સુરતમાં હોટફિક્સ કચરાનો ઉકેલ શોધવા મંત્રી પ્રફુલ પાનશેરીયાની સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક

સુરતના પુણા-સીમાડા, સરથાણા, વરાછા, લિંબાયત અને કતારગામ વિસ્તારોમાં પ્લાસ્ટિક તેમજ હોટફિક્સ કચરાના નિકાલ અંગે ઉદ્ભવેલી સમસ્યાના નિવારણ માટે રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા સક્રિય બન્યા છે. મંત્રીશ્રી સાથેની ગહન વિચારવિમર્શ બાદ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા એક વ્યવહારુ ઉકેલ શોધવામાં આવી રહ્યો છે, જેથી શહેરની સ્વચ્છતા પણ જળવાઈ રહે અને સ્થાનિક નાના વેપારીઓ કે કારીગરોની આજીવિકા પર કોઈ વિપરીત અસર ન પડે.

હોટફિક્સ કચરો મુખ્યત્વે ઔદ્યોગિક કચરા (ઇન્ડસ્ટ્રિયલ વેસ્ટ)ની શ્રેણીમાં આવે છે. આ સિંગલ-યુઝ પ્લાસ્ટિક હોવા ઉપરાંત તેની એક તરફ ગુંદર (ગમ)નું પડ હોય છે, જેના કારણે તેનું રી-પ્રોસેસિંગ અને રિસાયક્લિંગ કરવું અત્યંત મુશ્કેલ બની જાય છે. આ જ કારણોસર તેના વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ નિકાલ માટે ચોક્કસ અને વ્યવસ્થિત પ્રક્રિયા હાથ ધરવી અનિવાર્ય બની છે.

આ અંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના મેયર શ્રીમતી માયાબેન માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ, સુરત કલેક્ટર શ્રી તેજસ પરમાર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી નિધિ સિવાન તથા ઝોનલ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

આ ચર્ચામાં હોટફિક્સ સહિતના પ્લાસ્ટિક કચરાના યોગ્ય વ્યવસ્થાપન, નિકાલ અને વ્યવહારુ ઉકેલ લાવવા અંગે ગહન વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, અમારું ધ્યેય આ સમગ્ર પ્રશ્નનું નિરાકરણ માત્ર વહીવટી કે રાજકીય દૃષ્ટિકોણથી લાવવાનું નથી, પરંતુ સંવેદનશીલ અને ઉકેલલક્ષી અભિગમ અપનાવીને યોગ્ય રસ્તો કાઢવાનું છે.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્વચ્છતા એ સુરત શહેરની આગવી ઓળખ છે અને પ્લાસ્ટિક કચરાનું સુચારુ વ્યવસ્થાપન અત્યંત જરૂરી છે. હોટફિક્સ કચરો ઔદ્યોગિક શ્રેણીમાં આવતો હોવાથી તેનો નિકાલ કરવાની પ્રાથમિક જવાબદારી સંબંધિત ઉદ્યોગોની છે. પરંતુ, હોટફિક્સના કેટલાક યુનિટ્સ રહેણાંક વિસ્તારોમાં ચાલતા હોવાથી સ્થાનિક સ્તરે સમસ્યાઓ સર્જાય છે. હાલ મહાનગરપાલિકા દ્વારા આ કચરાના યોગ્ય નિકાલ માટે કવાયત શરૂ કરી દેવાઈ છે.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ‘અંત્યોદય’ અને ‘સર્વસમાવેશી’ વિકાસના મંત્ર પર કાર્ય કરી રહી છે. તેથી કોઈપણ નિર્ણય લેતી વખતે નાનામાં નાના માણસની આજીવિકા પર વિપરીત અસર ન પડે તે જોવાની અમારી નૈતિક જવાબદારી છે. સરકાર માટે સ્વચ્છતા અને રોજગારી બંને એકસમાન મહત્વ ધરાવે છે, આથી બંને વચ્ચે યોગ્ય સંતુલન જાળવીને વ્યવહારુ ઉકેલ લાવવાનો અમારો પ્રયાસ છે તેમ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં ઉમેર્યું હતું.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *