સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ કડી સર્વ વિશ્વવિદ્યાલયના 210 NSS સ્વયંસેવકોની એકતા યાત્રા

રાષ્ટ્રીય એકતા દિવસની પૂર્વસંધ્યાએ ગાંધીનગરમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથે યોજાઈ પ્રેરણાદાયી યાત્રા

 

સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય ના NSS સેલ દ્વારા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ યાત્રાનું આયોજન થયું હતું. જેમાં સ્વયંસેવકોમાં રાષ્ટ્રીય એકતા અને સામાજિક જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તે માટે ઉપરોક્ત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ રાષ્ટ્રીય એકતા યાત્રા સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો અને આદર્શોને જનજન સુધી પહોંચાડવાની સાથે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રબળ બનાવવાનો પ્રેરણાદાયી ઉપક્રમ બની રહી હતી. ભારતના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે ઉજવાતા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની પૂર્વસંધ્યાએ કડી સર્વ વિશ્વવિદ્યાલયના NSS સેલ દ્વારા ભવ્ય ‘રાષ્ટ્રીય એકતા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં યુનિવર્સિટીની બીબીએ અને બીસીએ કોલેજના આશરે 210 NSS સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લઈ રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને દેશભક્તિનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડ્યો હતો.યાત્રા દરમિયાન સ્વયંસેવકોએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, વ્યક્તિત્વ, વિચારો અને રાષ્ટ્રનિર્માણમાં તેમના અમૂલ્ય યોગદાનને ઉજાગર કરતાં વિવિધ સૂત્રો લખેલાં બેનરો પ્રદર્શિત કર્યાં હતાં. સાથે જ દેશભક્તિથી ઓતપ્રોત નારાઓ અને સરદાર સાહેબના રાષ્ટ્રીય એકતા માટેના ઐતિહાસિક કાર્યોને યાદ કરતા જયઘોષ દ્વારા સમગ્ર વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું હતું. ગાંધીનગરના સેક્ટર-23 તથા આસપાસના વિસ્તારોમાં ફરી વળેલી આ યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને દેશ પ્રત્યેની જવાબદારી અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.સરદાર વલ્લભભાઈ પટેલ માત્ર સ્વાતંત્ર્ય સેનાની કે રાજકીય નેતા જ નહોતા, પરંતુ વિભાજનના પડકારો વચ્ચે દેશી રજવાડાંઓને એકત્રિત કરી અખંડ ભારતના નિર્માણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવનાર દૃઢ નિશ્ચયી રાષ્ટ્રપુરુષ હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે તેમણે 565 થી વધુ દેશી રજવાડાંઓના ભારતીય સંઘમાં વિલીનીકરણમાં નિર્ણાયક યોગદાન આપ્યું હતું. ખેડા સત્યાગ્રહ અને બારડોલી સત્યાગ્રહ જેવા આંદોલનો દ્વારા તેમણે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવાની સાથે સંગઠનશક્તિ, નેતૃત્વ અને સંઘર્ષનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. તેમના જીવનનો સૌથી મોટો સંદેશ એ હતો કે દેશની એકતા અને અખંડિતતા જ રાષ્ટ્રની સાચી શક્તિ છે.આ યાત્રા માત્ર એક ઉજવણી કે ઔપચારિક કાર્યક્રમ ન બની રહેતાં યુવા પેઢીને દેશના ઇતિહાસ, રાષ્ટ્રનાયકોના યોગદાન અને નાગરિક તરીકેની પોતાની ફરજો પ્રત્યે જાગૃત કરવાનો એક સકારાત્મક પ્રયાસ બની હતી. સરદાર સાહેબે પોતાના જીવનકાર્ય દ્વારા જે એકતા અને અખંડિતતાનો મજબૂત પાયો નાખ્યો હતો, તેને જાળવવાની જવાબદારી આજના યુવાનોની પણ છે, તેવો પ્રેરણાદાયી સંદેશ સ્વયંસેવકોએ પોતાની યાત્રા દ્વારા સમાજ સુધી પહોંચાડ્યો હતો.સમગ્ર યાત્રાનું આયોજન અને સંકલન કડી સર્વ વિશ્વવિદ્યાલયના NSS સેલના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર શ્રી ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *