સુરત જિલ્લાના માંડવી ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ‘નેશનલ SC-ST હબ’ અંતર્ગત વિશેષ વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો:

MSME અને DICCIના ઉપક્રમે SC-ST ઉદ્યોગસાહસિકતા, સરકારી યોજનાઓ અને વેન્ડર ડેવલપમેન્ટ અંગે માર્ગદર્શન અપાયું
રાષ્ટ્રનિર્માણમાં એસ.સી. અને એસ.ટી. વર્ગના યુવાનોની સક્રિય ભાગીદારી અને ઉદ્યોગસાહસિક બનવા પ્રોત્સાહન અપાયું

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના નવતર વિચાર ધરાવતા ઉદ્યોગસાહસિકોને દેશના આર્થિક મુખ્યપ્રવાહ સાથે જોડવાના આશયથી માંડવી સ્થિત ‘ધી માંડવી એજ્યુકેશન સોસાયટી ઓડિટોરિયમ’ ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય MSME મંત્રાલય દ્વારા DICCI અને NSICના સહયોગથી ‘નેશનલ SC-ST હબ’ યોજના હેઠળ જાગૃતિ અને વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજાયો હતો.


આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, આજે દેશને આત્મનિર્ભર બનાવવા માટે યુવાનોમાં ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય વિકસાવવા અનિવાર્ય છે. સરકાર દ્વારા માંડવી આઇ.ટી.આઈ.ને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા રૂ.૨ કરોડથી વધુ રકમ ફાળવવામાં આવી છે, જેથી સ્થાનિક સ્તરે જ રોજગારીની ઉત્તમ તકો ઉભી થઈ શકે. દેશના સફળ ઉદ્યોગપતિઓમાંથી પ્રેરણા લઈને યુવાનો નાના સ્તરેથી પ્રારંભ કરી મોટા સપનાં જુએ અને પ્રાઈવેટ લિમિટેડ કે એલએલસી તરીકે ઉદ્યોગ વિકસાવી અન્ય પાંચ લોકોને પણ રોજગારી આપવા અનુરોધ કર્યો હતો.


વધુમાં સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ, પ્રોડક્શન, સર્વિસ અને ટ્રેડિંગ ક્ષેત્રે આગળ વધવા માંગતા યુવાનોને ‘વેન્ડર ડેવલપમેન્ટ’ અંતર્ગત યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. માંડવી આઈ.ટી.આઈ. સહિતના ગ્રામ્ય વિસ્તારોના યુવાનો કૃષિ આધારિત ડેરી ઉદ્યોગ, ફૂડ પ્રોસેસિંગ, સોલર અને ગ્રીન એનર્જી તેમજ ડિજિટલ ટેકનોલોજી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રગતિ કરી રહ્યા છે. મહિલા સ્વ-સહાય જૂથોના સફળ ઉદાહરણોથી પ્રેરણા લઈને સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ માળખાકીય સુવિધાઓનો વિસ્તાર કરી પ્રત્યેક પરિવારને આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ શ્રી વસાવાએ વ્યક્ત કર્યો હતો.


આ વેળાએ નિષ્ણાતોએ MSME ક્ષેત્રે ઉપલબ્ધ વિવિધ સરકારી સબસિડી, ધિરાણ યોજનાઓ, નેશનલ SC-ST હબના લાભો અને જાહેર ખરીદી નીતિ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિશેષરૂપે, સરકારી ક્ષેત્રો અને જાહેર ક્ષેત્રના સાહસોમાં વેન્ડર તરીકે કેવી રીતે નોંધણી કરાવવી અને ઉત્પાદનો, સેવાઓ પૂરી પાડવી તે અંગે સમજ અપાઈ હતી. DICCI ના પ્રતિનિધિઓએ અનુસૂચિત જાતિ-જનજાતિના યુવાનોને જોબ સિકરના બદલે ‘જોબ ગિવર’ બનવા આહ્વાન કર્યું હતું.
આ પ્રસંગે DICCI- ગુજરાતના ચેરમેન નિરજકુમાર, MSMEના આસિ.ડાયરેક્ટર નિમેશ શર્મા, NSICના અધિકારીઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ, બેંકિંગ પ્રતિનિધિઓ, પ્રદેશના ઉત્સાહી SC-ST ઉદ્યોગસાહસિકો, ONGC, NPCIL અને વિવિધ પીએસયુના પ્રતિનિધિઓ, વિવિધ ITIના પ્રિન્સિપાલો, આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓ સહિત લાભાર્થી વિદ્યાર્થીઓ, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *