક અને ફરજ બંનેને સમજી પંચાયત માળખું વધુ મજબૂત કરી શકાશે, તેમ અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.

અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વધુમાં ઉમેર્યું હતું કે, દેશની સૌથી મોટી પંચાયત -સંસદ અને રાજ્યની વિધાનસભાની જેમ હવે જિલ્લા અને તાલુકા પંચાયત સ્તરે પણ સકારાત્મક સંવાદની સંસ્કૃતિ વિકસાવવી જરૂરી છે. નાગરિકો, કર્મચારીઓ અને વહીવટી અધિકારીઓ વચ્ચેનો યોગ્ય સંવાદ જ વિકાસના કામોને ગતિ આપે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, લોકશાહીમાં માત્ર અધિકારોની વાત કરવાના બદલે નાગરિકો અને જનપ્રતિનિધિઓ બંનેએ પોતાના કર્તવ્યો અને ફરજો પ્રત્યે પણ એટલું જ જાગૃત રહેવું જોઈએ.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રો-એક્ટિવ કામગીરી અને પ્રજાવાત્સલ્ય અભિગમની સરાહના કરતાં અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, શાસનમાં “પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવી શકાય” તેવો સકારાત્મક દૃષ્ટિકોણ હોવો જરૂરી છે. આ બાબત આપણી સૌએ મુખ્યમંત્રીશ્રી પાસેથી શીખવી જોઈએ. તેમણે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, સરકારી નિયમો અને પરિપત્રો નાગરિકોની સુવિધા તેમજ વહીવટમાં પારદર્શિતા લાવવા માટે હોય છે, વિકાસના કામો અટકાવવા માટે નહીં. તેથી જો કોઈ વહીવટી અડચણ ઊભી થાય, તો તેને યોગ્ય માધ્યમથી રજૂ કરીને તેનો ઉકેલ લાવવો જોઈએ.

આ પ્રસંગે ગ્રામ વિકાસ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વડાપ્રધાનશ્રીના ‘સમૃદ્ધ ગામ’ના નિર્માણ થકી ‘વિકસિત રાષ્ટ્ર’ના સંકલ્પને સાકાર કરવા સૌને સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. ગ્રામીણ વિકાસને વેગ આપવા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વધુ સશક્ત બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગ્રામ પંચાયતો પાસે વિકાસકાર્યો માટે નાણાકીય સાધનો મર્યાદિત હતા, જ્યારે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકાસલક્ષી યોજનાઓના નાણાં સીધા જ લાભાર્થીઓ અને પંચાયતોના ખાતામાં જમા થઈ રહ્યા છે.

ગ્રામ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત રાજ્યમાં ૪૫ લાખથી વધુ વ્યક્તિગત શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગોબરધન યોજના થકી ૧૪ હજારથી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરીને સ્વચ્છ ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના અને વીબી-જીરામજી યોજના સહિતની વિવિધ યોજનાઓ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ અને રોજગારની તકોને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મહિલા સશક્તીકરણને સરકારની વિકાસયાત્રાનું મહત્વપૂર્ણ અંગ ગણાવતાં મંત્રીશ્રીએ મિશન મંગલમ અને ‘લખપતિ દીદી’ જેવી પહેલોની સફળતા અંગે માહિતી આપી હતી. સ્વસહાય જૂથો (SHG) સાથે જોડાયેલી બહેનોને ૦ ટકા વ્યાજે લોન સહાય, તેમના ઉત્પાદનોના વેચાણ માટે ગ્રામ હાટની સુવિધા તેમજ સરકારી કચેરીઓ અને બસ સ્ટેન્ડ ખાતે કેન્ટીન સંચાલનની તકો ઉપલબ્ધ કરાવી મહિલાઓને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવામાં આવી રહી છે. કૃષિ ક્ષેત્રે પણ મહિલાઓને આધુનિક ટેકનોલોજી સાથે જોડવા ‘ડ્રોન દીદી’ જેવી પહેલ તથા વિવિધ કૌશલ્યલક્ષી તાલીમ આપવામાં આવી રહી છે. આ પ્રયાસો દ્વારા ગ્રામીણ મહિલાઓને નવી તકો સાથે જોડીને આત્મનિર્ભરતા તરફ આગળ ધપાવવામાં આવી રહી છે.

વિધાનસભાના સચિવ શ્રી ચેતન પંડ્યાએ સ્વાગત પ્રવચન કરીને કાર્યશાળાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં કહ્યું કે, ‘ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય બ્યુરો’ દ્વારા આયોજિત આ ‘પંચાયત સંસ્કરણ કાર્યશાળા’નો મુખ્ય ઉદ્દેશ્ય પંચાયતી રાજ વ્યવસ્થાને વધુ સક્ષમ, પારદર્શી અને પરિણામલક્ષી બનાવવાનો છે. સંસદીય લોકશાહીના પાયાના સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યો છેવાડાના માનવી સુધી પહોંચે તે આ આયોજનનું અંતિમ ધ્યેય છે.

કાર્યશાળા દરમિયાન વિકેન્દ્રિત કેન્દ્રિય આયોજન, ૧૬મા નાણાપંચ અને ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ જેવા મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્ય અને નેતૃત્વ વચ્ચે ઉત્કૃષ્ટ સમન્વય સાધીને ગ્રામીણ ક્ષેત્રે શાસન અને કાર્યક્ષમતાના નવા માપદંડો સ્થાપિત કરવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

કાર્યશાળા દરમિયાન યોજાયેલા વિવિધ તકનીકી સત્રોમાં વિષય નિષ્ણાતો દ્વારા પંચાયતી રાજ, કાયદાકીય જોગવાઈઓ, જિલ્લા આયોજન, નાણાકીય વ્યવસ્થા તથા ગ્રામ વિકાસની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે.

ગુજરાત પંચાયત પરિષદના આચાર્ય શ્રી એ. એચ. ઘાસુરા ‘પંચાયતી રાજનો વિકાસ અને પૂર્વભૂમિકા’ વિષય પર માર્ગદર્શન આપશે. નિવૃત્ત ટી.ડી.ઓ. શ્રી પી. બી. પટેલ ‘ગુજરાત પંચાયત અધિનિયમની અગત્યની કાયદાકીય જોગવાઈઓ’ અંગે માહિતી આપશે. નિવૃત્ત સંયુક્ત સચિવ શ્રી જશવંત ગાંધી દ્વારા ‘વિકેન્દ્રી જિલ્લા આયોજન અને ૧૬મા નાણાં પંચ’ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત, નિવૃત્ત અધિક કલેક્ટર શ્રી પ્રકાશ મોદી રાજ્ય તથા કેન્દ્ર સરકારની પંચાયતી રાજલક્ષી યોજનાઓ અંગે તેમજ નિવૃત્ત મદદનીશ વિકાસ કમિશનર શ્રી જે. એ. ગોહિલ ગ્રામ વિકાસની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડશે.

આ એકદિવસીય કાર્યશાળામાં ગુજરાત પંચાયત પરિષદના પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, ગુજરાત વિધાનસભાના સચિવ શ્રી ચેતન પંડ્યા, પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદી સહિત રાજ્યની તમામ જિલ્લા અને તાલુકા પંચાયતોના નવનિયુક્ત પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ અને કારોબારી સમિતિના ચેરમેનશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *