પ્રત્યેક ગામ, પ્રત્યેક ખેડૂત સુધી પહોંચવા નવી ઊર્જા સાથે સજ્જ ભાજપા કિસાન મોરચો
‘ધરતીનો સાદ – કિસાન સંવાદ’ હેઠળ પ્રદેશ અધ્યક્ષ શ્રી હિરેન હિરપરાનો રાજ્યવ્યાપી સંગઠનાત્મક પ્રવાસ, જિલ્લા-મહાનગરો અને ગામડાઓમાં ખેડૂત અને સંગઠન સાથે સીધો સંવાદ

કેન્દ્ર અને રાજ્ય સરકારના કૃષિ તથા ખેડૂતલક્ષી નિર્ણયો અંગે પ્રદેશ બેઠકમાં અભિનંદન પાઠવામાં આવ્યા
ખેડૂત સંપર્ક, પ્રાકૃતિક કૃષિ, યુવા કૃષિ-ઉદ્યોગસાહસિકતા અને લાભાર્થી સંવાદના કાર્યક્રમો રાજ્યભરમાં હાથ ધરાશે
પ્રદેશથી ગામ સુધી સંગઠન સતત ખેડૂતના સંપર્કમાં રહે અને વિવિધ સેલોની કામગીરી સુસંકલિત રીતે આગળ વધે તે દિશામાં કિસાન મોરચાની કામગીરીને વધુ સઘન બનાવવામાં આવશે.
~ શ્રી ભરતભાઈ પંડ્યા
સંગઠન, સંપર્ક અને સંવાદ સાથે ખેડૂતો, યુવાનો અને કૃષિ ક્ષેત્રના વિવિધ વર્ગોને જોડવા માટે કિસાન મોરચો રાજ્યભરમાં સતત રચનાત્મક રીતે કાર્ય કરશે.~ શ્રી હિરેન હિરપરા

ગાંધીનગર: ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાની અખબારી યાદી જણાવે છે કે, તારીખ ૨૨ સપ્ટેમ્બર, મંગળવારે ગાંધીનગર સ્થિત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા, ગુજરાતની પ્રદેશ બેઠક રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં, ભાજપા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તથા કિસાન મોરચાના પ્રદેશ પ્રભારી શ્રી ભરતભાઈ પંડ્યાના માર્ગદર્શન હેઠળ અને કિસાન મોરચાના પ્રદેશ અધ્યક્ષ શ્રી હિરેન હિરપરાના નેતૃત્વમાં યોજાઈ હતી. બેઠકમાં કિસાન મોરચાના પ્રદેશ સંગઠનના હોદ્દેદારો, જિલ્લા અધ્યક્ષશ્રીઓ, જિલ્લા મહામંત્રીશ્રીઓ તથા વિવિધ સેલના કન્વીનરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા સાથે આગામી સમયમાં રાજ્યભરમાં હાથ ધરાનારા સંગઠનાત્મક અને રચનાત્મક કાર્યક્રમોની કાર્યયોજના અંગે ચર્ચા અને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્ર સરકાર તથા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામ્ય ક્ષેત્રના હિતમાં લેવામાં આવેલા વિવિધ નિર્ણયોનું સ્વાગત કરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય નાયબ મુખ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર અને રાજ્ય સરકારને પ્રદેશ કિસાન મોરચા વતી અભિનંદન પાઠવવામાં આવ્યા.
બેઠકમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના સહકાર ક્ષેત્રને વધુ સશક્ત બનાવવાના પ્રયાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથે જ ભાજપા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના સંગઠનાત્મક માર્ગદર્શન હેઠળ કિસાન મોરચાની પ્રવૃત્તિઓને ખેડૂત અને ગ્રામ્ય ક્ષેત્ર સુધી વધુ વ્યાપક રીતે લઈ જવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સરકારની કૃષિ અને ખેડૂત કલ્યાણની યોજનાઓની માહિતી તથા તેનો લાભ ખેડૂતો સુધી અસરકારક રીતે પહોંચે તે માટે સંગઠનાત્મક સંપર્ક મહત્વપૂર્ણ છે. કિસાન મોરચાના કાર્યકર્તાઓ ખેડૂતો સાથે સતત સંવાદ જાળવી તેમની સમસ્યાઓ, સૂચનો અને અનુભવોને યોગ્ય સ્તર સુધી પહોંચાડે તે જરૂરી છે.
શ્રી ભરતભાઈ પંડ્યાએ જણાવ્યું કે, પ્રદેશથી જિલ્લા, મંડળ અને ગામ સુધી સંગઠનની સક્રિયતા તથા સંગઠન અને વિવિધ સેલ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બનાવવામાં આવશે. કાર્યક્રમોની સાથે સતત સંપર્ક, અનુસરણ અને સંગઠનાત્મક સંકલન પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
શ્રી હિરેન હિરપરાએ જણાવ્યું કે, કિસાન મોરચાની આગામી કામગીરીમાં ખેડૂત સાથે સીધો સંપર્ક, નવી પેઢીને કૃષિ સાથે જોડવી, પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ તથા સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ અંગે અસરકારક સંવાદને પ્રાથમિકતા આપવામાં આવશે.
બેઠકમાં ‘ધરતીનો સાદ – કિસાન સંવાદ’ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી હિરેન હિરપરાના રાજ્યવ્યાપી સંગઠનાત્મક પ્રવાસની કાર્યયોજના રજૂ કરવામાં આવી હતી. આ પ્રવાસ દરમિયાન વિવિધ જિલ્લાઓ, મહાનગરો અને ગામડાઓમાં સંગઠનાત્મક બેઠકો, લાભાર્થી ખેડૂતોની મુલાકાત, સહકારી ક્ષેત્ર સાથે સંવાદ, પ્રગતિશીલ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંપર્ક તેમજ કૃષિ સાહસિકો અને કૃષિ ક્ષેત્રની સંસ્થાઓ સાથે સંવાદ યોજાશે. આ પ્રવાસ દ્વારા જિલ્લા, મંડળ અને ગામ સ્તરે સંગઠનને વધુ સક્રિય બનાવી ખેડૂતો સાથે સીધો અને સતત સંપર્ક સ્થાપિત કરવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
બેઠકમાં પ્રાકૃતિક ખેતી અને ગૌસેવા સેલ દ્વારા ‘મન કી બાત, પ્રાકૃતિક કૃષિ કે સાથ’ કાર્યક્રમ મારફતે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત જાગૃતિ અને સંવાદને રાજ્યવ્યાપી બનાવવાની કાર્યયોજના રજૂ કરવામાં આવી હતી. એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ સેલ દ્વારા ‘આત્મનિર્ભર યુવા કિસાન ફોર વિકસિત ભારત’ કાર્યક્રમ અંતર્ગત યુવાનોને કૃષિ, આધુનિક ટેકનોલોજી અને કૃષિ આધારિત ઉદ્યોગસાહસિકતાની તકો સાથે જોડવાનો ઉદ્દેશ રજૂ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ‘નમો કિસાન લાભાર્થી સંપર્ક અભિયાન’ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણકારી યોજનાઓના લાભાર્થી ખેડૂતો સાથે સીધો સંપર્ક સાધવામાં આવશે. ‘ચાલો ભેરું ગામડે’, ‘ખેડૂત પુત્રી સન્માન’, ‘કૃષિ હેકાથોન – Idea Exchange’, ‘કિસાન ડિજિટલ હેલ્પલાઇન’ અને ‘કિસાન ગ્લોબલ કનેક્ટ’ જેવા પસંદગીના નવીન અને રચનાત્મક કાર્યક્રમોનો પણ આગામી કામગીરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
અંતમાં શ્રી હિરેન હિરપરાએ જણાવ્યું કે, સંગઠનાત્મક મજબૂતી સાથે ખેડૂત સુધી સીધો સંપર્ક વધારવો કિસાન મોરચાની પ્રાથમિકતા રહેશે. ‘ધરતીનો સાદ – કિસાન સંવાદ’ના રાજ્યવ્યાપી પ્રવાસ દ્વારા ખેડૂતો સાથે જીવંત અને સતત સંવાદ સ્થાપિત કરી પ્રદેશથી મંડળ સુધીના કાર્યકર્તાઓને ખેડૂતહિતના પ્રશ્નો, યોજનાઓ અને નવી કૃષિ પહેલો સાથે વધુ સક્રિય રીતે જોડવામાં આવશે.