કોરોનાનું સંક્રમણ રોકવા માટે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને હેલ્થ વર્કસનો ખુબ મોટો ફાળો રહેલો છે, રાજય સરકાર સાથે હવે સમાજના સેવભાવી સંગઠનો અને સ્વૈચ્છિક સંસ્થાઓ અને અનેક દાતાઓ પણ જોડાયા છે.
રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા યુવા અનસ્ટોપેબલના સહયોગથી સમગ્ર રાજયમાં આવેલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રાશન અને જીવન ઉપયોગી વસ્તુઓની કીટ પહોચાડવાના રાજભવનથી શરૂ કરાયેલા ‘’કોરોના સેવા યજ્ઞ’’ના બીજા તબક્કાની કીટનું આજરોજ ગાંધીનગરથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
રાજભવન ગાંધીનગર ખાતેથી શરું થયેલ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને હેલ્થકેર વર્કર્સ માટેની બીજા તબકકાની રાશન કીટ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ૧ હજાર કિટ આવી પહોચી હતી. જેનું વિતરણ જિલ્લા કલેકટરશ્રી સંદિપ સાંગલેના હસ્તે કરવામાં આવ્યું. અમદાવાદ સિવિલના કિડની હોસ્પિટલ ખાતે આવેલ રાશન કિટ અહીનાં વર્ગ- ૪ના કર્મચારીઓ, ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને હેલ્થ વર્કસને આપવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી એ જણાવ્યું હતું કે રાજભવનથી શરૂ કરાયેલા આ ‘’કોરોના સેવા યજ્ઞ’’ના માધ્યમથી ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને હોસ્પિટલોમા સતત કામ કરતા લોકો અને તેમના પરિવારનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. એમની રોજીંદી જીવન જરૂરી ચીજ વસ્તુઓની કીટ દાતાઓ તરફથી આપવમા આવતા અનેક પરિવારોને સહાય મળી રહી છે. સમગ્ર રાજયમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સનો ખુબ જ મોટો ફાળો રહેલો છે. જેના થકી આપણે કોરોનાને હરાવવામાં સફળ રહીશું.
આ પ્રસંગે અધિક નિવાસી કલેકટરશ્રી હર્ષદભાઇ વોરા, સિવિલ સુપરીટેન્ડેન્ટ શ્રી જે.વી.મોદી, સિવિલ સ્ટાફ અને વર્ગ- ૪ ના કર્મચારીઓ હાજર રહ્યા હતા.



