
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષના સુશાસન અને સમર્પિત જનસેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે ‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અભિયાનના ભાગરૂપે નવસારીના આંગણે નાણપ અને શહેરી વિકાસમંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ અને ‘સેવા જ્યોતિ યાત્રા’ યોજાઈ હતી.
નાણાં અને શહેરી વિકાસ મંત્રી અને નવસારી જિલ્લા પ્રભારી શ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં લુન્સીકુઈ મેદાન ખાતે યોજાયેલા આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.
નવી દિલ્હી ખાતેથી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું લૂંસીકુઈ ખાતે લાઈવ પ્રસારણ સૌએ રસપૂર્વક નિહાળ્યું હતું. વડાપ્રધાનશ્રીના પ્રેરણાદાયી સંબોધન બાદ સૌ ઉપસ્થિત નાગરિકો અને અધિકારીઓ દ્વારા વર્ષ ૨૦૪૭ સુધીમાં સક્ષમ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણ અર્થે “વિકસિત ભારત @ 2047” માટેનો સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો.

કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને અન્ય મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિકાસ જ્યોતિ મશાલ પ્રજ્વલિત કરવામાં આવી હતી. સ્વમાનભેર રાષ્ટ્રગાનના ગુંજારવ વચ્ચે લુન્સીકુઈ મેદાનથી જૂનાથાણા સુધીની ભવ્ય ‘સેવા જ્યોતિ યાત્રા’નું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ અવસરે પિરામિડ ડાન્સ, ગરબા તેમજ કાઠિયાવાડી મંડળીના મનમોહક સાંસ્કૃતિક કાર્યક્રમોથી કરવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત જનમેદનીએ ભારે ઉત્સાહથી માણ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ, મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી જયેશ ઉપાધ્યાય, ડેપ્યુટી કમિશનરશ્રી, મામલતદારશ્રી તેમજ વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહાનુભાવો જન્મેદની સાથે પગપાળા યાત્રામાં જોડાયા હતા. ગુજરાતની સતત આગળ વધતી વિકાસ યાત્રા, જન સમર્પણ અને સેવા ભાવનાનો સંદેશ આપતી આ યાત્રામાં સમગ્ર નવસારીના નાગરિકોએ અભૂતપૂર્વ ઉત્સાહ દર્શાવ્યો હતો.