કચ્છમાં વર્ષ ૨૦૨૧-૨૨ ના ૭૧૭ જેટલા વિવિધ વિકાસના કામો માટે રૂ.૧૩૪૨.૪૭ લાખના કામોને બહાલી
દર મહિને તાલુકા કક્ષાએ થતી સંકલન બેઠકોમાં આયોજનના કામો અંગે સમીક્ષા કરવા સુચના આપતા કચ્છ પ્રભારી મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર
રિપોર્ટ -હસુ ઠક્કર-ભુજ
જિલ્લા આયોજન મંડળ કચ્છની બેઠક શ્રમ અને રોજગાર, ડીઝસ્ટર મેનેજમેન્ટ અને યાત્રાધામ વિકાસમંત્રીશ્રી તેમજ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી દિલીકુમાર ઠાકોરના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ રાજ્ય સરકાર તરફથી કચ્છ જિલ્લાને કુલ રૂ.૧૫૦૦.૦૦ લાખ મળવાપાત્ર થાય છે જેના આયોજન માટે બેઠક રાખવામાં આવેલ હતી. બેઠકની વિગતો અનુસાર વર્ષ ૨૦૨૧-૨૨માં મળનાર ગ્રાન્ટ સામે વિકાસના જુદા જુદા કામો મંજુર કરવામાં આવ્યા હતા. જે અન્વયે ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ (સામાન્ય) ના ૫૪૯ કામો માટે રૂ. ૯૩૨.૫૦, ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ (ખા. અંગભૂત) ના ૧૦૮ કામો માટે રૂ. ૧૮૯.૭૫ લાખ, ૫ ટકા પ્રોત્સાહક જોગવાઈ ના ૮ કામો માટે રૂ. ૨૦.૦૦ લાખ, નગરપાલિકા વિવેકાધીન જોગવાઈના ૨૫ કામો માટે રૂ. ૧૫૦.૨૨ લાખ, સામાજીક અને શૈક્ષણિક પછાત (બક્ષીપંચ) ના ૨૭ કામો માટે રૂ. ૫૦.૦૦ લાખ એમ કુલ મળી ૭૧૭ કામો માટે રૂ. ૧૩૪૨.૪૭ લાખના કામોને બહાલી આપવામાં આવી હતી.આ ઉપરાંત વર્ષ ૨૦૧૮-૧૯. વર્ષ ૨૦૧૯-૨૦ અને વર્ષ ૨૦૨૦-૨૧ ના ૧૫% વિવેકાધીન યોજના ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ, નગરપાલિકા ગ્રાન્ટના શરુ ન થયેલ અને પ્રગતિવાળા કામોની સમીક્ષા આવી હતી. વર્ષ ૨૦૧૮-૧૯ના શરૂ ન થયેલ ૧૨ તથા વર્ષ ૨૦૧૯-૨૦ના શરૂ ન થયેલ ૪૩ કામો નિયત સમયમર્યાદા જુલાઈ-૨૦૨૧ અંત સુધીમાં પૂર્ણ કરવા પણ મંત્રીશ્રી દ્વારા તાકીદ કરવામાં આવી હતી. આ તકે મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું હતું કે કોરોના કાળમાં પણ વહીવટી તંત્ર અને જનપ્રતીનિધીઓના સંકલન દ્વારા વિકાસના કામો પૂર્ણ કરવા જે મહેનત કરી છે તે અભિનંદનને પાત્ર છે. લોકહિતાર્થે રાજ્ય સરકારમાંથી વિવિધ ગ્રાન્ટ મળે છે તે અન્વયે શરૂ કરેલા કામ સમયસર પૂરા થઈ જાય તે ખૂબ જરૂરી છે અને કોઈ મુશ્કેલી સર્જાય તો જનપ્રતીનિધિઓને સાથે લઈ કામફેર માટે ની કામગીરી આગળ ધપાવવી જેથી ગ્રાંટની રકમનો વિકાસના કામો માટે સમયસર ઉપયોગ થઈ શકે.આ ઉપરાંત તેમણે દર મહિને તાલુકા કક્ષાએ થતી સંકલન બેઠકોમાં આયોજનના કામો અંગે સમીક્ષા કરી તેની પ્રગતિનો અહેવાલ તૈયાર કરી કલેકટરશ્રીને મોકલવા તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને સુચના આપી હતી. આ બેઠકમાં સામાજીક તેમજ શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રજ્યમંત્રીશ્રી વાસણભાઈ આહિરે પણ હકારાત્મક સુચનો કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ. ભુજ ધારાસભ્ય ડૉ.નિમાબેન આચાર્ય તેમજ ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ તેમના મતક્ષેત્રના કેટલાક કામો અંગે ચર્ચા કરી હતી જે અન્વયે મંત્રીશ્રીએ સંબધિત અધિકારીઓને વિકાસ કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સુચના આપી હતી. ઉપરાંત અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ તેમના મતક્ષેત્રના વિકાસના કામો અંગે રજુઆત કરી હતી જે અંતર્ગત અબડાસા તાલુકાના ધારાસભ્યશ્રી સાથે સંકલનમાં રહીને નવેસરથી સુચારુ આયોજન તૈયાર કરી સત્વરે રજૂ કરવા મંત્રીશ્રીએ સુચના આપી હતી. જિલ્લા આયોજન મંડળના સભ્ય સચિવશ્રી જે.કે.ચાવડાએ સમગ્ર આયોજનનો અહેવાલ રજુ કર્યો હતો.આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, માંડવી-મુંદ્રા ધારાસભ્યશ્રી વિરેંન્દ્રસિંહ જાડેજા, ભુજ નગરપતિશ્રી ઘનશ્યામ ઠક્કર, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.જનક માઢક, પાણી પૂરવઠા બોર્ડના મુખ્ય ઇજનેરશ્રી અશોક વનરા, પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરશ્રી એ.એસ.ગૂરવા, સિવિલ સર્જન ડૉ.એસ.કે.દામાણી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી.એન.પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી જે.પી.પ્રજાપતિ, ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી મનોજ સોલંકી, નાયબ માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસીયા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી પંચાલ તેમજ જિલ્લા આયોજન કચેરીના શ્રી પ્રહલાદસિંહ જાડેજા અને ચેતનસિંહ ગોહિલ તેમજ જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા. તેમજ આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તેમજ પ્રાંત અઘિકારીશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ. તાલુકા વિકાસ અધિકારીશ્રીઓએ ઓનલાઈન હાજરી આપી હતી.

