ગુજરાતમાં ૨૭મા “વિશ્વ દ્રષ્ટિ દિવસ -World Sight Day”ની ઉજવણી


વિશ્વ આરોગ્ય સંસ્થા -WHOના નિર્દેશાનુસાર દર વર્ષે ઓક્ટોબર મહિનાના બીજા ગુરુવારે વૈશ્વિક સ્તરે “વિશ્વ દ્રષ્ટિ દિવસ” -World Sight Dayની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આગામી ૮ ઓક્ટોબરના રોજ પ્રેરણા કક્ષ, ૧૨૦૦ બેડની હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ૨૭મા “વિશ્વ દ્રષ્ટિ દિવસ”ના રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વર્ષે વૈશ્વિક સ્તરે આ દિવસ “Love your Eyes” (તમારી આંખોની સંભાળ રાખો) થીમ અને “It’s not just sight, It’s entire future” (આ માત્ર દ્રષ્ટિ નથી, પરંતુ સમગ્ર ભવિષ્ય છે) ના અભિગમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંખોની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને ખાસ કરીને બાળકોમાં વધતા દ્રષ્ટિ સંબંધિત પ્રશ્નો પ્રત્યે સમાજને સજાગ કરવાનો છે.

આ અંગે વધુ માહિતી આપતાં શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી “મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત” ઝુંબેશ અંતર્ગત દર્દીઓને અત્યાધુનિક ‘હાઇડ્રોફોબિક નેત્રમણિ’ (IOL) સાથે ‘ફેકોઇમલ્સિફિકેશન’ પદ્ધતિથી વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે. ખાનગી હોસ્પિટલોમાં આ જ સર્જરીનો ખર્ચ ₹૬૦,૦૦૦ થી ₹૮૦,૦૦૦ સુધીનો થતો હોય છે, જે રાજ્યના નાગરિકોને સરકારી વ્યવસ્થા હેઠળ મફત મળી રહ્યો છે.

તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારના “રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન” હેઠળ મોતિયાના નક્કી કરવામાં આવેલા લક્ષ્યાંકો સામે ગુજરાતે ઉત્કૃષ્ટ કામગીરી કરીને સમગ્ર દેશમાં સતત પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. રાજ્ય સરકાર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેડિકલ કોલેજો, સુસજ્જ આઇ હોસ્પિટલો અને ચક્ષુદાન કેન્દ્રોના વ્યાપક નેટવર્ક દ્વારા પ્રજાજનોને ગુણવત્તાસભર નેત્ર સારવાર પૂરી પાડવા માટે કટિબદ્ધ છે.

આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં અંધત્વનો દર હાલના ૦.૨૫% થી ઘટાડીને વર્ષ ૨૦૩૦ સુધી ૦.૨૦% સુધી લાવવાના સ્પષ્ટ લક્ષ્યાંક સાથે રાજ્ય સરકાર કટિબદ્ધતાથી કામ કરી રહી છે. આ હેતુને સિદ્ધ કરવા માટે સરકાર દ્વારા ૪૦ કે તેથી વધુ વયના તમામ નાગરિકો માટે ખાસ ત્રિ-સ્તરીય “કોમ્યુનિટી આઈ સ્ક્રિનિંગ” (સમુદાય આધારિત નેત્ર તપાસ) કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ સઘન સ્ક્રિનિંગ ઝુંબેશ થકી ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વયસ્ક નાગરિકોની સમયસર આંખોની તપાસ કરી, દ્રષ્ટિ સંબંધિત સમસ્યાઓનું વહેલું નિદાન અને નિવારણ કરવામાં આવશે.આ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર રાજ્યભરમાં નાગરિકોની આંખોની સંભાળ અને સુરક્ષા માટે વિશેષ જાગૃતિ અભિયાન યોજવામાં આવશે.

આ રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમિયાન નેત્ર સંભાળ સંબંધિત તમામ ડેટા એન્ટ્રી અને ડિજિટલ ટ્રેકિંગ માટે TECHO+ પોર્ટલ પર વિશેષ NPCBVI (રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ) મોડ્યુલનું અનાવરણ કરવામાં આવશે.

વધતા જતા ડિજિટલ યુગને ધ્યાને રાખીને સ્ક્રીન ટાઈમ પર નિયંત્રણ, આંખોના થાકથી બચવા માટેના ‘૨૦-૨૦-૨૦ નિયમ’નું પાલન, બાળકો માટે આઉટડોર – મેદાન પરની પ્રવૃત્તિઓનું મહત્વ, વિટામિન-એ યુક્ત પૌષ્ટિક આહાર અને સમયસરની નિયમિત નેત્ર તપાસ વિશે નિષ્ણાતો દ્વારા વ્યાપક માર્ગદર્શન આપવામાં આવશે.

આ ઉપરાંત, ‘શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK 2.0) હેઠળ ૦ થી ૧૮ વર્ષના તમામ બાળકોની દ્રષ્ટિ તપાસ, જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે ચશ્મા વિતરણ તેમજ અન્ય જરૂરી નેત્ર સારવારના સમગ્ર ડેટાને પણ આ પોર્ટલ સાથે ઇન્ટરલિંક (આંતરિક રીતે સંકલિત) કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થાથી રાજ્યના દરેક બાળકની નેત્ર સારવારનું સચોટ અને ડિજિટલ મોનિટરિંગ શક્ય બનશે.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *