વિદેશથી MBBS કરેલા ઇન્ટર્ન ડોક્ટરોને સ્ટાઇપેન્ડ આપવા અંગે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, યુવાહિતને પ્રાધાન્ય આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સબળ માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી MBBS અભ્યાસક્રમ પાસ કરેલા ઇન્ટર્ન તબીબોના હિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે વિગતો આપતાં જણાવ્યું હતું કે, નેશનલ મેડિકલ કમિશન, ન્યુ દિલ્હીના નિયમો મુજબ વિદેશ ખાતેથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરેલ દેશના દરેક તબીબી વિદ્યાર્થીએ ભારતમાં ફરજિયાત એક વર્ષની ઇન્ટર્નશીપ કરવાની હોય છે.

રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજો ખાતે ઇન્ટર્નશીપ કરતા આવા MBBS ઇન્ટર્ન તબીબોને રાજ્યના અન્ય ઇન્ટર્ન તબીબો જેટલું જ, એટલે કે પ્રતિ માસ રૂ. ૨૧,૮૪૦/- નું સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવશે.

રાજ્ય સરકારના આ વિદ્યાર્થીહિતલક્ષી નિર્ણયથી નેશનલ મેડિકલ કમિશન, ન્યુ દિલ્હીના નિયમોનુસાર ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા રાજ્યની સરકારી અને GMERS મેડિકલ કોલેજો ખાતે તા. ૦૧/૦૬/૨૦૨૬ અને તા. ૦૧/૧૦/૨૦૨૬ થી ઇન્ટર્નશીપ પોસ્ટીંગ મેળવનારા આશરે ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રતિ માસ રૂ. ૨૧,૮૪૦/- નું સ્ટાઇપેન્ડ મળવા પાત્ર રહેશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ સંવેદનશીલ નિર્ણયથી વિદેશથી અભ્યાસ કરીને પરત ફરેલા રાજ્યના હોનહાર તબીબી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને આર્થિક ટેકો મળશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *