ભાદરવી પૂનમના મહામેળા-૨૦૨૬ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે એક્સ્ટ્રા બસ સંચાલનનો પ્રારંભ તથા નવીન બસોનું લોકાર્પણ કરાયું

ભાદરવી પૂનમનો મહામેળો-૨૦૨૬

અંબાજી ભાદરવી પૂનમના મહામેળા-૨૦૨૬ માટે GSRTC દ્વારા આ વર્ષે ૧૦૦૦ જેટલી બસો થકી વધારાની ૩૦,૦૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરાયું છે, જેનો લાભ અંદાજે ૧૫ લાખ યાત્રાળુઓ મેળવશે.


લોકાર્પણ પ્રસંગે વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણ માળી તથા શહેરી વિકાસ રાજયમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાની પ્રોત્સાહક ઉપસ્થિતિ
અંબાજી ખાતે ૧૦ બૂથ, હંગામી શેડ, પીવાનું પાણી, માઇક એનાઉન્સમેન્ટ અને GPS મોનિટરિંગ કંટ્રોલ રૂમ જેવી શ્રેષ્ઠ મુસાફર સુવિધાઓ ઉપલબ્ધ


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા-૨૦૨૬ નિમિત્તે પદયાત્રીઓ અને દર્શનાર્થીઓની સુવિધા અર્થે ખાસ ‘એક્સ્ટ્રા બસ સંચાલન’નો શુભારંભ તથા નવીન બસોનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યુ હતું . આ લોકાર્પણ પ્રસંગે વાહનવ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણ માળી તથા શહેરી વિકાસ રાજયમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલાની ઉપસ્થિતિ પ્રોત્સાહક બની રહી હતી.

26 સપ્ટેમ્બર સુધી પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદ વિભાગ દ્વારા અંબાજી મેળાનું વિશેષ સંચાલન કરવામાં આવનાર છે. આ વર્ષે ૧૦૦૦ જેટલી બસો થકી વધારાની ૩૦,૦૦૦ જેટલી ટ્રીપો સંચાલિત કરવાનું આયોજન કરાયું છે, જેનો લાભ અંદાજે ૧૫ લાખ જેટલા યાત્રાળુઓ મેળવશે. યાત્રિકોની સુવિધા માટે અંબાજી ખાતે કુલ ૧૦ બૂથ બનાવવામાં આવ્યા છે, જ્યાં સુપરવાઇઝર અને બૂથ ઇન્ચાર્જ ફરજ બજાવનાર છે.

યાત્રાળુઓની સુવિધા માટે અંબાજીથી ગબ્બર, આબુરોડ, દાંતા, ડીસા, પાલનપુર, સિદ્ધપુર; અંબાજીથી મહેસાણા, વિસનગર, બેચરાજી, વડનગર, ખેરાલુ; તેમજ અંબાજીથી હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, અમદાવાદ, શામળાજી અને ભિલોડા જેવા મુખ્ય રૂટો પર સતત બસ સેવા કાર્યરત રહેનાર છે.મુસાફરો માટે વિશેષ સુવિધાઓ વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઉપલબ્ધ કરાઇ છે, જેમાં એસ.ટી. બસોની સુવિધા સાથે હંગામી પેસેન્જર શેડ, પીવાના પાણીની વ્યવસ્થા અને જાહેર શૌચાયલની સુવિધા, માઇક એનાઉન્સમેન્ટ, બૂથ ઇન્ચાર્જના સંપર્ક નંબર અને યાત્રાળુઓના માર્ગદર્શન માટે હોર્ડિંગ્સ/બેનર્સ સહિત યાત્રાળુઓને કોઇપણ મુશ્કેલી ન પડે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.

વધુમાં ક્રેન, મિકેનિક ગેંગ, એમ્બ્યુલન્સ અને ડેપો ખાતે ફાયર ફાઇટરની તૈનાતી રખાઇ છે. તેમજ તમામ બસોના રીયલ-ટાઇમ મોનિટરિંગ માટે GPS ટેકનોલોજી આધારિત સેન્ટ્રલ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૫માં ૯૦૦ જેટલી બસો થકી ૨૮,૫૦૬ ટ્રીપો દ્વારા ૧૩.૦૯ લાખ મુસાફરોને સેવા પૂરી પાડવામાં આવી હતી.અંબાજી ભાદરવી પૂનમના મેળામાં આવતા લાખો ભક્તોને સુરક્ષિત અને આરામદાયક મુસાફરી પૂરી પાડવા માટે એસ.ટી. નિગમ સંપૂર્ણપણે સજ્જ થયું છે. આ પ્રસંગે વાહન વાહનવ્યવહાર વિભાગના અગ્ર સચિવ શ્રી હારિત શુક્લા, અમદાવાદના મેયર શ્રી હિતેશ બારોટ તેમજ ધારાસભ્ય સર્વેશ્રી અમિત ઠાકર, હસમુખ પટેલ, અમૂલ ભટ્ટ, કૌશિક જૈન અને દિનેશ કુશવાહ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *