
તંદુરસ્ત ગુજરાતના નિર્માણ માટે માત્ર સરકારી ગાઈડલાઈનનું પાલન જ નહીં, પરંતુ પોતાની નૈતિક જવાબદારી સમજીને સ્વચ્છતા, ગુણવત્તા અને પારદર્શકતાને પ્રાથમિકતા આપતા રેસ્ટોરન્ટ સંચાલકો અન્ય માટે પ્રેરણારૂપ બની શકે છે. આ જ ભાવનાને પ્રોત્સાહન આપવા રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ મોટા વરાછા સ્થિત ચુંદડી રેસ્ટોરન્ટ તેમજ મૌસમ રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી.
રેસ્ટોરન્ટના સંચાલકો દ્વારા ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની સરાહના કરતાં મંત્રીશ્રીએ સ્વચ્છતા અને પારદર્શકતાને વ્યવસાયનો અભિન્ન હિસ્સો બનાવવા અનુરોધ કર્યો હતો.

રેસ્ટોરન્ટમાં રસોડાની સ્વચ્છતા જાળવવા ઉપરાંત કિચનમાં CCTV કેમેરા ગોઠવવામાં આવ્યા છે અને તેની ડિસ્પ્લે એવી રીતે રાખવામાં આવી છે કે ગ્રાહકો પણ ભોજન બનાવવાની પ્રક્રિયા જોઈ શકે. આ વ્યવસ્થાથી રસોડામાં કેવી રીતે ભોજન તૈયાર થાય છે તે અંગે ગ્રાહકોને પારદર્શકતા મળે છે અને તેમનો વિશ્વાસ મજબૂત બને છે.
આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં કયા બ્રાન્ડની ચીઝ, પનીર અને બટરનો ઉપયોગ થતો હોવા અંગે બોર્ડ લગાવવામાં આવ્યાં છે. સાથે જ એનાલોગ પનીર કે ચીઝનો ઉપયોગ કરવામાં આવતો નથી તેવી સ્પષ્ટ માહિતી દર્શાવતા બોર્ડ પણ મૂકવામાં આવ્યાં છે. ગ્રાહકોને ઉપયોગમાં લેવાતી સામગ્રી અંગે સ્પષ્ટતા મળી રહે તે દિશામાં કરવામાં આવેલી આ પહેલની મંત્રીશ્રીએ પ્રશંસા કરી હતી.
રેસ્ટોરન્ટ માલિકને ચુંદડી ઓઢાડી સન્માનિત કરી અન્ય સંચાલકોને પ્રેરણા આપી…

ખાસ નોંધનીય બાબત એ છે કે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા આ મુલાકાત દરમિયાન કોઈને દબાણમાં લેવા કે તપાસના હેતુથી નહીં, પરંતુ સ્વચ્છતા અને પારદર્શકતા માટે સ્વયં પહેલ કરનારા રેસ્ટોરન્ટ સંચાલકોની કામગીરીને બિરદાવવા પહોંચ્યા હતા. મંત્રીશ્રીએ રેસ્ટોરન્ટના માલિકનું ચુંદડી ઓઢાડી સન્માન કર્યું હતું અને તેમની આ પહેલને અન્ય રેસ્ટોરન્ટ સંચાલકો માટે પ્રેરણારૂપ ગણાવી હતી.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક રેસ્ટોરન્ટમાં રસોડું સ્વચ્છ અને આરોગ્યપ્રદ હોવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી રસોડાની કામગીરી ગ્રાહકો જોઈ શકે તેવી પારદર્શક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, જેથી ગ્રાહકોને પીરસાતા ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે વિશ્વાસ રહે. દરેક રેસ્ટોરન્ટ સંચાલક પોતાની જવાબદારી સમજીને આવી વ્યવસ્થાઓ અપનાવે તે જરૂરી છે.
સુરતથી શરૂ થયેલી પહેલ ગુજરાતભરમાં પ્રેરણા બને તેવો અનુરોધ
સ્વચ્છ રસોડું અને પારદર્શક ભોજન વ્યવસ્થાની આ પહેલને સુરતથી આગળ વધારી ગુજરાતભરના રેસ્ટોરન્ટ્સ સુધી પહોંચાડવાની ભાવના વ્યક્ત કરતાં મંત્રીશ્રીએ અન્ય સંચાલકોને પણ કિચનમાં CCTV કેમેરા ગોઠવવા, ગ્રાહકોને રસોડાની સ્વચ્છતા દેખાય તેવી વ્યવસ્થા કરવા અને ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ કરવા અપીલ કરી હતી.

આ પહેલનો હેતુ માત્ર નિયમોનું પાલન કરાવવાનો નથી, પરંતુ રેસ્ટોરન્ટ સંચાલકોમાં નૈતિક જવાબદારીની ભાવના કેળવવાનો છે. એક રેસ્ટોરન્ટની સારી કામગીરી જોઈને અન્ય સંચાલકો પણ પ્રેરિત થાય અને સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા તથા પારદર્શકતાની સંસ્કૃતિ વિકસે, એ જ આ અભિગમનો મુખ્ય ઉદ્દેશ છે.
નવરાત્રિના પ્રથમ દિવસે સૌના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના
નવરાત્રિના પાવન પ્રથમ દિવસે માં જગદંબાને પ્રાર્થના કરતાં આરોગ્ય મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી કે દરેક વ્યક્તિ સ્વસ્થ રહે અને સુખી રહે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તેઓ પોતે તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ આવી પહેલને પ્રોત્સાહન આપવા માટે અહીં ઉપસ્થિત રહ્યા છે, જેથી રાજ્યના અન્ય રેસ્ટોરન્ટ સંચાલકો પણ સ્વચ્છતા, ગુણવત્તા અને પારદર્શકતાને અપનાવવા પ્રેરાય.
આ મુલાકાત દ્વારા આરોગ્ય મંત્રીશ્રીએ સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે જનઆરોગ્યની જાળવણી માત્ર સરકાર કે આરોગ્ય વિભાગની જવાબદારી નથી; તેમાં ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા દરેક વ્યક્તિની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે.
સ્વચ્છ રસોડું એ સ્વસ્થ ગુજરાત તરફનું મહત્વપૂર્ણ પગલું છે. ગ્રાહકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ભોજન મળે તે માટે રેસ્ટોરન્ટ સંચાલકો સ્વયં આગળ આવે અને આવી પહેલને જનઆંદોલનનું સ્વરૂપ આપે, તેવો અનુરોધ આ પ્રસંગે કરવામાં આવ્યો હતો.