ડીસા મામલતદાર કચેરી પરિસરમાં નવનિર્મિત ‘અટલ કર્મયોગી – જનસુવિધા સંકુલ’નું લોકાર્પણ કરતા મંત્રીશ્રી પ્રવિણભાઈ માળી

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મામલતદાર કચેરી પરિસરમાં નવનિર્મિત ‘અટલ કર્મયોગી – જનસુવિધા સંકુલ’નું લોકાર્પણ રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ અને વાહનવ્યવહાર રાજ્ય મંત્રીશ્રી પ્રવિણભાઈ માળીના હસ્તે કરાયું હતું.

આ પ્રસંગે રાજ્ય મંત્રીશ્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે, સરકારી સંપત્તિ એ નાગરિકોના ટેક્સના નાણાંમાંથી તૈયાર થયેલી આપણી પોતાની મિલકત છે. ‘આ સંકુલ આપણું છે’ એવો આત્મીય ભાવ કેળવીને તેની યોગ્ય જાળવણી કરવી એ આપણા સૌની સહિયારી નૈતિક જવાબદારી છે. ભૂતકાળમાં પાણી ભરાવવાની જટિલ સમસ્યાના કાયમી અને વૈજ્ઞાનિક નિરાકરણ અર્થે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝીણવટભર્યા આયોજન સાથે આ આધુનિક સુવિધા સંકુલ સાકાર કરવામાં આવ્યું છે.

નવનિર્મિત સંકુલની વિશિષ્ટતાઓ વર્ણવતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ કેમ્પસ માત્ર વહીવટી ભવન નથી પરંતુ પર્યાવરણ અને જળસંચયનું અનોખું મોડેલ છે. વરસાદી પાણીનો બગાડ અટકાવવા અને વોટર હાર્વેસ્ટિંગ સુદ્રઢ કરવા સમગ્ર પરિસરમાં વૈજ્ઞાનિક ઢબે મેપિંગ કરીને ૧૨થી વધુ ભૂગર્ભ રિચાર્જ કૂવાઓ બનાવવામાં આવ્યા છે. આ કૂવાઓની ઉપર નાગરિકો માટે સુવ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત પેવર બ્લોકની વચ્ચે હરિયાળી જળવાઈ રહે તેવી ડિઝાઇન, સરળ અવરજવર માટે પહોળા ફૂટપાથ, પર્યાપ્ત પાર્કિંગ વ્યવસ્થા, ઉત્તમ લાઈટિંગ, સ્વચ્છતા સુનિશ્ચિત કરવા કચરાપેટી તેમજ થૂંકદાની અને વિશેષ ગઝેબોની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. સંકુલના તમામ કામોની ગુણવત્તાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યા બાદ તેને લોકસેવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

ડીસા તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સર્વાંગી વિકાસની રૂપરેખા આપતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશનથી જૂના ડીસા રોડ, જૂના ડીસાથી ગઢ રોડ તેમજ સમો રોડ સહિતના માર્ગો ઉત્તમ ગુણવત્તા સાથે નિર્માણ પામ્યા છે. વધુમાં, નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ અને અત્યાધુનિક નવી હોસ્પિટલનું નિર્માણ કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ડીસા જે રીતે રાજ્યભરમાં જળક્રાંતિ ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે, તે જ રીતે સમગ્ર બનાસકાંઠા જિલ્લો રાષ્ટ્રીય સ્તરે વિકાસનું મોડેલ બને તેવો સર્વગ્રાહી રોડમેપ તૈયાર છે.

આ પ્રસંગે મંત્રીશ્રીએ ઉપસ્થિત સરપંચશ્રીઓ અને તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યોને આહવાન કર્યું હતું કે, દરેક ગ્રામ પંચાયત પોતાના ગામની આગવી વિશેષ ઓળખ ઊભી કરે. શિક્ષણ, રમત-ગમત સંકુલ, હરિયાળું ગામ કે જળસંચય જેવા કોઈ ચોક્કસ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉપલબ્ધ સરકારી ગ્રાન્ટનું પાંચ વર્ષીય આયોજનબદ્ધ અમલીકરણ કરવામાં આવે તો ગામડાંઓ પણ શહેર સમકક્ષ બનશે અને ‘વિકસિત ભારત’નો સંકલ્પ સાકાર થશે. મંત્રીશ્રીએ ઉપસ્થિત સૌ નાગરિકોને નવરાત્રિ તેમજ આગામી દીપાવલી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *