ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલની નાગરિકોને અપીલ: ‘જનગણના ૨૦૨૭’ ની ઓનલાઈન પ્રક્રિયામાં જોડાઈ રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનો

રાજ્ય સરકારના સત્તાવાર પોર્ટલ પર સવારે ૬:૦૦ થી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકશે

સ્વ-ગણતરી માટે કોઈ પણ પ્રકારના દસ્તાવેજો કે ડોક્યુમેન્ટની જરૂરિયાત નથી: મુશ્કેલીના નિવારણ માટે સત્તાવાર ટોલ-ફ્રી નંબર ૧૮૫૫ જાહેર કરાયો


ભારત સરકાર દ્વારા આગામી ‘જનગણના ૨૦૨૭’ની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રાષ્ટ્રીય મહત્વના કાર્યમાં ગાંધીનગર જિલ્લા અને ખાસ કરીને ગાંધીનગર ઉત્તર વિધાનસભા ક્ષેત્રના તમામ નાગરિકો ઉત્સાહભેર જોડાય તે માટે ગાંધીનગર ઉત્તરના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે ભાવભરી અપીલ કરી છે.
ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, ડિજિટલ અને ઓનલાઈન જનગણના પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પ્રક્રિયા અત્યંત સરળ, સુરક્ષિત અને પેપરલેસ છે. નાગરિકોની સુવિધા માટે આ ઓનલાઈન પ્રક્રિયા દરરોજ સવારે ૦૬:૦૦ વાગ્યાથી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. રાજ્યના કોઈપણ ખૂણેથી નાગરિકો પોતાના ઘરબેઠા મોબાઈલ, લેપટોપ કે કમ્પ્યુટરના માધ્યમથી પોતાની અને પોતાના પરિવારની સાચી અને સચોટ માહિતી ભરીને સ્વ-ગણતરી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે.
આ પ્રક્રિયાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં નાગરિકોએ કોઈપણ પ્રકારના દસ્તાવેજ અપલોડ કરવાની કે સાથે રાખવાની જરૂર નથી. ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે ઉમેર્યું હતું કે, “મેં પણ મારા પરિવારની તમામ માહિતી સાથે આ ઓનલાઈન પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક સ્વ-ગણતરી પૂર્ણ કરી છે, જે દર્શાવે છે કે આ સિસ્ટમ વાપરવામાં ખૂબ જ સરળ છે.”
જો કોઈ નાગરિકને ઓનલાઈન ફોર્મ ભરવામાં કે રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં કોઈ તકલીફ અથવા મૂંઝવણ જણાય, તો તેના ત્વરિત નિવારણ માટે સરકારના સત્તાવાર પોર્ટલ પર ટોલ-ફ્રી નંબર ૧૮૫૫ જાહેર કરવામાં આવ્યો છે, જ્યાંથી જરૂરી માર્ગદર્શન મેળવી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જનગણના દ્વારા એકત્રિત થનારી સચોટ માહિતી આગામી સમયમાં સરકાર દ્વારા બનાવવામાં આવતી વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના સુચારુ અમલીકરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ ડેટા દેશના વિકાસના આયોજનને વધુ મજબૂત અને દિશાાપૂર્વકનું બનાવશે.
ધારાસભ્યશ્રીએ ગાંધીનગરના તમામ પ્રબુદ્ધ નાગરિકોને આ પ્રક્રિયામાં વહેલી તકે જોડાઈને રાષ્ટ્રનિર્માણના આ મહાયજ્ઞમાં પોતાનો અમૂલ્ય સહયોગ આપવા માટે હાર્દિક અનુરોધ કર્યો છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM